સુરતમાં બુલેટ ટ્રેન માટે જમીનનાં વળતર મામલે ખેડૂતોનો આક્રોશ વધ્યો

સુરતમાં બુલેટ ટ્રેન માટે જમીનનાં વળતર મામલે ખેડૂતોનો આક્રોશ વધ્યો

ખેડૂતોએ જમીનનો બજારભાવ માગ્યો

અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 15 મે
બુલેટ ટ્રેન, વડોદરા-મુંબઈ વચ્ચે બનનારા એક્સપ્રેસ હાઈવે અને હાઈસ્પીડ રેલ કોરીડોર એમ ત્રણેય પ્રોજેક્ટ માટે ખેડૂતો પાસે ફરજિયાત જમીન સંપાદન કરાવવામાં આવી રહ્યું છે. જે સામે ખેડૂતોનો આક્રોશ દિવસેને દિવસે વધી રહ્યો છે.
સુરત કલેક્ટર ધવલ પટેલ સાથે તાજેતરમાં ખેડૂતોની બેઠક યોજાઇ હતી પણ એમાં અપેક્ષા કરતાં ઓછી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતાં. આમ છતાં ખેડૂતોએ જમીન સંપાદનનાં વળતર સહિતનાં મુદ્દે કલેક્ટર સમક્ષ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનાં મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને સમયસર સાકાર કરવા માટે કેન્દ્ર સરકાર ઝડપભેર કામ કરી રહી છે. બુલેટ ટ્રેન માટે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં જમીન સંપાદન માટેની કાર્યવાહી ઝડપી બનાવવામાં આવી છે. સુરતમાં જમીન સંપાદન કરવા માટે કલેક્ટરે પરિપત્ર બહાર પાડ્યો છે. આ પ્રોજેક્ટના ખર્ચ, ઉપયોગિતા, પ્રતિકૂળ અસરો, વળતર તેમ જ જમીનનાં બીજા પ્રશ્નો બાબતે ખેડૂતોને માહિતીગાર કરવા માટે કલેક્ટર દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું તે પહેલાં જ જિલ્લા પંચાયતનાં સભ્ય અને ખેડૂત આગેવાન દર્શન નાયકની અટકાયત કરવામાં આવતાં ખેડૂતો વીફર્યા હતાં. જોકે, કલેક્ટર ધવલ પટેલનાં હસ્તક્ષેપ બાદ નાયક સહિતનાં ખેડૂતોને બેઠકમાં ભાગ લેવા માટે સમજાવવામાં આવ્યા હતાં. 
બેઠકમાં અપેક્ષા કરતાં ઓછી સંખ્યામાં ખેડૂતોની ઉપસ્થિતિ હોવા છતાં ખેડૂતોએ કલેક્ટર ધવલ પટેલ સમક્ષ જંત્રી પ્રમાણે નહિ પરંતુ બજાર કિંમત પ્રમાણે જમીનની કિંમતની ઉગ્ર માગ કરી હતી. તેમ જ ખેડૂતોને આવી બેઠક મામલે પણ જાણ કરવામાં આવતી નથી તેવી બૂમરાણ મચી હતી. તેમ જ જો સરકાર જંત્રી મુજબ વળતર ચૂકવવા તૈયાર હોય તો જંત્રીનાં ભાવમાં વધારો કરવાની રજૂઆત ખેડૂતોએ કરી હતી. 
બેઠકમાં ઉપસ્થિત કેટલાંક ખેડૂતોએ કલેક્ટરને કહ્યું કે, અગાઉ પણ હાઈવેનાં પ્રોજેક્ટમાં અમારી જમીન ગઈ હતી. હવે એક્સપ્રેસ હાઈવેનાં મુદ્દે પણ જમીન જવાની છે. સરકારે અગાઉ અમને ચોરસમીટર દીઠ રૂા. 36નાં પ્રમાણે વળતર આપ્યું હતું. જે બજારકિંમત કરતાં ઘણું ઓછું હતું. સરકાર અમારી પાસે જમીન પડાવી લેવા તત્પર છે પરંતુ, અમને પોષણયુક્ત વળતર આપવામાં ઠાગાઠૈયા કરે છે. બુલેટ ટ્રેનનાં પ્રોજેક્ટમાં સુરતનાં કઠોર વિસ્તારનાં એક ખેડૂતની જમીન અને ઘર બન્ને જાય છે. આવા સંજોગોમાં ખેડૂતો ઉંચા વળતરની માગ સરકાર સમક્ષ કરી રહ્યા છે. બેઠકમાં ઉપસ્થિત કલેક્ટર ધવલ પટેલે નિયમ મુજબ ખેડૂતોને વળતર આપવાની ખાતરી આપી હતી.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer