54 લાખ હેકટર જમીનમાં ખરીફ વાવેતરનો આરંભ , શેરડીનો વિસ્તાર વધ્યો

 
નવી દિલ્હી, તા. 22 મે
ચોમાસું સારું જવાની આગાહીથી ઉત્સાહિત થયેલા ખેડૂતોએ ખરીફ પાકની વાવણી શરૂ કરી દીધી છે અને શુક્રવાર તા. 18 મે સુધીમાં 54 લાખ હેક્ટરમાં વાવેતર થઇ ચૂક્યું હતું એમ કૃષિ મંત્રાલયની યાદી જણાવે છે. ગયા વર્ષે આ જ સમય ગાળામાં 55 લાખ હેક્ટરમાં વાવણી થઇ હતી.   
સિંચાઈ માટે વપરાતા 76 જળાશયોમાં 17 મેના રોજ વપરાશ યોગ્ય પાણીનો જથ્થો 22.76 અબજ ઘનમીટર હતો, જે તેમની કુલ સંગ્રહ ક્ષમતાના માત્ર 19 ટકા જેટલો જ છે. તેમ છતાં વાવેતર પર તેની પ્રતિકૂળ અસર પડી નથી. સેન્ટ્રલ વોટર કમિશને જાહેર કરેલા આંકડા અનુસાર ગયે વર્ષે તે સમયે એ જળાશયોમાં તેમની ક્ષમતાના 23 ટકા જેટલો પાણીનો જથ્થો હતો.  
અત્યાર સુધીમાં મોટા ભાગનું, 47 લાખ હેક્ટર, વાવેતર શેરડીનું થયું છે, જે ગયા વર્ષના આ સમયના 46.44 લાખ હેકટરથી જરાક વધારે છે. આ વધારો આશ્ચર્યજનક એટલા માટે છે કે ગયે વર્ષે શેરડીનો મબલખ પાક થયો હતો અને તેને પગલે ખાંડનું  બમ્પર ઉત્પાદન થતાં ખાંડના ભાવ તૂટી ગયા હતા અને સરકારે દરમિયાનગીરી કરવી પડી હતી. શેરડીનું વાવેતર ઉત્તર પ્રદેશમાં 21.52 લાખ હેક્ટરમાં, મહારાષ્ટ્રમાં 8.75 લાખ હેક્ટરમાં અને કર્ણાટકમાં 4 લાખ હેક્ટરમાં થયું હતું.  
સામી બાજુ શણનું વાવેતર 5.44 લાખ હેકટરમાં થયું છે, જે ગયે વર્ષે અત્યાર સુધીમાં 5.68 લાખ હેક્ટર હતું. ચોખાનું વાવેતર 1.09 લાખ હેક્ટરમાં થયું હોવાના અહેવાલો હતા. તે મુખ્યત્વે આસામ, મિઝોરમ અને તામિલનાડુમાં થયું છે એમ કૃષિ મંત્રાલયની યાદી જણાવે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer