બિનલોહ ધાતુ ઉદ્યોગના કરોડોનાં રિફન્ડ નજીવી ભૂલથી અટવાયાં

બિનલોહ ધાતુ ઉદ્યોગના કરોડોનાં રિફન્ડ નજીવી ભૂલથી અટવાયાં

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 22 મે
બિનલોહ ધાતુ ઉદ્યોગનાં કરોડો રૂપિયાનાં કસ્ટમ રિફંડ માત્ર એકાદ અક્ષરની ભૂલ અથવા અન્ય નજીવા કારણસર અટકી ગયાં છે. તેથી આયાત-નિકાસકારોને વગર વાંકે નાણાભીડનો સામનો કરવાનો આવ્યો છે એવી સંખ્યાબંધ ફરિયાદો બૉમ્બે મેટલ એક્સ્ચેન્જને મળી હોવાનું એક્સ્ચેન્જનાં સૂત્રોએ જણાવ્યું હતું.
બીએમઈના પ્રમુખ રિકબ મહેતાએ આ ગંભીર મુદ્દે કેન્દ્રના નાણાપ્રધાન પીયૂષ ગોયલનું ધ્યાન દોર્યું છે. નાણાં મંત્રાલયને મોકલેલા આવેદનમાં તેમણે જણાવ્યું છે કે `બીએમઈના અનેક ઉદ્યોજક આયાતકારોના કરોડો રૂપિયાનાં અધિકૃત રિફંડ એસબી005 એરર કોડ નીચે અટકાવાયાં છે. ઘણા નિકાસકારો શિપિંગ બિલમાં આઈજીએમટીના સ્ટેટસ સામે `પી'ને બદલે ભૂલથી `એનએ' લખી દે છે જેનો અર્થ એમ થાય કે આઈજીએસટી ભરાયો નથી, જ્યારે વાસ્તવમાં તેમણે આઈજીએસટી ભર્યો હોય છે. આ ભૂલ દૂર કરવા માટે 26 માર્ચ 2018ના રોજ સ્કર્યુલર નં. 08/2018 બહાર પાડવામાં આવ્યો હતો. છતાં વૈકલ્પિક યંત્રણાના અભાવે કસ્ટમ ખાતું તેનો સ્વીકાર કરતું નથી.
તેથી આયાતકાર-નિકાસકારને અધિકૃત રીતે મળવાપાત્ર કરોડો રૂપિયા કસ્ટમ વિભાગમાં ફસાયા છે અને મહદ્ અંશે લઘુ, નાના અને મધ્યમ કદનાં એકમો ધરાવતા બિનલોહ ધાતુ ઉદ્યોગની નાણાભીડ અસહ્ય બની છે. નાણાં મંત્રાલય આ મુદ્દાનો સત્વરે ઉકેલ લાવવા ઘટતું કરે એવી અમારી વિનંતી છે એમ એક્સ્ચેન્જનું આવેદનપત્ર જણાવે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer