દક્ષિણની ખાંડ મિલો માટે નિકાસ ક્વોટા એટલે કડવી ગોળી

દક્ષિણની ખાંડ મિલો માટે નિકાસ ક્વોટા એટલે કડવી ગોળી

ચેન્નાઇ, તા. 22 મે
દક્ષિણ ભારતની ખાંડ મિલોએ  ફરજિયાત નિકાસ ક્વોટામાં રાહત આપવાની રાખવાની કેન્દ્ર સરકારને વિનંતી કરી છે. તામિલનાડુની મિલોએ પોતાને નિકાસ જવાબદારીમાંથી મુક્ત રાખવાની માગણી કરી છે જયારે કર્ણાટકની મિલોએ તે 50,000 ટન ઘટાડવાની માગણી કરી છે.   
આ મોસમમાં (અૉક્ટોબર-સપ્ટેમ્બર) ખાંડ ઉદ્યોગમાં માલભરાવાની શક્યતા જોઈને કેન્દ્ર સરકારે 20 લાખ ટન ખાંડની નિકાસ કરવાનો નિર્ણય કર્યો છે, જે છેલ્લી બે મોસમના સરેરાશ ઉત્પાદનના 6.5 ટકા જેટલો છે.     
તામિલનાડુસ્થિત સાઉથ ઇન્ડિયન સુગર મિલ્સ ઍસોસિયેશને રાજ્યની ખાંડ મિલોને નિકાસ જવાબદારીમાંથી મુક્ત રાખવા અને  શેરડી માટે  જાહેર થયેલી ટન દીઠ રૂા. 55ની ભાવસહાયનો લાભ આપવાની માગણી કરી છે.  
તેણે કહ્યું છે કે તામિલનાડુમાં આ મોસમમાં ખાંડનું ઉત્પાદન 6 લાખ ટન થવાનો અંદાજ છે, જે છેલ્લી બે મોસમના 13.61  લાખ ટન અને 10.65 લાખ ટન કરતા ક્યાંય ઓછું છે. આટલા ઉત્પાદન સામે 84,000 ટનનો નિકાસ ક્વોટા વધુ પડતો ઊંચો છે. જો તામિલનાડુમાંથી આટલી ખાંડની નિકાસ કરાશે તો સ્થાનિક જરૂરિયાત પૂરી કરવા માટે બહારથી ખાંડ લાવવી પડશે, એમ ઍસોસિયેશને કહ્યું છે. પાડોશના કર્ણાટકની મિલોને 35 લાખ ટનના અંદાજિત ઉત્પાદન સામે 2.8 લાખ ટનનો નિકાસ ક્વોટા અપાયો છે જે તેમને 50,000 ટન જેટલો વધુપડતો લાગે છે.  
આ વર્ષે ખાંડનું ઉત્પાદન 300 લાખ ટન અંદાજાય છે, જેને પગલે 45 લાખ ટનની પુરાંત રહેવાની ધારણા છે. આગલી મોસમમાં પણ આટલું જ ઉત્પાદન થવાની અપેક્ષા છે. પુરવઠાના દબાણથી બજારમાં ખાંડના ભાવ ટન દીઠ રૂા.26,000 જેવા થઇ ગયા છે જયારે  ઉત્પાદનખર્ચ રૂા.35,000 આસપાસ છે. નાણાંભીડને લીધે મિલો શેરડીના ખેડૂતોને રૂા.19000 કરોડની બાકી રકમની ચુકવણી કરી શકતી નથી. પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં ખાંડના ભાવ અહીંના કરતા પણ નીચા હોવાથી મિલોએ નિકાસમાં ખોટ ખાવી પડશે. તેમને રાહત આપવા સરકારે સબસિડી જાહેર કરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer