પંજાબ નેશનલ બૅન્કની માર્ચ ત્રિમાસિકમાં રૂા. 13,417 કરોડની જંગી ખોટ

પંજાબ નેશનલ બૅન્કની માર્ચ ત્રિમાસિકમાં રૂા. 13,417 કરોડની જંગી ખોટ
 
ગ્રોસ એનપીએ 12.11 ટકાથી વધીને 18.38 ટકાના ભયજનક સ્તરે
 
મુંબઈ, તા. 15 મે
પંજાબ નેશનલ બૅન્કે 31 માર્ચ 2018માં પૂરા થયેલા ચોથા ત્રિમાસિક ગાળામાં રૂા. 13416.91 કરોડની ચોખ્ખી ખોટ કરી છે. ડૂબેલી લોન સામેની જોગવાઈ ચારગણી વધતાં આ ખોટ થઈ છે.
વર્ષ 2017ના સમાનગાળામાં બૅન્કે રૂા. 261.90 કરોડનો નફો કર્યો હતો.
કુલ ધિરાણમાં ગ્રોસ નોન પરફોર્મિંગ એસેટ (એનપીએ)ની ટકાવારી માર્ચ ત્રિમાસિકમાં વધી 18.38 ટકા થઈ ગઈ છે જે ત્રીજા ડિસેમ્બર ક્વાર્ટરમાં 12.11 ટકા હતી.
તા. 31 માર્ચ 2018ના પૂરા થયેલા પૂરા વર્ષમાં પીએનબીની ચોખ્ખી ખોટ રૂા. 12130 કરોડની થઈ છે જ્યારે 2016-17ના વર્ષમાં ચોખ્ખો નફો રૂા. 1187 કરોડનો થયો હતો.
પીએનબીએ તા. 31 માર્ચના પૂરા થયેલા ક્વાર્ટર માટે જોગવાઈ અને આકસ્મિક ઘટના માટે રૂા. 20353.10 કરોડની જોગવાઈ કરી છે જે આગલા વર્ષના આ જ ક્વાર્ટરમાં રૂા. 5753.51 કરોડની હતી. તા. 31 ડિસેમ્બર 2017ના પૂરા થયેલા ક્વાર્ટરમાં તે રૂા. 4466.68 કરોડ હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer