સોનાની મંદીને બ્રેક, હળવો સુધારો

સોનાની મંદીને બ્રેક, હળવો સુધારો
 
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 22 મે
સોનાના ભાવમાં નીચા મથાળેથી સુધારો હતો. મંદી અટકતા ભાવ 1295 ડોલરના સ્તરે રનિંગ હતો. ડોલર ગઇકાલે પાંચ મહિનાની ઉંચાઇએ હતો પરંતુ આજે થોડી નરમાઇ આવવાથી સોનામાં વળતી લેવાલી નીકળી હતી. અલબત્ત સુધારો સામાન્ય હતો. એપીએસી ટ્રેડિંગના વડા સ્ટીફન ઇન્સ કહે છે, ડોલરમાં તેજીનો અતિરેક થઇ ગયો છે એટલે થોડી રુકાવટ જોવા મળી શકે છે. બોન્ડ યિલ્ડમાં પણ તેજી અટકી છે. અલબત્ત હવે અમેરિકા અને ચીન વચ્ચે વેપારયુદ્ધની સ્થિતિ હળવી થઇ ગઇ છે. છતાં ભૂરાજકીય ચિંતાઓ ઉપસ્થિત થાય તેનો ભય જણાતો હોવાથી સોનામાં મંદીનો વેગ અટકી રહ્યો છે.
અમેરિકા-ચીને સોમવારે વેપારયુદ્ધ ટાળવા મુદ્દે મહત્ત્વની ચર્ચા કરી હતી અને તેનાં હકારાત્મક પરિણામ આવશે તેવું લાગતાં વૈશ્વિક શેરબજારોમાં સુધારાની ચાલ જોવા મળી હતી. ફેડરલ રિઝર્વ જૂનમાં વ્યાજદર વધારો કરે તે પૂર્વે સોનામાં સાધારણ તેજીનો ચમકારો દેખાય તેવી શક્યતા છે. હવે ડોલરમાં નવી તેજી આવે તો સોનામાં ફરી ઘટાડો જોવા મળશે. 1275 ડોલરની ઉપર સોનું જળવાઇ રહે તો મોટી મંદી હાલ ટળી જશે. જોકે આ સ્તર તૂટે તો 1260 સુધી આવશે. એસપીડીઆર ઇટીએફ ફંડની અનામતોમાં સોમવારે 0.38 ટકાનો ઘટાડો થતાં 852.04 ટનની હતી. ફંડોનો મૂડ હજુ વેચવાલીનો હોય તેવું સ્પષ્ટ જણાય છે.
ચાંદીમાં સોનાથી વિપરિત સામાન્ય નરમાઇ જોવા મળતાં 16.57 ડોલરના ભાવ હતા. ચાંદીમાં મોટી મંદી હાલ મુશ્કેલ દેખાય છે. રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રૂા. 31,850ની સપાટીએ સ્થિર રહ્યો હતો. ચાંદી એક કિલોએ રૂા. 300 વધીને રૂા. 40,600 હતી. મુંબઇ સોનું રૂા. 190ના સુધારામાં રૂા. 31,250 અને ચાંદી રૂા. 460 વધતાં રૂા. 40,175 હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer