ખાંડ પર રૂા. 6700 કરોડનો સેસ નાખવા સમિતિ નિમાઈ

ખાંડ પર રૂા. 6700 કરોડનો સેસ નાખવા સમિતિ નિમાઈ
 
નવી દિલ્હી, તા. 15 મે
ખાંડ પર સેસ નાખવા માટે કેન્દ્ર સરકાર મક્કમ છે. આસામના નાણાપ્રધાન હિમંત બિસ્વા શર્માની આગેવાની નીચે કેટલાંક રાજ્યોના નાણાપ્રધાનોની એક સમિતિની રચના કરાઈ છે. સમિતિ આ મુદ્દે સર્વસંમતિ સાધવાનો પ્રયાસ કરશે અને પછી તેને આખરી નિર્ણય માટે ગુડ્ઝ એન્ડ સર્વિસીસ ટૅક્સ કાઉન્સિલ સમક્ષ રજૂ કરશે. જીએસટી કાઉન્સિલ પ્રસ્તાવને મંજૂરી આપી દે તે પછી તેને માટે વટહુકમ બહાર પાડવામાં આવી શકે.     
પ્રસ્તાવ ખાંડ પર કિલો દીઠ ત્રણ રૂપિયા સુધીનો સેસ નાખવાનો છે. પાંચ ટકા જીએસટી અલગ. આ સેસમાંથી કેન્દ્ર સરકારને રૂા.6700 કરોડની આવક થવાની આશા છે. કાઉન્સિલ સેસનો દર નક્કી કરવાની સત્તા કેન્દ્ર સરકારને આપશે. બહુસ્તરીય કરવેરાની કારણે ગૂંચવાડો ન થાય એ માટે આ સેસ માત્ર એક જ સ્તરે (ખાંડ મિલો દ્વારા અપાતા પુરવઠા પર અને આયાત પર જ) નાખવામાં આવશે. ખાંડ મિલોની બહાર કરાતા વેચાણ પર તે લાગુ નહીં પડે.    
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ સેસની રકમમાંથી એક ભંડોળ ઊભું કરવામાં આવશે જેનો ઉપયોગ ખેડૂતોના હિતમાં બજારમાં સત્વરે દરમિયાનગીરી કરવા માટે થશે. ઉદ્યોગની ચક્રાકાર તરાહને કારણે આવું ભંડોળ જરૂરી બન્યું છે.  
જીએસટી કાઉન્સિલની 4 મેની બઠકમાં આ પ્રસ્તાવ રજૂ થયો હતો, પરંતુ આંધ્ર પ્રદેશ, કેરળ અને પશ્ચિમ બંગાળના વિરોધને લીધે તે પસાર થઇ શક્યો નહોતો. હવે આ પ્રસ્તાવનાં વિવિધ પાસાં તપાસવા રાજ્યોનાં નાણાપ્રધાનોની સમિતિ નિમાઈ છે. તેને પોતાનો અહેવાલ 15 દિવસમાં આપવાનો છે.  
અગાઉ ખાંડ પર સેસ હતો પણ જીએસટી અમલમાં આવતા તેને જીએસટીમાં સમાવી લેવાયો હતો. અત્યારે ખાંડ ઉદ્યોગના અને ખાસ કરીને ખેડૂતના હિતમાં બજારમાં દરમિયાનગીરી કરવા માટે કોઈ વિશિષ્ટ ભંડોળ ઉપલબ્ધ નથી, એમ તે અધિકારીએ કહ્યું હતું. ખાંડ ઉદ્યોગ રાજકીય દૃષ્ટિએ અગત્યનો છે કેમ કે દેશમાં પાંચ કરોડ ખેડૂતો શેરડીની ખેતીમાં રોકાયેલા છે. ખાંડ મિલોમાં પાંચ લાખ કામદારો કામ કરે છે અને સંલગ્ન ઉદ્યોગોમાં બીજા લાખોને કામ મળે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer