વૉલ માર્ટ દેશના 60 લાખ કરિયાણા દુકાનોનો સાથ મેળવશે

વૉલ માર્ટ દેશના 60 લાખ કરિયાણા દુકાનોનો સાથ મેળવશે

ગ્રોસરી ધંધો વધીને રૂા. 100 અબજનો થશે, તેમાંની અૉનલાઈન શૃંખલા જામશે
 
બેંગલુરુ, તા. 15 મે
ફ્લિપ કાર્ટ - વૉલ માર્ટના જોડાણથી હાઈપર માર્કેટ અને છૂટક કરિયાણાની દુકાનોને ભારે ફાયદો થશે. આના કારણે છૂટક કરિયાણા ધંધો રૂા. 10,000 કરોડનો થઈ જાય તેવી શક્યતા છે. ફ્લિપ કાર્ટ - વૉલ માર્ટ દેશભરના 60 લાખ જેટલા કરિયાણાના છૂટક દુકાનદારોનો સહયોગ મેળવવાની યોજના ધરાવે છે. તેઓ આ કરિયાણા દુકાનોને આધુનિકીકરણ ડિજિટલાઈઝેશન અને રોકડવિહોણા સોદાની સિસ્ટમ તરફ વાળશે.
ભારતીય રિટેલ ક્ષેત્રે હવે એમેઝોન અને વૉલ માર્ટ એમ બે મોટા હરીફો જ રહેશે. આથી માળખાકીય, ખાસ કરીને સોર્સિંગ અને લોજિસ્ટિકસમાં રોકાણ વધશે.
અૉનલાઈન ગ્રોસરી ક્ષેત્રનો 65થી 70 ટકાના વિકાસદર સાથે સૌથી ઝડપી વિકાસ થવાની ધારણા છે.
ભારતમાં ગ્રોસરી ફિઝિકલ રિટેલિંગમાં માત્ર 49 ટકા વિદેશી સીધા રોકાણ (એફડીઆઈ)ની છૂટ છે. આમ છતાં વૉલ માર્ટ ભારતમાં 21 બેસ્ટ પ્રાઈસ સ્ટોર મારફત બીટુબી કેસ-એન્ડ-કેરી બિઝનેસમાં છે. વૉલ માર્ટની ઉત્પાદનોની સસ્તી ખરીદીની નિપુણતા છે અને સ્ટેપલ ફૂડ અને ગ્રોસરી પર વધુ ધ્યાન છે. આથી સીધા ખેતરોમાંથી તે કૃષિ આઈટમો ખરીદશે, સપોર્ટિંગ ઈન્ફ્રાસ્ટ્રકચર વધારશે, ટ્રાન્સપોર્ટ અને વેરહાઉસિંગ સવલતો વધારશે.
ચાઈનીઝ અલીબાબા ગ્રુપ ભારતમાં ત્રીજો પ્લેયર બની રહેવાની ધારણા છે. આ ઉપરાંત મુકેશ અંબાણીના રિલાયન્સ ગ્રુપે પણ ઈ-કોમર્સમાં પ્રવેશવાની જાહેરાત કરી દીધી છે. આમ અૉનલાઈન રિટેલ વેચાણ ક્ષેત્રે હરીફાઈ વધુ ગાઢ બનવાની ધારણા છે. આથી ભારતીય જનતાને સસ્તાં ઉત્પાદનો અને અદ્યતન ટેક્નૉલૉજી અને અદ્યતન વૈશ્વિક ટ્રેડ પ્રેક્ટિસનો લાભ મળશે.
ધી કન્ફિડરેશન અૉફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેઈટ)એ વૉલ માર્ટ - ફ્લિપ કાર્ટ સોદાનો વિરોધ કર્યો છે અને જણાવ્યું છે કે જ્યાં સુધી ભારતમાં ઈ-કોમર્સ માટે રેગ્યુલેટરી બોડી અને નેશનલ પૉલિસી ન ઘડાય ત્યાં સુધી આ સોદા પર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer