કિશનગંગા બંધ સામે પાકિસ્તાને વિશ્વ બૅન્કમાં ફરિયાદ કરી

કિશનગંગા બંધ સામે પાકિસ્તાને વિશ્વ બૅન્કમાં ફરિયાદ કરી

નવી દિલ્હી, તા. 22 મે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં કિશનગંગા નદી પર બાંધવામાં આવેલા 330 મેગાવૉટના જલવિદ્યુત પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યાના થોડા જ દિવસ બાદ પાકિસ્તાને ચાર સભ્યોની ટીમને વિશ્વ બૅન્કમાં મોકલીને ભારતે 1960ના સિંધુ જલ કરારનો ભંગ કર્યો હોવાની ફરિયાદ કરી છે.
પાકિસ્તાનના વિરોધ છતાં પૂરો થયેલો આ પ્રોજેક્ટ જળની હેરફેરની સમગ્ર યોજનાનો પ્રથમ તબક્કો છે. ગુરેઝ ખીણમાં કિશનગંગા નદીનું પાણી પર્વતો કોતરીને બનાવાયેલી 23.65 કિલોમીટર લાંબી ટનલ મારફત બાંદીપોરાના બોનાર નાળામાં લઈ જવાશે. પાકિસ્તાને આ બંધથી પાણીના પ્રવાહને અસર થશે એમ કહીને તેનો વિરોધ કર્યો હતો.
1960માં વિશ્વ બૅન્કની મધ્યસ્થીથી કરાયેલી સિંધુ જલ સંધિ અનુસાર ભારત પાકિસ્તાનને અપાયેલી ત્રણ નદીઓ જેલમ, ચિનાબ અને સિંધુનાં પાણીના વપરાશ સિવાયના હેતુઓ માટે ઉપયોગ કરી શકે છે.
પાકિસ્તાને ભૂતકાળમાં ભારતની પાંચ જલવિદ્યુત યોજનાઓ વિશે વિશ્વ બૅન્કને ફરિયાદ કરી છે : પાકલ બંધ (1000 મેગાવૉટ), રાતલે (850 મેગાવૉટ), કિશનગંગા (330 મેગાવૉટ), મિયાર (120 મેગાવૉટ) અને લોઅર કલનાઈ (48 મેગાવૉટ). તેની દલીલ છે કે આ બંધો સિંધુ જલકરારના ભંગ કરનારા છે.
2010માં પાકિસ્તાને હેગ ખાતેની આંતરરાષ્ટ્રીય અદાલતમાં કિશનગંગા પ્રોજેક્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેણે તે પ્રોજેકટને સ્થગિત કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ 2013માં અદાલતે ભારતની તરફેણમાં ચુકાદો આપતા ઈસ્લામાબાદને નિરાશા સાંપડી હતી. તેણે કહ્યું હતું કે ``આ પ્રોજેક્ટ સિંધુ જલ કરારમાં જેને રન-ઓફ-ધ-રિવર પ્લાન્ટ ગણાવાય છે તે પ્રકારનો છે અને ભારત વીજળી પેદા કરવા કિશનગંગા અને નીલમ નદીના પાણીનો ઉપયોગ કરી શકે છે.''
નવેમ્બર, 2016માં પાકિસ્તાને આ બંધની આસપાસના વિસ્તારમાં તોપમારો કર્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer