રાજકીય અનિશ્ચિતતાને પગલે સેન્સેક્ષ 437 પૉઈન્ટ સરકીને ફ્લૅટ બંધ

રાજકીય અનિશ્ચિતતાને પગલે સેન્સેક્ષ 437 પૉઈન્ટ સરકીને ફ્લૅટ બંધ
 
નિફ્ટીએ 10,800ની સાયકોલૉજિકલ સપાટી જાળવી રાખી

વ્યાપાર ટીમ
મુંબઈ, તા. 15 મે
કર્ણાટકની ચૂંટણીનાં પરિણામો પછી સરકાર રચવા બાબતે અનિશ્ચિતતા વચ્ચે સૂચકાંકો દિવસની ટોચ ઉપરથી ગબડીને ફ્લેટ બંધ થયા હતા. મુંબઈ શૅરબજારમાં સેન્સેક્ષ દિવસની ટોચથી 437 પૉઈન્ટ સરક્યો હતો અને દિવસને અંતે 12.77 પોઈન્ટ ઘટીને 35,543.94એ તેમ જ એનએસઈનો નિફ્ટી 4.70 પોઈન્ટ ઘટીને 10,801.85એ બંધ નોંધાયો હતો. નાટયાત્મક ઘટનાક્રમમાં કૉંગ્રેસે જનતા દળ (સેક્યુલર)ને ટેકો જાહેર કરીને સરકાર રચવાનો દાવો કરતાં મુખ્ય સૂચકાંકોમાં ઝડપી ઘટાડા ઉપરાંત બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો પણ અનુક્રમે 0.81 ટકા અને 0.65 ટકા એટલે કે સેન્સેક્ષ કરતાં વધુ ઘટાડો દર્શાવતા હતા. શૅરબજારમાં એકંદર માર્કેટ બ્રેડ્થ નકારાત્મક રહી હતી અને 1611 શૅર્સ ઘટીને, જ્યારે 1028 શૅર્સ વધીને બંધ થયા હતા. 
નિફ્ટીમાં તાતા સ્ટીલ, પાવર ગ્રિડ, બજાજ ફાયનાન્સ, ટીસીએસ અને એશિયન પેઈન્ટ્સ સૌથી વધુ વધેલા, જ્યારે તાતા મોટર્સ, એસબીઆઈ, કોલ ઈન્ડિયા અને ઈન્ડિયા બુલ્સ હાઉસિંગ ફાયનાન્સ સૌથી વધુ ઘટેલા શૅર્સ હતા. 
અફડાતફડી ધરાવતા શૅર્સ
એનએસઈમાં 22 શૅર્સમાં બાવન સપ્તાહની ટોચ તેમ જ 214 શૅર્સમાં બાવન સપ્તાહનું તળિયું જોવા મળ્યું હતું. એબોટ ઈન્ડિયા, એશિયન પેઈન્ટ્સ, દિલીપ બિલ્ડકોન અને ડીસીએમ ફાયનાન્સિયલ સર્વિસીઝ ઉપરાંત એચડીએફસી બૅન્ક, હિન્દુસ્તાન યુનિલિવર, જેએસડબ્લ્યુ સ્ટીલ, કોટક મહિન્દ્ર બૅન્ક, પિડિલાઈટ ઈન્ડસ્ટ્રીઝ અને વી-માર્ટ રિટેલે બાવન સપ્તાહની ટોચ નોંધાવી હતી. 
પીએનબીનો શૅર 3 ટકા તૂટયો
રૂા. 13,416.91 કરોડની ધરખમ ચોખ્ખી ખોટ નોંધાવાને પગલે પંજાબ નેશનલ બૅન્કનો શૅર 3.80 ટકા તૂટીને રૂા. 86 એ બંધ નોંધાયો હતો.
તાતા મોટર્સ બે વર્ષને તળિયે
તાતા મોટર્સનો શૅર 4.29 ટકા ઘટીને માર્ચ, 2016 પછીના એટલે કે બે વર્ષના તળિયે રૂા. 310.25 નોંધાયો હતો. છેલ્લાં બે વર્ષમાં શૅર ઘટાડા તરફી ચાલ બતાવે છે. શૅરનું મોમેન્ટમ ઈન્ડિકેટર એમએસીડી નકારાત્મક અને સાવચેતીના સંકેતો દર્શાવતું હોવાથી શૅર હજુ ઘટશે તેવી ધારણા છે. 
લુપિનના શૅર પર પરિણામોની અસર
ફાર્મા ક્ષેત્રની કંપની લુપિને આજે માર્ચ ત્રિમાસિકમાં રૂા. 777.60 કરોડની કોન્સોલિડેટેડ ચોખ્ખી ખોટ જાહેર કરી હતી. કંપનીએ ગાવિસ ગ્રુપની ખરીદીના ભાગરૂપે કેટલીક અમૂર્ત અસ્ક્યામતો પેટે રૂા. 1464.35 કરોડની એકસામટી ફાળવણી કરી હોવાને પગલે પરિણામો ઉપર અસર જોવા મળતી હતી. શૅર 0.46 ટકા ઘટીને રૂા. 750.85 એ બંધ નોંધાયો હતો.
સૌથી વધુ સક્રિય શૅર્સ
રિલાયન્સ કૉમ્યુનિકેશન્સ, સુઝલોન, પીસી જ્વેલર, જેપી એસોસીએટ્સ, પંજાબ નેશનલ બૅન્ક, જીએમઆર ઈન્ફ્રા, આઈડિયા સેલ્યુલર અને એચડીએફસી બૅન્કના શૅર્સ સૌથી વધુ સક્રિય રહ્યા હતા.
અલ્લાહાબાદ બૅન્ક 8 ટકા તૂટયો
આરબીઆઈએ અલ્લાહાબાદ બૅન્કની કથળેલી નાણાકીય સ્થિતિને કારણે તેને જોખમી અસ્ક્યામતોને ધિરાણો આપવા અને ઊંચો ખર્ચ ધરાવતી થાપણો ઊભી કરવા ઉપર મર્યાદાઓ નાખતા શૅર 8.60 ટકા ઘટીને રૂા. 40.40એ બંધ થયો હતો.
શૅરબજારે રાજકીય સ્થિતિનો પડઘો પાડયો : રાકેશ લાહોટી
વેલ્થસ્ટ્રીટના સહસ્થાપક રાકેશ લાહોટીએ જણાવ્યું હતું કે શૅર્સ અને સૂચકાંકોએ રાજકીય પરિસ્થિતિનો સ્પષ્ટ પડઘો પાડયો છે. ભાજપના વિજયની આશાએ ઊંચકાયેલા સૂચકાંકોએ ભાજપના સત્તાગ્રહણની અનિશ્ચિતતા ફેલાતાં તરત જ તેજીને ધોઈ નાખી છે. વિનિમય દર ઉપર પણ આ જ પરિબળ અસર કરતું જોવા મળ્યું હતું. ફોરેક્સ બજારો ઉપર સરકારની નીતિઓ સીધી રીતે અસર કરતી હોવાથી અને રાજકીય રીતે કોઈ સ્પષ્ટ ચિત્ર ન મળતાં વિનિમય દરમાં જબરદસ્ત કડાકો જોવા મળ્યો હતો તેમ જ ક્રૂડતેલના ભાવ સાડા ત્રણ વર્ષની ટોચે નોંધાયા હતા. મહત્ત્વની કોમોડિટીઝના બજારોમાં પણ કર્ણાટકના ચિત્ર ઉપર નજર રાખીને બેઠા છે અને આ વર્ષે તેમાં સાવચેતીભર્યું ટ્રેડિંગ જોવા મળશે.
સામાન્ય ચૂંટણીમાં પણ મોદીના વિજયની આશા : યુબીએસનો રિપોર્ટ
વિદેશી રોકાણકારોએ વર્ષ 2019માં યોજાનારી સામાન્ય ચૂંટણીઓમાં પણ નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વ હેઠળની ભાજપ સરકારના વિજયને ગણતરીમાં લીધો હોવાનું તેમ જ સરકાર આગામી વર્ષે લોકસભાની ચૂંટણીઓ હોવાથી ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા વિવિધ પગલાં ચાલુ રાખશે તેવી આશા સેવતા હોવાનું યુબીએસ સિક્યુરિટીઝના રિપોર્ટમાં જણાવાયું છે.
ચાર કંપનીનો એમએસસીઆઈ ઈન્ડેક્સમાં સમાવેશ
1 જૂનથી એમએસસીઆઈ ઇન્ડિયા ઈન્ડેક્સમાં ચાર કંપનીઓ- એવન્યુ સુપરમાર્કેટ્સ, બાયોકોન, એચડીએફસી સ્ટાન્ડર્ડ લાઈફ ઈન્સ્યોરન્સ કંપની અને ઈન્ટરગ્લોબ એવિયેશનનો સમાવેશ થશે. આ અહેવાલે બીએસઈમાં ચાલુ બજારે એવન્યુ સુપરમાર્કેટ્સનો શૅર 4.6 ટકા વધ્યો હતો, ઈન્ટરગ્લોબનો 1.2 ટકા અને બાયોકોનનો 0.7 ટકા વધ્યો હતો, જોકે, એચડીએફસી સ્ટાન્ડર્ડ લાઈફનો શૅર 5.4 ટકા ઘટયો હતો. 
એમએસસીઆઈ ઇન્ડિયા ઈન્ડેક્સમાંથી આઈડીબીઆઈ બૅન્ક, પાવર ફાઈનાન્સ કોર્પોરેશન અને વકરંગીને દૂર કરાયા છે. 
એમએસસીઆઈના સ્થાનિક અને વૈશ્વિક સૂચકાંકમાં 1 જૂનથી 234 ચીનની લાર્જ કૅપ કંપનીઓનો સમાવેશ કરવામાં આવશે. એમએસસીઆઈ ઈમર્જિંગ માર્કેટ્સ ઈન્ડેક્સમાં ચાઈના એ-શૅર અથવા યુઆનના 234 શૅરનો ભારાંક 0.39 ટકા હશે. આ સૂચકાંકમાં ઉમેરાનો બીજો તબક્કો સપ્ટેમ્બરમાં થશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer