વેપારીઓને છે તુર્કી-સીરિયામાં જીરુંના પાકની નુક્સાનીના અંદાજનો ઇંતજાર

વેપારીઓને છે તુર્કી-સીરિયામાં જીરુંના પાકની નુક્સાનીના અંદાજનો ઇંતજાર

અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 22 મે
જીરુંની બજારમાં મજબૂત સ્થિતિ છે. તુર્કી અને સીરિયામાં ભારે વરસાદ પછી પાકમાં વ્યાપક બગાડ થવાની સંભાવના છે. આ સ્થિતિમાં નિકાસના વેપારો સારી પેઠે થઇ રહ્યા છે. ચીન દ્વારા જીરુંની સારી ખરીદી થઇ રહી હોવાથી નિકાસનાં કામકાજો વેગમાં છે. સ્થાનિક માગ પણ સારી છે.
નિકાસકારો દ્વારા સિંગાપોર ક્વૉલિટીમાં રૂા. 3150-3160ના ભાવથી ખરીદી થઇ રહી છે. દૈનિક 200થી 250 ટન આસપાસનાં કામકાજો થઇ રહ્યાં છે. નિકાસ ઉપરાંત પ્રાદેશિક માગમાં પણ વધારો નોંધાયો છે.
ઊંઝા બજારમાં 13થી 15 હજાર ગૂણીની આવકો થાય છે. એ સામે વેપાર પણ આશરે 15 હજાર ગૂણી જેટલા થઇ જાય છે. માગ વધારે રહેતા ભાવ મક્કમ થઇ ગયા છે. પાછલા સપ્તાહમાં રૂા. 25-50ની વધઘટે બજાર અથડાઇ ગઇ હતી. સારી ગુણવત્તાના જીરુંનો ભાવ એક મણદીઠ રૂા. 2900-3600 હતો. મધ્યમનો રૂા. 2800-2900 અને હલકાંનો રૂા. 2550-2775 રહ્યો હતો. ઊંઝામાં હવે સારા કટિંગ માલની આવક ઘટવા માંડી છે.
સૌરાષ્ટ્રમાં આવકો તળિયે જવા લાગી છે. રાજકોટમાં 800-900 ગૂણી અને ગોંડલમાં અંદાજે 500-600 ગૂણીની આવક થાય છે. સ્થાનિક યાર્ડમા ભાવ રૂા. 10-20 જેટલા મજબૂત રહેતા સારા માલમાં રૂા. 2875-3000, મધ્યમમાં રૂા. 2800-2875 અને હલકામાં રૂા. 2550-2775 રહ્યા હતા. સૌરાષ્ટ્રમાં બેસ્ટ માલની અછત છે. નબળા અને સરેરાશ ક્વૉલિટીના માલ વધારે પ્રમાણમાં આવી રહ્યા છે.
આ તરફ તુર્કી અને સીરિયામાં ભારે વરસાદ પછી પાકને નુક્સાનીની વાતો છે. જોકે, કેટલું નુક્સાન છે તે માલૂમ પડતું નથી, પણ વ્યાપક ખરાબીની શક્યતા વચ્ચે હવે આવકો પણ મોડી અને કટકે કટકે થાય તેવી શક્યતા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer