ફેડરલ રિઝર્વની બેઠક પૂર્વે સોનું નરમ


અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 12 જૂન
ડોનાલ્ડ  ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના કિમ જોંગ વચ્ચે સિંગાપોરની મંત્રણા સફળ થતા વિશ્વને હાશકારો થયો છે. ઉત્તર કોરિયા પરમાણું શત્રોને નષ્ટ કરશે તેવી બાંયધરી બેઠકમાં મળવાથી સોનામાં જોખમ સામે હેજીંગની માગ ઘટી હતી. જોકે આવતી કાલે ફેડરલ રિઝર્વની બેઠક ઉપર બુલિયન ડીલરોની નજર મંડાઇ ગઇ હતી. ફેડનો નિર્ણય આવતી કાલે મોડી સાંજે આવવાનો છે એટલે સોનું અથડાઇ જાય તેમ છે.
ન્યૂ યોર્કમાં 1297 ડોલરના સ્તરે સોનું રનિંગ હતું. ફેડ વ્યાજદરમાં વધારો કરશે કે તે અંગે કોઇ માર્ગદર્શન આપશે કે કેમ તેની સૌને રાહ છે. વ્યાજદર વધે તો સોનું ઓછું આકર્ષક બનશે અને ડોલરમાં ખરીદી વધશે એવું માનવામાં  આવે છે. સોનાની રેન્જ મે માસના મધ્યથી 1290-1305 ડોલરની થઇ ગઇ છે. રેન્જમાંથી બહાર લાવવામાં ફેડની બેઠક મહત્ત્વની બને છે કે કેમ તે માટે એક દિવસની રાહ જોવી પડશે.
યુરોપિયન સેન્ટ્રલ બેંકની બેઠક ગુરુવારે મળવાની છે એમાં બોન્ડની ખરીદીનો મુદ્દો આવરી લેવામાં આવ્યો છે. વર્ષાન્તથી બોન્ડ ખરીદવાની જાહેરાત થાય તો તે ડોલરને નબળો પાડવામાં મદદ કરશે. તેની અસર  સોના ઉપર થશે. જાપાનની મધ્યસ્થ બેંકની નાણાનીતિ અંગેની બેઠક 14-15 જૂનના દિવસોમાં મળવાની છે. સોનાની સાથે ચાંદીમાં પણ નરમાઇ હતી. ન્યૂ યોર્કમાં 16.83 ડોલરનો ભાવ હતો. સ્થાનિક બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ સ્થિર રહેતા રૂા. 30,750ના સ્તરે હતો. ચાંદી એક કિલોએ રૂા. 40,500 હતી. મુંબઇમાં સોનું રૂા. 45 ઘટી રૂા. 31,025 અને ચાંદી રૂા. 140 ઘટતા રૂા. 40,395 હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer