મરીની લઘુતમ આયાત કિંમત રદ કરવા નિકાસકારોની માગણી


કોચી, તા. 22 મે
મરીની કિલોના રૂા. 500ની લઘુતમ આયાત કિંમત (એમઆઈપી) રદ કરવાની મરીના નિકાસકારોની માગણી વિશે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં નિર્ણય લે તેવી તેમને ધારણા છે. મરીના સૌથી મોટા ઉત્પાદક રાજ્ય કર્ણાટકના ખેડૂતોના આગ્રહને પગલે એમઆઈપી લાદવામાં આવી હતી.
કર્ણાટકના ખેડૂતોની દલીલ હતી કે મોટા પાયે આયાત થવાથી ભાવ ઘટી ગયા હતા. ગયા વર્ષે ડિસેમ્બરમાં એમઆઈપી અમલમાં આવવા છતાં મૂલ્યવર્ધન અને પુન:નિકાસ માટે સસ્તા મરીની આયાત કરનારા નિકાસકારો દંડ ભરીને પણ એમઆઈપી કરતાં ઓછા ભાવે આયાત કરી રહ્યા હતા. પરંતુ હવે સરકારે એમઆઈપી કરતાં ઓછા ભાવની આયાત પર પ્રતિબંધ મૂકવાથી માર્ચથી મૂલ્યવર્ધિત મરીની નિકાસ લગભગ થંભી થઈ છે. નિકાસકારોના ઍસોસિયેશને એમઆઈપી રદ કરવાની માગણી કેન્દ્રના વાણિજ્ય મંત્રાલયને કરી છે. મંત્રાલયની સૂચના મુજબ ઍસોસિયેશને સ્પાઈસિસ બોર્ડ દ્વારા પણ આ બાબતની રજૂઆત કરી છે. કર્ણાટકના ખંડિત ચુકાદાથી નિર્ણય લેવામાં વિલંબ થયો હોય એવું અમને જણાય છે, એમ અૉલ ઇન્ડિયા સ્પાઇસિસ એક્સપોર્ટસ ઍસોસિયેશનના અધ્યક્ષ પ્રકાશ નામ્બુદીરીએ કહ્યું હતું.
નિકાસકારોનું કહેવું છે કે વિયેટનામથી મરી કિલોએ લગભગ રૂા. 190ના ભાવે મળી રહ્યા છે જ્યારે સ્થાનિક બજારમાં તે રૂા. 360-375ના ભાવે વેચાય છે. લગભગ છ મહિનાથી એમઆઈપી અમલમાં છે અને હવે અમે લગભગ આશા ગુમાવી દીધી છે, એમ બાફના એન્ટરપ્રાઇસીસના સીઈઓ જોજન મલયેઇલે કહ્યું હતું. જોકે મરીના નિકાસકારોનો આક્ષેપ છે કે એમઆઈપી હોવા છતાં દેશમાં મરી આવી રહ્યા છે.
એમઆઈપીને ચાતરીને વિયેટનામનાં મરીની મોટા પ્રમાણમાં દાણચોરી બાંગ્લાદેશ, નેપાળ અને મ્યાનમારથી ઉત્તર ભારતમાં થઈ રહી છે, એમ નિકાસકાર કિશોર શામજીનું કહેવું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer