રૂપિયો નબળો પડતાં બિનલોહ ધાતુ ઉદ્યોગની સમસ્યા વધી

રૂપિયો નબળો પડતાં બિનલોહ ધાતુ ઉદ્યોગની સમસ્યા વધી
 
સૈફી રંગવાલા
મુંબઈ, તા. 15 મે
આંતરરાષ્ટ્રીય બજારમાં તાંબા-નિકલના ભાવમાં ઝડપી ઉછાળા પછી હવે છેલ્લા એકાદ મહિનામાં ડૉલર સામે રૂપિયાનો ભાવ ઘટીને રૂા. 67 ઉપર ગયો છે. સ્થાનિક બિનલોહ ધાતુ ઉદ્યોગમાં વર્જિન સાદો સેકન્ડરી (ભંગારમાંથી પરિવર્તિત) બિનલોહ ધાતુની મુખ્યત્વે તાંબા અને પિત્તળની ચીજવસ્તુઓ બનાવનાર અને ધાતુઓને શુદ્ધ કરનાર એકમોના માર્જીન પર અત્યારે દબાણ ઊભું થયું છે. સ્થાનિક તાંબાના આયાતકાર સૂત્રોએ જણાવ્યું છે કે `અગાઉ કરતાં આયાતી તાંબા ભંગારનું એફઓબી મૂલ્ય અંદાજે 3થી 3.5 ટકા વધી ગયું છે. બીજી તરફ પરિવહન અને અન્ય ખર્ચ વધવાથી ભંગારને પિગળાવીને અર્ધતૈયાર ધાતુ તૈયાર કરવાનો ખર્ચ વધ્યો છે. જેથી આ પ્રોડક્ટની પડતર વધી ગઈ છે, પણ બજારમાં ખરીદનાર તુરંત વધુ ભાવ આપવા તૈયાર નથી.
બીજી તરફ માર્જિનમાંથી પ્રોડક્ટ તૈયાર કરનારની કઠણાઈ પણ વધી છે. આંતરરાષ્ટ્રીય બજારમાંથી વર્જીન પ્રોડક્ટ અથવા વાયર રોડ-કેથોડ આયાતકાર કરનાએ માલ મોંઘો પડે છે, જ્યારે સ્થાનિકમાં વર્જિન પ્રોડક્ટના ભાવ ઊંચા હોવાથી સેમી ફિનિશ્ડ અને વર્જિન માલો વચ્ચેનો અગાઉનો બેથી 2.5 ટકાનો તફાવત એ વધીને 4થી 5 ટકાએ (મોંઘો) થયો છે. તેથી સમગ્ર રીતે બિનલોહ ધાતુ ઉદ્યોગના આયાતકારથી લઈને મૅન્યુફૅક્ચરર સુધીના એકમો અને સમગ્ર બિઝનસ પર દબાણ આવ્યું છે.
મુંબઈમાં અગ્રણી બિનલોહ ધાતુ મૅન્યુફૅક્ચરરો આ મુદ્દે મુંઝવણમાં છે. જોકે, સંપૂર્ણ પણે નિકાસ માટે ચીજવસ્તુઓ બનાવનારને મોઘું લાવીને પણ નુકસાન નથી, કેમ કે તેમને મોંઘા ડૉલર સામે વધુ કમાણી થાય છે, પરંતુ દેશમાં મુખ્યત્વે જામનગર, રાજકોટ અને મુંબઈ આસપાસ સ્થાનિકના 80 ટકા જેટલા ઔદ્યોગિક એકમો જે ફ્રીજ, એસી, પંખા, વાહન અને સંરક્ષણ સુદ્ધાનાં પાર્ટ્સ અને કમ્પોનન્ટ બનાવે છે તેમના પરની ભીંસ વધી ગઈ છે. બૉમ્બે મેટલ એક્સ્ચેન્જના ભૂતપૂર્વ પ્રમુખ અશોક બાફનાએ જણાવ્યું કે સેમી ફિનિક્સ અને વર્જિન પ્રોડક્ટ વચ્ચેનો તફાવત વધ્યો છે, પણ વપરાશકાર અને આ તફાવત આપવા તૈયાર થતા નથી, કારણ કે તેમને સેમીમાં સસ્તો માલ મળી રહે છે. તેથી વર્જિન પ્રોડક્ટો બનાવનારના માર્જિન પર દબાણ આવે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer