ઊંઝા તાલુકાના કિસાનો સહિત બે લાખ લોકોનો જીવન વીમો લે છે ઊંઝા માર્કેટિંગ યાર્ડ

ઊંઝા તાલુકાના કિસાનો સહિત બે લાખ લોકોનો જીવન વીમો લે છે ઊંઝા માર્કેટિંગ યાર્ડ

ઊંઝા માર્કેટ યાર્ડ ભરે છે રૂા. 78 લાખનું પ્રીમિયમ 
 
અમારા પ્રતિનિધિ તરફથી
ઊંઝા, તા. 22 મે
માર્કાટિંગ યાર્ડમાં શું પ્રવૃત્તિ થાય? ખેડૂતો કૃષિ પેદાશો લાવે અને વેચે. પરવડતો ભાવ લઇને ઘેર જાય. હવે કિસાન હેલ્પ સેન્ટર, સોઇલ સેન્ટર,અકસ્માત વીમો, કોલ્ડ સ્ટોરેજ કે મંડળી જેવી પ્રવૃત્તિઓ પણ યાર્ડમાં થાય છે, પરંતુ આ બધું તો ખેડૂત માટે જ. ખેડૂત ન હોય તેમને માર્કેટ યાર્ડ ઉપયોગી થાય તો એ આશ્ચર્ય કહેવાય. ઉત્તર ગુજરાતનું સૌથી મોટું અને મસાલા માટે એશિયાભરમાં પ્રખ્યાત ઊઝા માર્કેટ યાર્ડ સમગ્ર તાલુકાના લોકો માટે અનોખી સેવા બજાવી રહ્યું છે.
ઊંઝા માર્કેટ યાર્ડ અનોખું એટલા માટે પડે છે કારણકે આખા ઊંઝા તાલુકાના લોકોને નિ:શુલ્ક, પ્રત્યેકને બે લાખ રૂપિયાનું કવચ આપતો જીવન વીમો લઇ આપે છે. ગામલોકોની ઉંમર પાંચ વર્ષની હોય કે સિત્તેરની, બધાને વીમો મળે છે. વીમા માટે ઊંઝા માર્કેટ યાર્ડ 78 લાખ જેવી માતબર રકમનું ચૂકવણું વીમા કંપનીને કરે છે! મૃત્યુના સંજોગમાં પરિવારજનોને તરત ચૂકવણું પણ થાય છે.
જીવન વીમાનો લાભ આશરે યાર્ડમાં આવતા ખેડૂતો, વેપારીઓ ઉપરાંત બે લાખ જેટલા ગામલોકો પણ લે છે. ઊંઝા એપીએમસીના ચેરમેન ગૌરાંગભાઈ પટેલ જણાવે છે કે `અમે ખેડૂતો માટે બધું કરી છૂટવા માગીએ છીએ. જો ખેડૂત હશે તો અમે છીએ. આથી છેલ્લાં ઘણાં વર્ષોથી ફ્રી વીમો આખા ઊંઝા તાલુકા માટે લઈએ છીએ. કુલ બે લાખ નાગરિકો આનો સીધો લાભ મેળવે છે.'
ઊંઝા યાર્ડનું વાર્ષિક ટર્ન ઓવર 2200 કરોડની આસપાસ છે.  ચોખ્ખો નફો 20 કરોડની આસપાસ. આથી જ યાર્ડ આસપાસના વિસ્તારોમાં લોકકલ્યાણની પ્રવૃત્તિ પણ કરે છે. વર્ષે 6 કરોડ આસપાસનું ખર્ચ કરે છે. 
ઊંઝા યાર્ડમાં મુખ્યત્વે જીરું, ઇસબગુલ અને વરિયાળીની આવક થતી હોય છે. દર વર્ષે સિઝનમાં દૈનિક ધોરણે જીરુંની 30 થી 36 હજાર બોરી, ઇસબગુલની 15થી 20 હજાર બોરી અને વરિયાળીની 15થી 25 હજાર બોરીની આવક થતી હોય છે. વિશ્વના 80ટકા દેશમાં જીરું ઊંઝાથી જાય છે. ગત વર્ષે 1.25 લાખ ટન જીરું નિકાસ થયું હતું. 
ઊંઝા યાર્ડમાં ખેડૂતો માટે ભોજનાલયની ખાસ વ્યવસ્થા છે. વાતાનુકૂલિત ભોજનાલયમાં કિસાનોને 30 રૂપિયામાં અનલિમિટેડ જમવાનું આપવામાં આવે છે. બહારના કિસાનોને અંદર જ રહેવાની સગવડ છે. માલ વહેંચાયા પછી તરત જ રોકડા રૂપિયા કિસાનોને આપી દેવામાં આવે છે. આથી જ યાર્ડની અંદર ચાર બૅન્ક અને એટીએમની સુવિધા છે. 
ઊંઝા એમપીએમસીના સેક્રેટરી વિષ્ણુભાઈ પટેલ કહે છે કે `ઊંઝામાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી ખેડૂતો જીરું વેચવા માટે આવે છે. આથી જ ઊંઝાને સ્પાઇસ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. ખરેખર બીજા માર્કાટિંગ યાર્ડ પણ ઊંઝાના કદમ ઉપર ચાલે તો ખરેખર કિસાન અને લોકસેવા થાય.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer