ઈરાન સાથે રૂપી ટ્રેડ પુન:જીવિત કરવા ભારતનો પ્રયાસ

ઈરાન સાથે રૂપી ટ્રેડ પુન:જીવિત કરવા ભારતનો પ્રયાસ

નવી દિલ્હી, તા. 15 મે
ઈરાન સાથે રૂપિયામાં વેપાર કરવાની વ્યવસ્થા ફરી શરૂ કરવા માટે ભારત પ્રયાસ કરશે. ઈરાન પર અગાઉ પશ્ચિમી દેશોએ આર્થિક પ્રતિબંધો લાદ્યા હતા ત્યારે આ વ્યવસ્થા ઈરાન સાથેનો વેપાર ટકાવવામાં ઉપયોગી નીવડી હતી.
હવે ભારત બે કારણથી આ વ્યવસ્થા ફરીથી સજીવન કરવા પ્રયાસ કરશે. ઈરાનની નિકાસ બજાર કબજે કરવા ચીન દ્વારા કરાઈ રહેલા પ્રયાસો વિશે ભારત સાશંક છે. બીજું જો તાજેતરના પ્રતિબંધોની અસર યુરોને પણ થાય તો ઈરાનને ક્યા ચલણમાં ચુકવણું કરવું એ પ્રશ્ન ઊભો થાય. ભારતના કાપડ અને સ્ટીલના નિકાસકારો ઈરાની ગ્રાહકો સાથે સોદાને આખરી રૂપ આપવામાં હતા ત્યારે જ અમેરિકાના પ્રતિબંધો આવી પડયા છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેનો 2015નો સીમાચિહ્નરૂપ અણુસોદા રદ કર્યાના એક સપ્તાહ બાદ ઈરાનના શાસકો પણ આ મંત્રણાઓને આગળ ધપાવવા આતુર છે, એમ એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું.
2012માં ભારતે ઈરાન સાથે એવી ગોઠવણ કરી હતી કે ઈરાન ભારતને જે તેલ વેચે તેની કિંમતનો કેટલોક હિસ્સો ભારતની બૅન્કમાં જમા રહે જેનો ઉપયોગ ઈરાન ભારત પાસેથી ચીજવસ્તુઓ ખરીદવા માટે કરી શકે. પરંતુ પાછળથી પ્રતિબંધો વધુ કડક બન્યા ત્યારે આ ગોઠવણ ચાલુ રાખવી મુશ્કેલ બની ગઈ, કારણ કે યુકો બૅન્ક મારફત ભારતીય નિકાસકારોને નાણાં ચૂકવવાની વ્યવસ્થા તૂટી પડી.
2017-18ના પ્રથમ દસ માસમાં ભારત અને ઈરાન વચ્ચેનો કુલ વેપાર 12.4 અબજ ડૉલરનો હતો, જે આગલે વર્ષે 12.9 અબજ ડૉલરનો હતો. વેપારમાં મોટો હિસ્સો, આશરે આઠ અબજ ડૉલર, તેલનો હતો.
જર્મની અને ફ્રાન્સે ઈરાન સાથેના અણુકરારને સમર્થન આપ્યું છે. તેથી ભારતીય તેલ કંપનીઓને આશા બંધાઈ છે કે ઈરાનના તેલ માટેની ચુકવણી યુરોમાં થઈ શકશે. આમ છતાં ક્રૂડતેલના ભાવમાં તીવ્ર વધારો થવાની શક્યતા જોતાં ભારત ચુકવણીની વૈકલ્પિક ગોઠવણ કરવા આતુર છે. ગયે અઠવાડિયે બ્રેન્ટ ક્રૂડનો ભાવ બેરલ દીઠ 77 ડૉલરને સ્પર્શ્યો હતો, જે નવેમ્બર 2014થી સૌથી ઊંચો ભાવ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer