સાઉદી અરેબિયાએ ચકાસણી કડક બનાવતાં એલચીમાં ગાબડું

સાઉદી અરેબિયાએ ચકાસણી કડક બનાવતાં એલચીમાં ગાબડું

કોચી, તા. 15 મે
 સાઉદી અરેબિયાએ બચેલા જંતુનાશકોના પ્રમાણની ચકાસણી કડક બનાવતાં ભારતની નાની એલચીની નિકાસને માઠી અસર થઈ છે- અને સ્થાનિક બજારમાં તેના ભાવ ઘટી ગયા છે.
એલચીના સરેરાશ ભાવ કિલોદીઠ રૂા. 900-1000 જેવા ચાલતા હતા તે ઘટીને રૂા. 800 પર આવી ગયા છે. એલચીની આવકો જળવાઈ રહી છે. ભારતની એલચીના નિકાસમાં સાઉદી અરેબિયાનો હિસ્સો 90 ટકા છે.
આયાતી એલચીની ચકાસણીના નિયમો કડક બનાવવાનો નિર્ણય એપ્રિલની મધ્યમાં લેવાયો હતો તેને પગલે નિકાસ ધીમી પડી ગઈ છે, એમ એક અગ્રણી નિકાસકારે જણાવ્યું હતું.
તેજાનાની નિકાસ માટે જરૂરી એવું સ્પાઇસિસ બોર્ડનું પ્રમાણપત્ર મેળવવા માટે બચેલા જંતુનાશકોની તપાસ કરાવવી આવશ્યક નથી. એલચીના બગીચાઓમાં જંતુનાશકો વપરાય છે, પણ સાઉદી અરેબિયા કડક તપાસનો આગ્રહ રાખતું ન હોવાથી નિકાસકારો નિશ્ચિંત રહેતા હતા. હવે તેણે બધા જ ખાદ્યપદાર્થો માટેના ધારાધોરણો કડક બનાવ્યા છે.
કેટલી હદ સુધીનું પ્રમાણ શમ્ય ગણાશે તેની વિગતો તેઓ અમને આવતા નથી એમ ઉપરોક્ત નિકાસકારે કહ્યું હતું. એલચીની નિકાસ નવી વિક્રમ સપાટીએ પહોંચવામાં હતી ત્યારે જ આ વિઘ્ન આવી પડયું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer