કર્ણાટક : ભાજપને સત્તાથી દૂર રાખવા કૉંગ્રેસે જનતા દળ (એસ)ને ટેકો આપ્યો

કર્ણાટક : ભાજપને સત્તાથી દૂર રાખવા કૉંગ્રેસે જનતા દળ (એસ)ને ટેકો આપ્યો

બેંગલુરુ, તા. 15 મે
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ તરીકે ઊભરેલા ભારતીય જનતા પક્ષને સત્તાથી દૂર રાખવા માટે કૉંગ્રેસે જનતા દળ (એસ)ને સરકાર રચવા માટે ટેકો આપતાં ભાજપ માટે મોઢામાં આવેલો કોળિયો ઝૂંટવાઈ જવાની સ્થિતિ ઊભી થઈ છે.
આ લખાય છે ત્યારે કર્ણાટક વિધાનસભાની 222 બેઠકોનાં પરિણામો આવી રહ્યાં છે અને ભારતીય જનતા પક્ષ 105 બેઠકો સાથે બહુમતી મેળવવાની મથામણ કરી રહ્યો છે. સ્પષ્ટ બહુમતી મેળવવા માટે તેને 112 બેઠકોની જરૂર છે. કૉંગ્રેસને 77 બેઠકો અને ભૂતપૂર્વ વડા પ્રધાન એચડી દેવગોવડાના પક્ષ જનતા દળ (એસ)ને સાથી પક્ષો સહિત 37 બેઠકો મળી છે. કૉંગ્રેસ- સમર્થિત એક અપક્ષ ઉમેદવાર સહિત આ મોરચાનું સંખ્યાબળ 115 થાય છે.
વિદાય લઈ રહેલા કૉંગ્રેસી મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ ગુલામ નબી આઝાદ અને અન્ય કેન્દ્રીય નેતાઓને મળ્યા બાદ પત્રકારોને કહ્યું હતું કે તેમનો પક્ષ જનતા દળ (એસ)ને સરકાર રચવા માટે સમર્થન આપશે. કૉંગ્રેસ સરકારમાં જોડાશે કે બહારથી ટેકો આપશે તે વિશે તેમણે ચોખવટ કરી ન હતી.
ભારતીય જનતા પક્ષના મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર બીએસ યેદિયુરપ્પાએ દાવો કર્યો હતો કે રાજ્યપાલે ભાજપને સૌથી મોટા પક્ષ તરીકે સરકાર રચવાનું આમંત્રણ આપ્યું છે. જોકે રાજભવન તરફથી આ દાવાને કોઈ સમર્થન મળ્યું ન હતું.
નિરીક્ષકોના મતે આવા સંજોગોમાં રાજ્યપાલની ભૂમિકા ચાવીરૂપ બની રહેશે. સૌથી મોટા પક્ષને સરકાર બનાવવા માટે આમંત્રણ આપવાની બંધારણીય પરંપરા છે. પરંતુ જો ચૂંટણી બાદ રચાયેલા પક્ષોનાં જોડાણ પાસે સ્પષ્ટ બહુમતી હોય તો તેને પણ સરકાર રચવાનું આમંત્રણ આપી શકાય.
દરમિયાન કૉંગ્રેસની ચાલને નિષ્ફળ બનાવવા માટે કૉંગ્રેસના કેટલાક નવનિર્વાચિત લિંગાયત વિધાનસભ્યોને ભાજપમાં લઈ આવવાની તૈયારીઓ ચાલતી હોવાના પણ અહેવાલ છે.
કર્ણાટક ચૂંટણીનાં પરિણામ
પક્ષ                                  બેઠકો
ભારતીય જનતા પક્ષ          104
કૉંગ્રેસ                               78
જનતા દળ (એસ)+             38
અન્ય                                2
કુલ                                  222

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer