દેશનાં પચાસ સૌથી વધુ વ્યસ્ત ઍરપોર્ટમાં એક છે સુરત


મુસાફરોની સંખ્યા 20 ટકા વધી
 
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 22 મે
કેન્દ્રનાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયે દેશનાં સૌથી વધુ વ્યસ્ત એવા પ્રથમ પચાસ ઍરપોર્ટની યાદીમાં સુરતનો સમાવેશ કર્યો છે. ઓછી સુવિધાઓ વચ્ચે પણ સુરત ઍરપોર્ટ પર મુસાફરોનો ધસારો હતો. એપ્રિલથી માર્ચ 2018 સુધીમાં સુરત ઍરપોર્ટથી 6,92,299 મુસાફરોએ હવાઈ સુવિધાનો લાભ લીધો હતો. સુરત ઍરપોર્ટ ઉપર આવતા મુસાફરોની સંખ્યામાં 20 ટકાનો વધારો થયો છે.
સુરત ઍરપોર્ટનાં વિસ્તરણનાં કાર્યક્રમને મંજૂરી આપવામાં આવી છે. સુરત ઍરપોર્ટ પરનાં એરટ્રાફિકની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતાં હવે રન-વેની પેરેલેલ ટેક્સી-વેની દરખાસ્તને મંજૂર થઈ છે. સુરત ઍરપોર્ટ પરથી દિવસની 21 ફ્લાઈટનું આવન-જાવન થાય છે. 
ઍરપોર્ટ અૉથોરિટીએ સુરત ઍરપોર્ટમાં રૂા.90 કરોડનાં ખર્ચે 3 કિલોમીટર લાંબો ટેક્સી-વે બનાવવાની દરખાસ્તને મંજૂર કરી છે. ટેક્સી-વે બનતાની સાથે જ સુરત ઍરપોર્ટને કસ્ટમ નોટિફાઈડ સર્ટિફિકેટ મળવાની સંભાવના બળવત્તર છે. જો આમ બને તો ટૂંકમાં જ સુરતથી દુબઈની પ્રથમ આંતરરાષ્ટ્રીય કનેક્ટિવીટી શરૂ થવાનાં ચાન્સ વધુ છે. કેન્દ્ર સરકારે સુરત ઍરપોર્ટનાં વિકાસનાં કામ માટે રૂા.230 કરોડની કુલ જોગવાઈ કરી છે. ટુ-ટાયર સિટીનાં ઍરપોર્ટનાં વિકાસનાં મામલે સુરત ઍરપોર્ટે દેશનાં અનેક શહેરોને પાછળ પાડયા છે. 
સુરત ઍરપોર્ટ એક્શન કમિટીનાં પ્રમુખ સંજય ઈઝાવાએ કહ્યું કે, અત્યાર સુધી સુરત ઍરપોર્ટની અવગણના કરવામાં આવતી હતી. સોશિયલ મીડિયાનાં માધ્યમથી લોકોમાં જાગૃત્તતા આવ્યા બાદ લોકો જાતે જ માગણી કરતાં થયા છે. જેનો ફાયદો સુરત ઍરપોર્ટને થયો છે. આમ છતાં સુરત ઍરપોર્ટને કસ્ટમ્સ નોટિફાઈડની જાહેરાતને લટકાવી દેવામાં આવી છે તે વાજબી નથી. આ પાછળ ગંદુ રાજકારણ જવાબદાર છે. એક મહિનામાં સુરત ઍરપોર્ટને કસ્ટમ નોટિફાઈડ સર્ટિફિકેટ નહિ મળે તો સુરત ઍરપોર્ટ એકશન કમિટી પહેલી જુલાઈથી આકરા કાર્યક્રમો આપશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer