ખાંડ બનાવવામાં વધુ શેરડી વપરાઇ જતાં સૌરાષ્ટ્રમાં ગોળનું ઉત્પાદન ઘટયું

ખાંડ બનાવવામાં વધુ શેરડી વપરાઇ જતાં સૌરાષ્ટ્રમાં ગોળનું ઉત્પાદન ઘટયું

અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 22 મે
શેરડીનું બમ્પર ઉત્પાદન હોય અને સસ્તી પણ હોય ત્યારે ગોળનું ઉત્પાદન વધવું સ્વાભાવિક છે, પરંતુ આ વર્ષે ઊલટી ગંગા છે. ગુજરાતમાં ગોળનું ઉત્પાદન આશરે પાંચેક લાખ ડબ્બા જેટલું ઘટી જવા પામ્યું છે. તેના લીધે ભાવ પણ ઘટવાના સ્થાને વધ્યા છે, કોલ્ડ સ્ટોરેજોમાં સ્ટોક ઓછો થયો છે. એ કારણે હવે ગોળનું ભાવિ સૌ સારું ભાખી રહ્યા છે.
સળંગ બે ચોમાસા સારાં નીવડવાને લીધે શેરડી પકવતાં રાજ્યોમાં ઉત્પાદન પુષ્કળ થયું છે. છતાં ગોળનાં ઉત્પાદનમાં વધારો નથી થયો. શેરડી સસ્તી રહેતા ખાંડ વધારે બની છે. રાજકોટના ગોળના અગ્રણી વેપારી રમેશભાઇ સોમૈયા કહે છે, સૌરાષ્ટ્રમાં કોડીનાર, તાલાલા, તળાજા, ઉપલેટા તમામ મથકોએ પાક સારો હતો. દક્ષિણ ગુજરાતમાં સુરત તરફ પણ શેરડી ખૂબ પાકી, પરંતુ તે ગોળમાં આવી નથી. ખાંડ મિલો ઊંચા ભાવ આપશે તેવી ગણતરીએ શેરડી મિલોમાં જતી રહી છે. તેના પરિણામે ગોળનું ઉત્પાદન વધશે તે ધારણા ખોટી ઠરી છે.
ગુજરાતમાં શેરડીનો ભાવ સરેરાશ એક ટન દીઠ રૂા. 2800-2900 ગયા વર્ષે હતો, પણ આ વખતે રૂા. 2200-2300 જ ખેડૂતને મળતા હતા. એ કારણે ગોળમાં શેરડી ઓછી આવી અને ઉત્પાદન 40-45 લાખ ડબ્બા (25-26 કિલો)થી વધી શક્યું નથી. ગયા વર્ષમાં શેરડી મોંઘી હતી છતાં 45-50 લાખ ડબ્બા ગોળ બન્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.
સૌરાષ્ટ્રમાં ગોળનો ભાવ દિવાળીએ રૂા. 450-460 પ્રતિ 20 કિલો હતો. એ પછી મંદીને લીધે શેરડી ખેતરમાંથી ઝડપથી બહાર ન આવીને રૂા. 500 થઇ ગયેલા. લગભગ આખી સિઝન આ પ્રમાણે જ ભાવ રહ્યો હતો. એટલે કોલ્ડમાં થઇ રહેલા સ્ટોક ઉપર પ્રભાવ પડયો.
સૌરાષ્ટ્ર અને સુરત લાઇનમાં 19 લાખ ડબ્બાનો (ગત વર્ષે 26 લાખ ડબ્બા) સ્ટોક થયો હોવાનો અંદાજ રમેશભાઇએ આપ્યો હતો. પાછલા વર્ષના બે લાખ ડબ્બા ગણતા કુલ 20-21 લાખ ડબ્બા કરતાં વધારે માલસ્ટોક નથી. સૌરાષ્ટ્રમાં ગોળના રાબડાં હવે બંધ થઇ ગયા છે.
ગોળના વેપારીઓ કહે છે, આ વર્ષે સ્ટોક ઓછો થવાનું કારણ ઊંચા ભાવ ઉપરાંત બે વર્ષ સુધી રહેલી મંદી પણ જવાબદાર છે. સ્ટોકિસ્ટો કમાયા નથી એટલે આ વર્ષે ઓછો રસ સ્ટોક માટે હતો. વળી, ગોળનો વપરાશ પણ વધ્યો હોવાનું જણાયું છે, કારણ કે નવો ગોળ સિઝન દરમિયાન સતત બજારમાં આવી રહ્યો હતો. 
ગોળનો વપરાશ હજુ સારો છે, કારણ કે કોલ્ડમાંથી એક મહિનો વહેલા માલ પણ નીકળવા માંડયો છે. કોલ્ડના માલ બજારમાં જૂનમાં આવતા હોય છે, પણ મે માસમાં આવવા લાગ્યા છે. હવે 17થી 18 લાખ ડબ્બા સ્ટોકમાં હશે તેમ અંદાજાય છે. 
ગોળના વેપારીઓ કહે છે, ગોળનો સ્ટોક ઓછો છે અને હજુ દિવાળી સુધી માગ સારી રહેશે એ કારણે આગળ જતાં માલખેંચ પણ અનુભવાય તેવી સંભાવના છે એટલે ગોળના ભાવ વધી પણ શકે છે. સૌરાષ્ટ્રમાં કોલ્ડના ગોળનો ભાવ રૂા. 550 પ્રતિ 20 કિલો ચાલે છે. લાલનો ભાવ રૂા. 540 અને સૌરાષ્ટ્રના સફેદના ભાવ રૂા. 625 સુધી બોલાવા લાગ્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer