ઈરાન ઉપર અમેરિકાના પ્રતિબંધનો ભારતને ફાયદો કૃષિ-કૉમોડિટીઝની નિકાસ વધશે

ઈરાન ઉપર અમેરિકાના પ્રતિબંધનો ભારતને ફાયદો કૃષિ-કૉમોડિટીઝની નિકાસ વધશે
 

નવી દિલ્હી, તા. 15 મે

ઈરાન ઉપર ફરી પ્રતિબંધો લાદવાના અમેરિકાના નિર્ણયને પગલે આગામી મહિનાઓમાં ચા, બાસમતી ચોખા, સોયાબિનની ખાદ્યચીજો તેમ જ ખાંડ જેવાં કૃષિ-ઉત્પાદનોની ઈરાનને નિકાસ કરવા માટે ભારતને વધુ તક મળશે. આનું મુખ્ય કારણ રૂપિ-રિયાલ પેમેન્ટ મિકેનિઝમ હોવાનું સૂત્રો જણાવે છે. ઉદાહરણ રૂપે એક કૃષિ ઉત્પાદનની નિકાસનું ચિત્ર જોઈએ તો, ચા ઉદ્યોગના અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રીમિયમ પ્રણાલિકાગત ચાની નિકાસો વધશે, કેમકે પ્રણાલિકાગત ચાના વૈશ્વિક બજારમાં ભારતનો મુખ્ય સ્પર્ધક દેશ શ્રીલંકા છે અને તેણે ઈરાન સાથે ડૉલરમાં વ્યવહાર કરવો પડે છે, જેથી તેની નિકાસો ઘટવાની સંભાવના છે.

ઇન્ડિયન ટી ઍસોસિયેશન (આઈટીએ)ના અધ્યક્ષ આઝમ મોનેમે જણાવ્યું હતું કે ઈરાન ઉપર અમેરિકાના પ્રતિબંધોની ભારત ઉપર કોઈ અસર નહીં થાય, કેમકે આપણે અગાઉથી જ રૂપિ-રિયાલ પેમેન્ટ મિકેનિઝમ અપનાવેલી છે. મોનેમે આશા વ્યક્ત કરી હતી કે ઈરાનને કરવામાં આવતી ચાની નિકાસો વર્ષ 2016-17માં 3.12 કરોડ કિલોગ્રામથી 28.67 ટકા વધીને ચાલુ નાણાં વર્ષે પાંચ કરોડ કિલોગ્રામ થવાનું અનુમાન છે. ઈરાન દર વર્ષે 11થી 12 કરોડ કિલોગ્રામ ચા ખરીદે છે. 

એ જ રીતે, બાસમતી ચોખાના નિકાસકારો જણાવે છે કે ઈરાન, બાસમતી ચોખાની સૌથી વધુ આયાત કરનારા દેશોમાં સ્થાન ધરાવે છે. અમેરિકાના પ્રતિબંધોના ભયને પગલે ઈરાને છેલ્લા એક મહિનામાં આયાતો વધારી છે. એકવાર ઈરાન ભારતીય ચલણ સ્વીકારતું થશે, પછી નિકાસોમાં વધુ વધારો જોવા મળશે. અૉલ ઇન્ડિયા રાઈસ એક્સપોર્ટર્સ ઍસોસિયેશનના પ્રેસિડેન્ટ વિજય સેટિયાએ જણાવ્યું હતું કે હાલમાં ઈરાનના ટ્રેડર્સ અને કંપનીઓ બાસમતી ચોખાની ખરીદી સામે યુરોમાં પેમેન્ટ ચૂકવે છે. દેશમાં યુરો અને ડૉલરની ખેંચ છે અને જો આપણે ફરી રૂપિ મિકેનિઝમમાં વેપાર કરી શકીશું તો નિકાસો વધશે.

ઈરાન, ભારતના બાસમતી ચોખાનો સૌથી મોટો ગ્રાહક છે. ગયા વર્ષે ભારતીય નિકાસકારોએ કુલ 39.5 લાખ ટન બાસમતી ચોખાની નિકાસ કરી હતી, જેમાંથી 8.5 લાખ ટન ચોખા ઈરાને ખરીદ્યા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer