શૅરબજારનું અજીબોગરીબ માનસ એસબીઆઈની ભારે ખોટ છતાં બજારે પરિણામો વધાવ્યાં

શૅરબજારનું અજીબોગરીબ માનસ એસબીઆઈની ભારે ખોટ છતાં બજારે પરિણામો વધાવ્યાં
એસબીઆઈ પાંચ ટકા વધ્યો : એનપીએ માટે ધરખમ જોગવાઈને પગલે માર્ચ ત્રિમાસિકની ખોટ રૂા. 77.18 અબજ !

એજન્સીઝ      મુંબઈ, તા. 22 મે
દેશની સૌથી મોટી બૅન્ક સ્ટેટ બૅન્ક અૉફ ઇન્ડિયા (એસબીઆઈ)એ માર્ચ, 2018માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂા.7,718 કરોડ ચોખ્ખી ખોટ નોંધાવી છે. પરંતુ શૅરબજારે બૅન્કના નબળાં પરિણામો પાછળ આર્થિક સુધારાની મજબૂત પહેલને ધ્યાનમાં રાખીને આ પરિણામોને વધાવી લીધાં છે. દેશની આ સૌથી મોટી બૅન્કે મુખ્યત્વે પરત નહીં મળેલાં લેણાં - એનપીએ માટે ધરખમ જોગવાઈ કરવી પડી હોવાથી આટલી ઊંચી ખોટ જોવા મળી છે. ગયા અઠવાડિયે પંજાબ નેશનલ બૅન્કની રૂા.13,417 કરોડની ખોટ પછી કોઈ પણ બૅન્ક દ્વારા આ બીજી સૌથી મોટી ખોટ નોંધાઈ છે.
બૅન્કે પાછલા વર્ષે સમાન ત્રિમાસિક ગાળામાં રૂા. 2,814.82 કરોડાનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જેની સામે માર્ચ, 2018ના ત્રિમાસિકમાં તે રૂા.1,270.5 કરોડ ખોટ નોંધાવશે, એવું બજારનું અનુમાન હતું. પરંતુ એસબીઆઈએ જાહેર કરેલા આંકડા બજાર અને વિશ્લેષકોના અનુમાનથી ઘણાં નબળા નોંધાયા છે. પરંતુ શૅરબજારે એસબીઆઈનાં પરિણામોને ઉત્સાહભેર વધાવ્યાં હતાં. જબરદસ્ત ખોટની જાહેરાત છતાં કામકાજ દરમિયાન એસબીઆઈનો શૅર પાંચ ટકા વધીને રૂા. 256.45 થયો હતો. શૅરનો બંધ ભાવ રૂા. 254.15 હતો.
એસબીઆઈએ માર્ચ, 2018ના ત્રિમાસિકમાં જોગવાઈઓનું પ્રમાણ પાછલા વર્ષના સમાન ત્રિમાસિકથી બમણું કરીને રૂા. 28,096 કરોડ કર્યું છે. જોગવાઈઓમાં કરાયેલો આ વધારો મુખ્યત્વે પરત નહીં મળેલાં લેણાં ઉપરાંત ટ્રેડિંગમાં કરેલી ખોટ અને બોન્ડનાં યિલ્ડ વધવાને કારણે માર્ક-ટુ-માર્કેટ નુકસાન પેટે કરાયો છે. 
બૅન્કના ચૅરમૅન રજનીશ કુમારે જણાવ્યું હતું કે અમારી બૅન્કે માર્ક-ટુ-માર્કેટ નુકસાનને ચાર ત્રિમાસિક ગાળામાં નહીં વેચવાનો નિર્ણય સભાનપણે લીધેલો છે અને બોન્ડનાં યિલ્ડ હજુ વધશે એમ અમને લાગતાં અમે એની એકસાથે જોગવાઈ કરી છે. ગયા વર્ષે રિઝર્બ બૅન્ક અૉફ ઇન્ડિયાએ નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (એનસીએલટી)ને રિફર કરેલી 12 કંપનીઓમાં એસબીઆઈનાં કુલ ધિરાણોમાંથી 56 ટકા ધિરાણો છે. પરંતુ પરત નહીં મળેલાં આ કુલ લેણાંમાંથી બૅન્કને 50-52 ટકાથી વધુ નુકસાન નહીં જાય એમ અમારું અનુમાન છે.
રજનીશ કુમારે ઉમેર્યું કે બૅન્કનો પ્રોવિઝન કવરેજ રેશિયો પાંચ ટકા વધીને 66.17 ટકા થયો છે અને તે ઉદ્યોગમાં અત્યારે શ્રેષ્ઠ છે. બૅન્કનો નફો ધોવાયો હોવાના અન્ય કારણોમાં વેતનમાં વધારો અને ગ્રેજ્યુઈટીની ટોચમર્યાદામાં વિસ્તારનો સમાવેશ થાય છે. કુમારે કહ્યું હતું કે છેલ્લાં ત્રણ વર્ષ અત્યંત પડકારજનક હતાં, પરંતુ અમે ભૂતકાળને પાછળ છોડી દીધો છે. અત્યારે તમારી સમક્ષ બે વર્ષ અગાઉ હતી, તેનાથી વધુ મજબૂત સ્ટેટ બૅન્ક અૉફ ઇન્ડિયા છે. 
એસબીઆઈએ આપેલી કુલ લોનમાં હવે 57 ટકા રિટેલ લોન છે અને બાકીની 43 ટકા કોર્પોરેટ લોન છે. જે કંપનીઓને લોન અપાઈ છે, જેમાં અગાઉ કરતાં વધુ ઊંચા રેટિંગ ધરાવતી કંપનીઓ છે. એસબીઆઈની કુલ નોન પર્ફોર્મિંગ એસેટ્સ (એનપીએ), તેણે આપેલાં ધિરાણોમાં 56 બેસિસ પોઈન્ટ હિસ્સો ધરાવે છે. ચોખ્ખી એનપીએ 5.73 ટકા છે, જે ડિસેમ્બર, 2017ના ત્રિમાસિક કરતાં 12 બેસિસ પોઈન્ટ વધુ છે. બૅન્કે આપેલાં ધિરાણો ઉપરનું વોચલિસ્ટ અગાઉ રૂા.10,000 કરોડ હતું, જે વધીને રૂા.25,802 કરોડ થયું છે, કેમકે બૅન્કે હવે એએમએ-ટુ શ્રેણી હેઠળનાં ખાતાંઓને પણ વોચલિસ્ટમાં મૂક્યાં છે. એસએમએ-ટુ એટલે એવાં લેણાં, જે 60 દિવસથી વધુ સમય વીતી જવા છતાં પરત મળવાનાં બાકી હોય.
બૅન્કનાં ધિરાણો માર્ચ ત્રિમાસિકમાં 23.16 ટકા વધીને રૂા.19.35 ટ્રિલિયન, જ્યારે થાપણો 32.36 ટકા વધીને રૂા.27.06 ટ્રિલિયન નોંધાઈ છે. બૅન્કની વ્યાજની ચોખ્ખી આવક (એનઆઈઆઈ) વાર્ષિક ધોરણે 10.53 ટકા વધીને રૂા.19,974.28 કરોડ થઈ છે. ઘરઆંગણે ચોખ્ખા વ્યાજનું માર્જિન વાર્ષિક ધોરણે 26 બેસિસ પોઈન્ટ ઘટીને 2.67 ટકા થયું હોવા છતાં તે ડિસેમ્બર ત્રિમાસિકમાં નોંધાયેલા  2.61 ટકા કરતાં ઊંચું છે. વ્યાજ સિવાયની આવક 2.23 ટકા વધીને રૂા.12,222 કરોડ નોંધાઈ છે. કુમારે જણાવ્યું હતું કે આ વર્ષ આશાઓનું છે અને નાણાં વર્ષ 2020ને ખુશીઓનું વર્ષ ગણાવી શકાશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer