મોટા 12 એનપીએ એકાઉન્ટનો ઉકેલ આવતાં પીએસયુ બૅન્કોને દેખાયું આશાનું કિરણ

 
નાણાં મંત્રાલયને રૂા. 1 લાખ કરોડ પાછા મળવાનો આશાવાદ
 
નવી દિલ્હી, તા. 22 મે
ભૂષણ સ્ટીલ કેસની સફળતાથી પ્રેરાઈને નાણાં મંત્રાલય હવે એમ માનતું થયું છે કે રિઝર્વ બૅન્કે તેની પ્રથમ યાદી દ્વારા નાદારી પ્રક્રિયા માટે સોંપેલા તમામ 12 એનપીએ કેસોના રિઝોલ્યુશન બાદ બૅન્કો રૂા. 1 લાખ કરોડથી વધુની રકમ પાછી મેળવી શકશે.
ગત સપ્તાહે તાતા ગ્રુપે દેવાંગ્રસ્ત ભૂષણ સ્ટીલનો 72.65 ટકા કન્ટ્રોલિંગ હિસ્સો રૂા. 36,000 કરોડમાં હસ્તગત કર્યો હતો. હવે બાકીના 11 એનપીએ કેસ જે પાઇપલાઇનમાં છે તે સરળતાથી રૂા. 1 લાખ કરોડથી વધુની રકમ પાછી આવશે. આથી જાહેર ક્ષેત્રની બૅન્કોના એનપીએ ઘટશે.
આ 12 એનપીએ કેસમાં દરેકમાં રૂા. 5000 કરોડથી વધુની રકમ સંડોવાયેલી છે અને બૅન્કોના કુલ એનપીએનો 25 ટકા હિસ્સો આ 12 ખાતાઓનો છે. આમાં ભૂષણ સ્ટીલ, ભૂષણ પાવર, એસ્સાર સ્ટીલ, જયપી ઇન્ફ્રાટેક, લાન્કો ઇન્ફ્રાટેક, મોનેટ ઇસ્પાત, જ્યોતિ સ્ટ્રકચર, ઇલેક્ટ્રોસ્ટીલ, એમટેક અૉટો, ઇરા ઇન્ફ્રા એન્જિનિયરિંગ, આલોક ટેક્સ્ટાઇલ્સ અને એબીજી શીપયાર્ડનો સમાવેશ થાય છે.
આ ખાતાઓમાં કુલ રૂા. 1.75 લાખ કરોડની લોન ફસાયેલી છે.
નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી)ની કલકત્તા બેન્ચે ગત મહિને ઇલેક્ટ્રોસ્ટીલ હસ્તગત કરવા માટેની વેદાંત રિર્સોસીસના રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી હતી. આ ઉપરાંત ભૂષણ પાવર ઍન્ડ સ્ટીલને હસ્તગત કરવા યુકે સ્થિત લીબર્ટી હાઉસની બીડ પર વિચારણા કરવા બૅન્કોને એનસીએલટીએ જણાવ્યું હતું. ભૂષણ પાવર એન્ડ સ્ટીલ પર રૂા. 48,000 કરોડનું દેવું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer