સુરતમાં એક લાખ પાવરલૂમ ભંગારમાં ગયાં


ખ્યાતિ જોશી
સુરત, તા. 12 જૂન
નોટબંધી અને જીએસટી લાગુ થયા બાદ સુરતના કાપડ ઉદ્યોગની માઠી દશા બેઠી છે. કાપડ ઉદ્યોગને તો થોડીય રાહત મળી પણ વીવિંગ ઉદ્યોગની હાલત તો દયનીય બની ગઇ છે. છેલ્લાં દોઢ વર્ષમાં એક લાખ કરતાં વધારે સંખ્યામાં પાવરલૂમ્સ ભંગારમાં ગયાં હોવાની ધારણા છે. સરકાર તાકીદનાં પગલાં નહી લે તો અસંખ્ય યુનિટોને તાળાં મારવાની નોબત આવશે તેમ નિષ્ણાતોનું માનવું છે.
દેશભરમાં પોલિસ્ટર કાપડનું સૌથી વધુ ઉત્પાદન સુરતમાં થાય છે. સુરતમાં એક સમયે સાડા છ લાખ પાવરલૂમ્સ કાર્યરત હતાં. આજે શહેરમાં એક લાખ જેટલાં પાવરલૂમ્સ મંદીનો માર સહન નહિ કરી શકતાં ભંગાર વાટે ગયાં છે. ચાલુ છે તેવા વીવિંગ ઉદ્યોગકારોએ નછૂટકે એક પાળીમાં ઉત્પાદન લેવાની ફરજ પડી છે.
પાંડેસરા વીવર્સ કો ઓપરેટિવ સોસાયટીના પ્રમુખ આશિષ ગુજરાતીએ કહ્યું હતું કે, વીવર્સે એક લાખ પાવરલૂમ્સને ભંગારમાં ક્યારે જવા દીધાં હશે? એ વિચાર થોડો વધુપડતો છે. જોકે, ઉદ્યોગ મુશ્કેલીમાં તો છે જ. અમે સરકારને વીવર્સને પડતી મુશ્કેલીઓ વિશે એકથી અનેક વખત રજૂઆતો કરી છે. મહારાષ્ટ્રમાં ઉદ્યોગને પ્રોત્સાહન મળે તે પ્રકારની ટેક્સ્ટાઈલ નીતિ બની શકે છે પરંતુ, ગુજરાતમાં આ પ્રકારની નીતિ બનતી નથી. સરકાર હજુ નહિ વિચારે તો ઉદ્યોગ મહારાષ્ટ્ર તરફ ઢળી પડશે તેમાં કોઈ બેમત નથી. 
દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીનાં પ્રમુખ હેતલ મહેતા કહે છે કે, એક વાત સ્વીકારવી રહી કે સુરતના કાપડ ઉદ્યોગનું ઉત્પાદન ઘટયું છે. ઉત્પાદન ઘટવા પાછળનાં કારણોમાં જીએસટી કે નોટબંધી જવાબદાર છે કે નહિ તેનો અભ્યાસ કરવો રહ્યો. પરંતુ, બીજી એક વાત એટલી જ આવકાર્ય છે કે અહિંના ઉદ્યોગકારો અપગ્રેડેશન તરફ વળ્યા છે. હવે એક વોટરજેટ મશીન ચાર પાવરલૂમ્સની ક્ષમતાથી કામ કરે છે. એક લાખ પાવરલૂમ્સ જો ભંગારમાં ગયાં છે તો સુરતમાં કેટલાં નવાં વોટરજેટ મશીન આવ્યાં છે તેનો અભ્યાસ કરવાની જરૂર છે. પાછલાં અઢી વર્ષમાં શહેરના કાપડ ઉદ્યોગકારોએ કેટલાં વોટરજેટ મશીન શરૂ થયાં છે તેનો કોઈ વિસ્તૃત અભ્યાસ થયો નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer