ચીને જેમ્સ-જ્વેલરીની આયાત જકાત ઘટાડતા ઝવેરાત ઉદ્યોગને ફાયદો


અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 12 જૂન
ચીન દ્વારા અચાનક જ જેમ ઍન્ડ જ્વેલરીની આયાત પરની ડયૂટીમાં ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતનાં પગલે દેશનાં જેમ ઍન્ડ જ્વેલરી ઉદ્યોગને મોટો ફાયદો થશે તેમ દેશનાં હીરા અને જ્વેલરી ઉદ્યોગકારોનું માનવું છે. ચીને વિદેશી કંપનીઓને આકર્ષવા માટે આર્થિક નીતિમાં ફેરફાર કર્યો છે. દેશની સોના-ચાંદી, ડાયમંડ અને પ્લેટિનમના ઝવેરાતની નિકાસ કરનારી કંપનીઓને ફાયદો થશે.
 હીરા અને જ્વેલરી ઉદ્યોગકારોનાં સૂત્રો જણાવે છે કે 1લી જૂલાઈથી ચીનમાં નવા કરવેરાનાં દરો અમલી બનશે. અત્યાર સુધી ચાંદીના ઝવેરાત ઉપર 20 ટકા ડયૂટી વસુલવામાં આવતી હતી. હવેથી 8 ટકા ડયૂટી વસૂલવામાં આવશે.
અગાઉ પ્લેટીનમ ઝવેરાત ઉપર 35 ટકા વેરો લેવામાં આવતો જે હવેથી માત્ર 10 ટકા વેરો લેવામાં આવશે. આ ઉપરાંત કિંમતી પથ્થરો ઉપર 35 ટકા આયાતી ડયૂટી હતી. તે ઘટાડીને 10 ટકા કરવામાં આવી છે.
જેમ્સ ઍન્ડ જ્વેલરી એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલનાં ચૅરમૅને દિનેશભાઈ નાવડિયા કહે છે કે, અમેરિકા સાથે ચીન પણ મોટું બજાર દેશનાં જ્વેલરી ઉદ્યોગ માટે બન્યું છે. ચીને ડયૂટીમાં ઘટાડો આપવાનો જે સંકેત કર્યો છે તેનાં કારણે તેનો સીધો ફાયદો ભારતનાં જેમ ઍન્ડ જ્વેલરી ઉદ્યોગને થશે તેમાં કોઈ બેમત નથી. 
ચીને 18 જેટલી કેટેગરીમાં આયાતની ડયૂટીમાં ઘટાડો કર્યો છે. 35 ટકાથી લઈને 10 ટકા સુધીનો વિવિધ સ્તરે ઘટાડો કર્યો છે. રૂબી, એમરલ્ડ, સેફાયર સહિતનાં કિંમતી સ્ટોનની ભારતમાંથી થતી નિકાસને મેટો લાભ ચીનનાં નવા પગલાંથી થશે. ચીનમાં મોટી સંખ્યામાં આયાત થતાં લૂઝ ડાયમંડ મુદ્દે નવા કરવેરાનાં માળખામાં કોઈ ઉલ્લેખ કરાયો નથી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer