અરુણાચલમાં ચીન દ્વારા મોટા પાયે ખાણો ખોદવાની પ્રવૃત્તિથી ચિંતા

અરુણાચલમાં ચીન દ્વારા મોટા પાયે ખાણો ખોદવાની પ્રવૃત્તિથી ચિંતા

$ 60 અબજના ખજાના પર ડ્રેગનના દાવાથી ફરી ભારત સાથે તાણ વધી શકે 
 
બીજિંગ, તા. 22 મે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગની મુલાકાતને હજુ એક મહિનો પણ નથી થયો ત્યાં અરુણાચલ સીમાએ ચીનની ગતિવિધિઓથી ફરી તાણ વધવાનો ખતરો ઊભો થયો છે.
ચીને અરુણાચલ પ્રદેશ સીમાએ મોટાપાયે ખનનનું કામ શરૂ કર્યું છે. આ ક્ષેત્રમાં સોના, ચાંદી અને બીજા કિંમતી ધાતુઓનો ભંડાર મળ્યો છે, જેની કિંમત લગભગ 60 અબજ ડોલર આંકવામાં આવી છે.
સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના અહેવાલ અનુસાર, ભારતીય સીમા પાસે ચીનના લુઝ કાઉન્ટીમાં ખાણનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે.
ચીન અરુણાચલને દક્ષિણી તિબેટ ગણાવીને તેના પર પોતાનો દાવો કરતું રહ્યું છે, ત્યારે સીમા પર આ પ્રોજેક્ટથી ડોકલામ બાદ બંને દેશો વચ્ચે ફરી એક નવા વિવાદથી તાણ વધી શકે છે.
અહેવાલો નોંધે છે કે આ વિસ્તાર બીજો `દક્ષિણ ચીન સાગર' બની શકે છે. ચીનના ભૂવૈજ્ઞાનિકો અને તજજ્ઞોએ આ ક્ષેત્રની મુલાકાત લીધી હતી.
આ વિસ્તારનાં પ્રાકૃતિક સંસાધનો પર દાવો કરવાની ચીની કોશિશ અને ઝડપી નિર્માણકાર્યના પગલે ભારત અને ચીન વચ્ચે ફરી તાણ વધી શકે છે.
આ અહેવાલ એવા સમયે આવ્યો છે જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડોકલામ સૈન્ય ગતિરોધ બાદ બંને દેશોમાં સર્જાયેલી તાણ ઘટાડવા વુહાનમાં જિનપિંગ સાથે બેઠક કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer