મંડીના આડતિયાઓએ કૃષિ?સામગ્રીમાં માહેર થવું પડશે

મંડીના આડતિયાઓએ કૃષિ?સામગ્રીમાં માહેર થવું પડશે

નવી દિલ્હી, તા. 15 મે
અનાજમાં જંતુનાશકોનું ઊંચું પ્રમાણ અને બનાવટી દવાઓની સમસ્યાનો સામનો કરી રહેલી સરકાર મંડીઓમાંના કમિશન એજન્ટો માટે કૃષિ સામગ્રીનું જ્ઞાન ફરજિયાત બનાવવાનું વિચારી રહી છે.
ગયા મહિને કેન્દ્ર સરકાર ઉપરાંત હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશના કૃષિ અધિકારીઓની બેઠકમાં ખેતપેદાશોની મંડીઓને બિયારણ, ખાતર અને જંતુનાશકો જેવી ઉત્પાદક સામગ્રીના વેચાણ માટે મહત્ત્વના કેન્દ્રોં બનાવવાની શક્યતા વિશે વિચારણા થઈ હતી.
આડતિયા અને કમિશન એજન્ટોને વિવિધ કૃષિ ઉત્પાદક સામગ્રીની ગુણવત્તા વિશે પર્યાપ્ત સમજણ હોવી આવશ્યક છે કેમ કે સામાન્ય રીતે ખેડૂતો તેમની સલાહ લેતાં હોય છે. બિયારણની ગુણવત્તા, વિવિધ બિયારણની માવજત અને વિવિધ પ્રકારનાં જંતુનાશકોનું તેમનું જ્ઞાન ટૂંકા ગાળાના કોર્સ દ્વારા સુધારી શકાય એમ છે, એમ ઓલ ઇન્ડિયા રાઇસ એક્ષપોર્ટસ ઍસોસિયેશન (એઆઈઆઈએ)ના પ્રમુખ વિજય સેટિયાએ કહ્યું હતું.
આ સમસ્યા માત્ર નિકાસ પૂરતી જ નથી. આપણા નાગરિકો જે અનાજ ખાય છે તે હાનિરહિત હોય તે વધુ મહત્ત્વનું છે, એમ સેટિયાએ જણાવ્યું હતું. સૂચિત બેઠકમાં સહભાગી થયેલા કૃષિમંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ આ વાત રાજ્ય સરકારની એજન્સીઓ સાથે ઉપાડી લેશે.
પ્રારંભમાં બાસમતી ચોખાના દૃષ્ટાંત રૂપ પાક તરીકે લઇને પછી તેની કામગીરી અન્ય પાક સુધી લંબાવવાનું નક્કી કરાયું હતું. ભારતીય બાસમતી ચોખામાં ટ્રાઇસાઇકલા ઝોલ જંતુનાશકો વધુ પડતી માત્રામાં હોવાથી યુરોપમાં તેની નિકાસ રૂંધાય છે.
યુરોપિયન યુનિયન ઉપરાંત બીજા પણ ઘણા દેશોએ હવે જંતુનાશકોના પ્રમાણ વિશે વાત કરવાનું શરૂ કર્યું છે તેથી ટૂંક સમયમાં આ સમસ્યા વ્યાપક બનશે, એમ એઆઈઆરઇએના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રાજેન સુદર્શને કહ્યું હતું.
ખેડૂતોને આવશ્યક બધી જ ઉત્પાદક સામગ્રીનું વેચાણ મંડીમાં કે તેની આસપાસના વિસ્તારમાં થાય તેવું અમે ઇચ્છીએ છીએ, જેથી ઉત્પાદક સામગ્રી પર યોગ્ય દેખરેખ રાખવાનું શક્ય બને એમ સુદર્શને કહ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer