કચ્છમાં આ વર્ષે કેસર કેરીનો પાક બે દાયકામાં સૌથી નબળો, તે છતાં ભાવ ઘટશે

કચ્છમાં આ વર્ષે કેસર કેરીનો પાક બે દાયકામાં સૌથી નબળો, તે છતાં ભાવ ઘટશે
 
અમ્બર અંજારિયા
ભુજ, તા. 22 મે
કચ્છની કેસર કેરીનો પાક આ વર્ષે છેલ્લાં 23 વરસના ઇતિહાસમાં ચાલુ વરસ સૌથી નબળું રહ્યું છે, તેવો મત કૃષિ જગતના જાણકારો, કિસાનો એકી અવાજે વ્યક્ત કરી રહ્યા છે. આ વરસે માંડ 25થી 30 ટકા જેટલો જ ફાલ ઊતરી શકયો છે. આમ્રફળના ઉત્પાદનમાં આવા વિક્રમી ઘટાડા પાછળ વિવિધ સ્વરૂપોમાં કેસર કેરીને કુદરતની કારમી થપાટ જ કારણભૂત હોવાનો સામાન્ય સૂર જાણવા મળી રહ્યો છે.
મોસમના મીઠાં મધુરાં ફળની બજારનો એક અભ્યાસ કરતાં મેળલા તારણ મુજબ એક અને એક બે થાય તેવું સીધુ ગણિત એવું મંડાઇ રહ્યું છે કે આમ્રફળનું ઉત્પાદન ઘટવા સાથે માગ વધતાં ભાવમાં બમણો કે તેથી પણ વધુ ઉછાળો થયો છે.
આજની તારીખે છે તે સ્થિતિને નજર સામે રાખતાં ઓછા ફાલની સાથોસાથ કચ્છની ઘરેલું બજારમાં આમ્રફળનું આગમન પણ મોડું થયું છે અને વહેલા વરસાદનો વર્તારો સાચો પડે તો `રસના રસિકો' માટે કેરીની મોસમ ટૂંકી રહી શકે છે. આ વખતે માત્ર કચ્છ નહીં પરંતુ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં વર્ષ ઘણું નબળું રહ્યું છે, તેવું ખુદ બાગાયત તંત્ર પણ સ્વીકારી રહ્યું છે. બાગાયત નિયામક ડૉ. ફાલ્ગુનભાઇ મોઢેએ જણાવ્યું હતું કે, આ વખતે કેસર કેરીના કિસાનોને થોડી તકલીફ પડશે.
કેરીની બજાર 15 જૂન સુધીની ગણીએ તો હવે એક માસ કરતાં પણ ઓછો સમય છે, એ જોતાં ફાલ અને સમયગાળો બન્ને ઓછા હોવાથી બજારમાં ટૂંકાગાળામાં `મોસમની મીઠી કમાણી' કરી લેવાની હોડ જામી છે.
જોકે, અહીં `ફળોના રાજા' કેસર કેરીના રસિયા `ગ્રાહક રાજા' રાજી થાય તેવી વાત કરીએ તો કેરી એ `પેરીશેબલ' એટલે કે લાંબો સમય ન ટકતાં બગડી જાય તેવું ફળ છે, એ જોતાં તેનો સંગ્રહ ન થઇ શકે. આમ મોસમના છેલ્લા પખવાડિયાંમાં ફેંકવી ન પડે તે માટે વેપારીઓ ભાવ ઘટાડીને વેચી દેશે.
ગત વર્ષે અત્યારના ગાળામાં જેના 40થી 50 રૂપિયો કિલો ભાવ હતા, તેવી કેસર અત્યારે 70થી 80 અને શ્રેષ્ઠ ગુણવત્તાવાળી કેરી તો 100થી 120 રૂપિયે કિલો વેચાઇ રહી છે. મધ્યમ વર્ગના ગ્રાહકોએ અઠવાડિયું-10 દિવસ ભાવ ઘટવાની રાહ જોવી પડશે.
ગુજરાત એગ્રોના પૂર્વ ડાયરેકટર અને પ્રયોગશીલ કિસાન બટુકસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, બે દાયકામાં સૌથી નબળું વરસ રહ્યું છે. 15મી જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધીના 25-30 દિવસના મોર આવવાના ગાળામાં જ ઝાકળ પડતાં આવેલા મોર કરમાયા અને કયાંક તો મોર જ ન આવ્યા.
આશાપૂરા ફાર્મના સૂત્રધાર અને પ્રગતિશીલ કિસાન હરેશભાઇ ઠક્કરે પણ ઠંડી, ઝાકળ અને તાપના અતિરેકથી કેરીને નુકસાનની વાત સ્વીકારતાં કહ્યું હતું કે, માત્ર કચ્છ જ નહીં, પરંતુ સૌરાષ્ટ્ર અને વલસાડમાં પણ આ વખતે કેરીના ફાલને ફટકો પડયો છે. તીવ્ર તાપની અસરથી ફળનું કદ નાનું થયું છે. જોકે તેનાથી સ્વાદ કે ગુણવત્તામાં ઘટાડો નથી થયો.
 ભારતીય કિસાન સંઘના પૂર્વ અધ્યક્ષ અને સજીવ ખેતીના હિમાયતી વેલજીભાઇ ભુડિયાએ કહ્યું હતું કે, કચ્છના બાગાયતના ઇતિહાસમાં કેસર કેરીની આવી ખરાબ સ્થિતિ કદી જોઇ નથી. વધુમાં વધુ 25 ટકા ફાલ થયો હશે. કોઇક ઝાડમાં તો માત્ર પાંદડાં જ  જોઇને જીવ બળી જાય છે.
વધુમાં ખાસ નોંધવાલાયક હકીકત એ પણ છે કે અમદાવાદ, સુરત, મુંબઇ, દિલ્હીના મોલમાં પણ કચ્છની કેસર જાય છે.
રિલાયન્સ જેવા કોર્પોરેટ હાઉસીસે ઝંપલાવતાં ઘરેલુ બજારમાં ઓછો માલ પહોંચવાથી પણ ભાવ ઊંચકાયા હોવાનું તારણ જાણવા મળ્યું છે.
વર્ષો વર્ષ વાવેતર વધે છે એ કબૂલ પરંતુ પ્રતિકૂળ હવામાન દર વખતે જગતના તાત સામે પડકાર સર્જે છે. કૂંપળ જ કરમાઇ જાય તો કહો આંબે મોર કયાંથી આવે તેવી હૈયાવરાળ કચ્છી કિસાનો ઠાલવી રહ્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer