વિદેશી પ્રવાસીઓને ભારતના લોંગ-ટર્મ વિઝા આપવાની યોજના : પ્રવાસન પ્રધાન

 
નવી દિલ્હી, તા. 22 મે
વિદેશી પ્રવાસીઓની સંખ્યા બમણી કરવાનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે પ્રવાસન મંત્રાલયે ભારત માટે લોંગ-ટર્મ વિઝા ઇસ્યૂ કરવાની દરખાસ્ત કરી છે. અત્યારે ભારતમાં મલ્ટિપલ એન્ટ્રી વિઝાની છૂટ છે પરંતુ મંત્રાલય અમેરિકાની જેમ લાંબા ગાળાના વિઝા આપવા માગે છે અને તેના માટે ટૂંક સમયમાં અન્ય મંત્રાલયનો પણ સંપર્ક સાધવામાં આવશે, એમ પ્રવાસન પ્રધાન કે.જે.આલ્ફોન્સે જણાવ્યું હતું. અત્યારે ભારત માટે મળતાં વિઝાની માન્યતા 60 દિવસની હોય છે.
`ભારતમાં અનેક એન્ટ્રી વિઝા તો ઉપલબ્ધ છે જ. હવે અમેરિકા અને અન્ય બીજા દેશોની જેમ પાંચ અને દસ વર્ષ માટે લોંગ-ટર્મ વિઝા આપવા માગીએ છીએ, જેના માટે અમે વિવિધ મંત્રાલયેને લેખિતમાં જાણ કરીશું', એમ પ્રવાસન પ્રધાન આલ્ફોન્સે જણાવ્યું હતું. `આપણને દસ વર્ષમાં 10 કરોડ પ્રવાસીઓ મળવા જોઈએ. ત્રણ વર્ષમાં અમે આ આંકડો બે કરોડે લઈ જવા માગીએ છીએ. ફોરેન ટુરિસ્ટના આવવાથી ગયા વર્ષે ભારતને 27 અબજ ડૉલરની આવક થઈ હતી. પાંચથી સાત વર્ષમાં આપણને 100 અબજ ડૉલરની કમાણી થવી જોઈએ. ગયા વર્ષે આપણે ફોરેન ટુરિસ્ટ અરાઈવલમાં 15.67 ટકા વૃદ્ધિ નોંધાવી હતી, પરંતુ આ વૃદ્ધિથી ખુશ નથી' એમ તેણે ઉમેર્યું હતું.
મંત્રાલયે ખજૂરાહો, ઔરંગાબાદ, અમદાવાદ, શ્રીનગર, ગુવાહાટી જેવાં સ્થળોને જોડતી ફ્લાઈટ શરૂ કરવા માટે પણ નાગરિક ઉડ્ડયન મંત્રાલય સમક્ષ રજૂઆત કરી છે.
અમે ખજૂરાહો, અજંતા અને ઈલોરાની ગુફાઓ, હમ્પી અને વારાણસી જેવાં પ્રવાસન સ્થળો સુધી સરળતાથી પહોંચી શકાય તે માટે નજીકનાં શહેરો સુધીની ઍર ઇન્ડિયાની ડાયરેક્ટ અને ડેઈલી ફ્લાઈટ શરૂ કરવા માટે પણ રજૂઆત કરી છે, એમ તેમણે જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer