બાસમતીનું વાવેતર વધ્યું


ચંદીગઢ, તા. 22 મે
ગઈ સિઝનમાં ખેડૂતોને બાસમતી ચોખામાં ઘણું સારું વળતર મળ્યું હોવાથી આ વર્ષે દેશમાં તેનું વાવેતર વધવાની ધારણા છે.
બાસમતી ચોખાનો પાક લેતાં રાજ્યોમાં ખેડૂતોએ કપાસ અને સામાન્ય ચોખાને બદલે આ વર્ષે બાસમતીનું વધુ વાવેતર કર્યું છે.
દેશમાં સામાન્ય ચોમાસાની આગાહીએ પણ પંજાબ, હરિયાણા, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, જમ્મુ અને કાશ્મીરના ખેડૂતોને બાસમતી વાવવા માટે પ્રેર્યા છે.
ગયા વર્ષે ખેડૂતોને સારા ભાવ મળ્યા હોવાથી બાસમતી ચોખાનો વાવેતર વિસ્તાર વધવાની ધારણા છે, એમ કહીને અૉલ ઇન્ડિયા રાઇસ એક્સપોર્ટસ ઍસોસિયેશનના પ્રમુખ વિજય શેઠિયાએ ઉમેર્યું હતું કે આ સિઝનમાં ચોખાનો વાવેતર વિસ્તાર લગભગ 10 ટકા જેટલો વધી શકે છે.
બાસમતીનો પાક વધુ થવાની આશા છતાં નિકાસકારો આંતરરાષ્ટ્રીય બજારમાં પડેલી માગ ઈરાન પર અમેરિકાના પ્રતિબંધોનું તોળાતું જોખમ અને યુરોપિયન દેશના જંતુનાશકોના અવશેષોનાં નવાં ધોરણોના પડકારોથી ચિંતિત છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer