સતત પાંચ દિવસના ઘટાડાને સમાવી સૂચકાંકો ફ્લેટ બંધ રહ્યા

સતત પાંચ દિવસના ઘટાડાને સમાવી સૂચકાંકો ફ્લેટ બંધ રહ્યા
 
અૉટો શૅરોમાં ધૂમ લેવાલી, બૅન્ક શૅરોમાં આકર્ષણ
 
વ્યાપાર ટીમ
મુંબઈ, તા. 22 મે
તેજીવાળા ખેલાડીઓ શૅરબજારનો ટ્રેન્ડ પલટાવવામાં સફળ નીવડયા હતા. સતત પાંચ સેશનમાં ઘટાડો નોંધાવ્યા પછી મંગળવારે સૌથી વધુ ધોવાયેલા શૅર્સમાં શોર્ટ કવરિંગને પગલે શૅરબજાર વધીને બંધ થયું હતું. રોકાણકારો કંપનીઓનાં પરિણામોને બારીકાઈથી તપાસી રહ્યા છે અને તેમની નજર ક્રૂડતેલના ભાવ અને વિનિમય દર ઉપર પણ મંડાયેલી છે.
મંગળવારે ભારે વધઘટ વચ્ચે સેન્સેક્ષ 35.11 પોઈન્ટ વધીને 34,651.24 તેમ જ નિફ્ટી 20 પોઈન્ટ વધીને 10,536.70ની સપાટીએ બંધ નોંધાયો હતો. વિસ્તૃત સૂચકાંકોમાં મુખ્ય સૂચકાંકો કરતાં વધુ વૃદ્ધિ જોવા મળી હતી. બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો પ્રત્યેક 0.65 ટકા વધ્યા હતા. બીએસઈમાં પોઝિટિવ માર્કેટ બ્રેડ્થ જોવા મળી હતી. 1,449 શૅર્સના ભાવ વધીને, જ્યારે 1,163 શૅર્સના ભાવ ઘટીને બંધ નોંધાયા હતા. માર્કેટ કેપિટલાઈઝેશન સોમવારે રૂા. 145.62 લાખ કરોડથી વધીને મંગળવારે રૂા. 146.19 લાખ કરોડ નોંધાયું હતું.
વૈશ્વિક સ્તરે ક્રૂડતેલમાં વેનેઝુએલાનું ઉત્પાદન ઘટવાની ચિંતા તેમ જ ઈરાનની નિકાસો ઘટવાની ધારણાને પગલે પુરવઠાની સ્થિતિ વધુ દબાણ હેઠળ આવવાની સંભાવનાએ ભાવ વધ્યા હતા. ક્રૂડતેલના વાયદા 0.14 ટકા વધીને રૂા.4,945 પ્રતિ બેરલ નોંધાયા હતા. બ્રેન્ટ ક્રૂડમાં વાયદા 0.19 ટકા વધીને 79.37 ડૉલર પ્રતિ બેરલ નોંધાયા હતા.
અૉટો અને મેટલ ક્ષેત્રમાં તેજી છવાઇ
ક્ષેત્રવાર સૂચકાંકોમાં જેએસડબ્લ્યુ સ્ટીલ, હિન્દુસ્તાન કોપર અને કોલ ઇન્ડિયાના શૅર્સમાં તેજીને પગલે નિફ્ટી મેટલ 1.77 ટકા વધ્યો હતો. એસબીઆઈ અને પીએનબીની ખોટ છતાં બૅન્ક નિફ્ટી 4.48 પોઈન્ટ વધ્યો હતો. બૅન્ક અૉફ બરોડા, ફેડરલ બૅન્ક અને આઈસીઆઈસીઆઈ બૅન્કના શૅર્સ પણ વધ્યા હતા. ઇન્ડિયા બુલ્સ રિયલ એસ્ટેટમાં ચાર ટકાના ઉછાળા ઉપરાંત ડીએલએફ, એડીઆઈએલ અને યુનિટેકના શૅર્સમાં તેજીને પગલે નિફ્ટી રિયલ્ટી ઈન્ડેક્સ એક ટકા કરતાં વધુ વધ્યો હતો. બીએસઈમાં અૉટો ઈન્ડેક્સ (1.73 ટકા) સૌથી વધુ વધ્યો હતો, જ્યારે અૉઈલ ઍન્ડ ગેસ ઈન્ડેક્સમાં સૌથી વધુ (0.41 ટકા) ઘટાડો નોંધાયો હતો. કામકાજને અંતે બજાજ અૉટોનો શૅર 3.86 ટકા અને તાતા મોટર્સ 3.78 ટકા વધ્યો હતો. ચીને પેસેન્જર કાર્સની આયાત જકાત 25 ટકાથી ઘટાડીને 15 ટકા કરવાની જાહેરાતને પગલે ઈન્ટ્રા ડે માં ભારે લેવાલી વચ્ચે તાતા મોટર્સનો શૅર 5 ટકા ઉછળ્યો હતો. 
આ શૅર્સમાં અફડાતફડી મચી
એનએસઈના ટોચના ગેઇનર્સ જે પી ઍસોસિયેટ્સ (9 ટકા), સીજી પાવર, આઈડિયા સેલ્યુલર, રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને વોલ્ટાસ હતા. સૌથી વધુ ટ્રેડિંગ એસબીઆઈ, અશોક લેલેન્ડ, સ્ટાઈડ્સ શાસુન, પીસી જ્વેલર અને તાતા મોટર્સમાં જોવા મળ્યું હતું. બર્જર પેઇન્ટ્સ, બજાજ ફાઈનાન્સ અને બજાજ ફિનસર્વના શૅર્સમાં ઈન્ટ્રાડે દરમિયાન બાવન સપ્તાહની ટોચ જોવા મળી હતી. અજંતા ફાર્મા, બીઈએમએલ, ભારતી એરટેલ, કેસ્ટ્રોલ ઇન્ડિયા, જીએમડીસી સહિત 207 શૅર્સમાં બાવન સપ્તાહનું નવું તળિયું નોંધાયું હતું. 
ખાંડમાં તેજીની અસર
સરકાર ખાંડનો બફર સ્ટોક કરવાની સંભાવનાના અહેવાલોને પગલે ખાંડના ભાવમાં ઉછાળો નોંધાયાની સાથે સાથે સુગર કંપનીઓના શૅર્સમાં તેજી જોવા મળી. એનએસઈમાં દ્વારકેશ સુગરનો શૅર છેલ્લા પાંચ દિવસમાં 22.49 ટકા વધ્યો છે, જ્યારે ધામપુર સુગર 17.03 ટકા અને બલરામુર ચીની 16.73 ટકા વધ્યો છે. 
બૅન્ક શૅર્સમાં આર્થિક સુધારા કાઉન્ટ થયા
શૅરબજાર હવે કેન્દ્ર સરકારના આર્થિક સુધારાના દૃઢ નિશ્ચયને ગણતરીમાં લેતું હોય તેમ જણાય છે. બૅન્ક શૅર્સ ઉપર તેની સાફ અસર જોઈ શકાય છે. ધરખમ ખોટ નોંધાવ્યા છતાં છેલ્લા પાંચ સેશન્સમાં પંજાબ નેશનલ બૅન્કનો શૅર 10.23 ટકા વધ્યો હતો અને એસબીઆઈએ પણ મોટી ખોટ નોંધાવી હોવા છતાં તેનો શૅર આજે દિવસના કામકાજ દરમિયાન પાંચ ટકા ઉછળ્યો હતો. આજે એસબીઆઈનો બંધ ભાવ બીએસઈમાં 3.69 ટકા વધીને રૂા.254.15 અને એનએસઈમાં 4.60 ટકા વધીને રૂા.255.70 હતો. 
આ પાંચ શૅર્સમાં વોલ્યુમ 9,000 ટકા ઊછળ્યાં
ઈમામિમાં 4,68,149 શૅર્સનું વોલ્યુમ નોંધાયું હતું, જે પાંચ દિવસની સરેરાશ 5,181 શૅર્સ કરતાં 8,935.88 ટકા ઊંચું હતું. તે જ રીતે, બ્લુ સ્ટારમાં પાંચ દિવસની સરેરાશ 5,064 શૅર્સ સામે વોલ્યુમ 2,584.66 ટકા વધીને 1,35,946 શૅર્સ નોંધાયું હતું. ફિનોલેક્સ કેબલ્સના શૅરમાં પાંચ દિવસના સરેરાશ 4,510 શૅર્સથી ટ્રેડિંગ 1,179 ટકા વધીને 57,697 શૅર્સ નોંધાયું હતું, જ્યારે મહાનગર ગેસના શૅર્સનું ટ્રેડિંગ વોલ્યુમ 935.81 ટકા અને ક્રોમ્પ્ટન ગ્રીવ્ઝનું વોલ્યુમ 877.60 ટકા વધ્યું હતું.
ઊંચી વધઘટ ચાલુ રહેશે 
- જયંત માંગલિક, પ્રેસિડેન્ટ, રેલિગેર બ્રોકિંગ
રેલિગેર બ્રોકિંગના પ્રેસિડેન્ટ જયંત માંગલિક જણાવે છે કે છેલ્લાં કેટલાંક સેશન્સમાં તીવ્ર ઘટાડા પછી શૅરબજારોમાં નજીવી રિકવરી જોવા મળી છે. આગામી સેશન્સમાં આ વધારો આગળ વધી શકે છે. નજીકના ભવિષ્યમાં કોઈ મહત્ત્વનું સકારાત્મક પરિબળ જોવા ન મળતું હોવાથી બજારના ખેલાડીઓને સાવચેત રહેવાની સલાહ છે. શૅરબજારમાં ઊંચી વધઘટ ચાલુ રહેશે તેવી ધારણા છે અને એટલે જ ટ્રેડર્સને તેમનાં લિવરેજ હેજ કરવાં અને રોકાણકારોને ઘટાડે ફંડામેન્ટલી મજબૂત શૅર્સમાં ખરીદીની સલાહ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer