ક્રૂડતેલનો ભરાવો દૂર થઈ ગયો : ઓપેક

ક્રૂડતેલનો ભરાવો દૂર થઈ ગયો : ઓપેક
 
લંડન, તા. 15 મે
ક્રૂડતેલનો વૈશ્વિક ભરાવો હવે દૂર થઈ ગયો છે. ઓર્ગેનાઈઝેશન અૉફ ધ પેટ્રોલિયમ એક્ષ્પોર્ટિંગ કન્ટ્રીઝ (ઓપેક)ના કહેવા મુજબ જાન્યુઆરી, 2017થી ઓપેકના નેતૃત્વમાં પુરવઠા કાપના કરાર અને ઝડપથી વધતી માગને પગલે માલભરાવો દૂર થઈ ગયો હતો.
ઓપેક અને ઓપેક બહારના તેલ ઉત્પાદકો વચ્ચે પુરવઠો ઘટાડવાના અને વૈશ્વિક ભરાવાને હળવો કરવાના કરારથી ક્રૂડતેલના ભાવ 2014થી ઉચ્ચતમ સ્તરે બેરલ દીઠ 78 ડૉલર થઈ શક્યા છે.
સોમવારે ઓપેકે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે વિકસિત દેશોમાં ક્રૂડતેલનો જથ્થો માર્ચમાં ઘટીને 90 લાખ બેરલ થયો હતો, જે પાંચ વર્ષની સરેરાશ કરતાં વધારે હતો, પરંતુ જાન્યુઆરી, 2017માં 3400 લાખ બેરલની સરેરાશ કરતાં ઓછો હતો.
એપ્રિલમાં ફરીથી સર્જાયેલી ભૂ-રાજકીય ઘટનાઓ, ઉત્પાદનની તંગ સ્થિતિ અને નોંધપાત્ર વૈશ્વિક માગથી તેલબજારને ટેકો મળ્યો હતો, એમ ઓપેકે તેના અહેવાલમાં જણાવ્યું છે. સહયોગની ઘોષણા મારફત ઉત્પાદન સમાયોજનાની દૃષ્ટિએ ઓપેક અને નોન-ઓપેક દેશો વચ્ચે મજબૂત સંવાદિતા છે એને લીધે પણ તેલબજારને ટેકો મળી રહ્યો છે.
પુરવઠા કાપનો આશય, વધારાના ક્રૂડતેલનો જથ્થો પાંચ વર્ષની સરેરાશના સ્તરે ઘટાડવાનો હતો, પરંતુ તેલપ્રધાને કહ્યું હતું કે અન્ય માપદંડો જેવા કે ઈન્ડસ્ટ્રીનાં રોકાણને પણ ધ્યાનમાં લેવા જોઈએ. આ નિવેદન સૂચવે છે કે પુરવઠાને અંકુશિત કરવાની ઓપેકને ઉતાવળ નથી.
સ્વૈચ્છિક ઉત્પાદનકાપ ઉપરાંત વેનેઝુએલાના ક્રૃ|ડતેલના ઉત્પાદનમાં ઘટાડો અને ઈરાન સાથેના અણુકરારમાંથી હટી જવાની અમેરિકાની જાહેરાતથી પણ તેલના ભાવને ટેકો મળ્યો છે. ઓપેકે રાજકીય ઘટનાઓને પગલે તેલનો પુરવઠો ઘટે તો વચ્ચે પડવાની ખાતરી આપી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer