કર્ણાટકમાં કૉંગ્રેસ-જેડીએસનાં જોડાણની શક્યતાએ શૅરબજારનાં તેજીતરફી સેન્ટિમેન્ટને ઢીલું પાડયું

કર્ણાટકમાં કૉંગ્રેસ-જેડીએસનાં જોડાણની શક્યતાએ શૅરબજારનાં તેજીતરફી સેન્ટિમેન્ટને ઢીલું પાડયું

વ્યાપાર ટીમ
મુંબઈ, તા. 15 મે
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના વિજયની મજબૂત સંભાવનાઓ વચ્ચે મંગળવારે શૅરબજારમાં કામકાજના સમય દરમિયાન તેજીનું તોફાન જોવા મળ્યું હતું, પરંતુ દિવસના કામકાજને અંતે કૉંગ્રેસે જેડીએસ સાથે હાથ મિલાવ્યાના સમાચારોને પગલે બજારના ખેલાડીઓનો ઉત્સાહ ઓસરી ગયો હતો. ઊંચી વધઘટ ધરાવતા આ સેશનની શરૂઆતમાં ભાજપની સ્પષ્ટ જીતની ઉજ્જવળ તકો દેખાતા સેન્સેક્ષ 430 પૉઈન્ટથી વધુ ઊંચે ઊછળેલો સેન્સેક્ષ મંગળવારના કામકાજને અંતે સોમવારના બંધ સામે 13 પૉઈન્ટ ઘટીને 35,544એ તેમ જ નિફ્ટી પાંચ પૉઈન્ટ ઘટીને 10,802ની સપાટીએ એટલે કે ફ્લેટ બંધ નોંધાયો હતો.
રાજકીય અનિશ્ચિતતાને ધ્યાન ઉપર લીધા પછી શૅરબજારે વૈશ્વિક બજારોના મિશ્ર સંકેતો અને ઈંધણના વધેલા ભાવને પગલે જથ્થાબંધ તેમ જ છૂટક ફુગાવો વધ્યો હોવા જેવાં પરિબળો પણ ગણતરીમાં લીધાં હતાં. રેલિગેર બ્રોકિંગના પ્રેસિડેન્ટ જયંત માંગલિકે જણાવ્યું હતું કે દિવસ દરમિયાન ભાજપના વિજયની આશાએ નિફ્ટી એક ટકા કરતાં વધુ વધ્યો હતો, પરંતુ તેને સ્પષ્ટ બહુમતી ન મળતાં સેન્ટિમેન્ટ કથળ્યાં હતાં અને સૂચકાંક વિક્રમી ટોચ ઉપરથી ઝડપભેર ઘટીને ફ્લૅટ બંધ થયો હતો. 
માંગલિકે ઉમેર્યું હતું કે ટૂંકા ગાળામાં કંપની પરિણામો અને વૈશ્વિક ઘટનાક્રમ બજારની ચાલ નક્કી કરશે. આગામી એકાદ બે અઠવાડિયાંમાં વધુ કંપનીઓનાં પરિણામો જાહેર થશે એટલે ચોક્કસ શૅર્સમાં ઊંચી વધઘટની ધારણા છે. ક્રૂડતેલના ભાવ અને વિદેશી હૂંડિયામણની વધઘટ ઉપર પણ બજારના ખેલાડીઓની નજર રહેશે. 
શૅરબજાર માટે 10,700-10,900ની રેન્જ મહત્ત્વની
ટ્રેડબુલ્સના ડિરેક્ટર આસિફ હિરાનીએ જણાવ્યું હતું કે કર્ણાટકની ચૂંટણીને પગલે શૅરબજારમાં સમગ્ર દિવસ દરમિયાન રોમાંચ જળવાયેલો રહ્યો હતો. નિફ્ટી 10,929ની ટોચથી 10,781ના તળિયા વચ્ચે ઊંચી વધઘટ દર્શાવતો હતો. નિફ્ટી માટે 10,700-10,900ની રેન્જ મહત્ત્વની રહેશે. આ નિર્ણયાત્મક સપાટી જે તરફથી તૂટશે, તે તરફ બજારની ચાલ આગળ વધશે. ટ્રેડર્સે આ બાબતે સાવચેત રહીને ટૂંકા ગાળામાં આ સપાટી તૂટે નહીં ત્યાં સુધી નવી લેવાલી ટાળવાની સલાહ છે. કૉમોડિટી બજાર ઉપર આ પરિણામોની ભાગ્યે જ અસર જોવા મળશે, પંરતુ વિનિમય દર ઉપર નકારાત્મક અસર થવાની સંભાવના છે. રૂપિયાના ઘસારાને પગલે એકંદર કૉમોડિટી માર્કેટમાં તેજીતરફી માહોલ છે. 
રૂપિયો 16 મહિનાને તળિયે
હિરાનીએ ઉમેર્યું હતું કે હૂંડિયામણના બજારમાં રૂપિયો નીચા વિનિમય દરે ખૂલ્યા પછી કર્ણાટકમાં ભાજપ સરકારની સંભાવનાએ તેજી જોવા મળી હતી, પરંતુ જ્યારે ભાજપની બહુમતી ટૂંકી પડતી જોવા મળી, ત્યારે રૂપિયો તૂટયો હતો અને તેમાં અડધા ટકાથી વધુ કડાકો જોવા મળ્યો હતો. ઊંચી વધઘટ ધરાવતા બજારમાં ડૉલર સામે રૂપિયો 68.07 પ્રતિ ડૉલરે એટલે 16 મહિનાના તળિયે નોંધાયો હતો.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer