ગુજરાતમાં મગફળીનો જંગી માલ ભરાવો કાઢવા `નાફેડ''ના પ્રયાસો


ખરીફ 2017માં કો-અૉપ દ્વારા ખરીદાયેલા 8.30 લાખ ટનમાંથી માત્ર 3600 ટન જ વેચાયું છે

અમદાવાદ, તા. 12 જૂન
ભારે ખોટ, મગફળીનો જંગી ખડકલો અને અનિશ્ચિત માગના કારણે સરકાર ચિંતિત છે. સરકાર નેશનલ એગ્રિકલ્ચરલ કૉ-અૉપરેટિંગ માર્કેટિંગ ફેડરેશન અૉફ ઇન્ડિયા લિ. (નાફેડ) મારફત મગફળીના સ્ટોકને નિકાસ કરવા મથી રહી છે જે આવતા સપ્તાહે મગફળી ક્રેશિંગનું પ્રથમ ટેન્ડર બહાર પાડે તેવી શક્યતા છે. પ્રારંભમાં 1 લાખ ટન મગફળીના માટે ટેન્ડર ઇસ્યૂ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ટેન્ડરની વિગતોને આખરી અૉપ આપવા આઈસીએઆરની જૂનાગઢ ગ્રાઉન્ડનટ રિસર્ચ ઈન્સ્ટિટયૂટની મદદ લેવાઈ છે. સીંગતેલ અને અૉઇલ કેકના ભાવો અંગેનો નિર્ણય કેન્દ્ર સરકારની સૂચના બાદ લેવાશે.
નીચું વેચાણ, નીચા ભાવો
ખરીફ 2017 દરમિયાન કુલ 8.30 લાખ ટનની પ્રાપ્તિ કરાઈ હતી અને 800 વેરહાઉસમાં તે મગફળીનો સ્ટૉક કરવામાં આવ્યો હતો. આમાંથી `નાફેડે' અત્યાર સુધીમાં માત્ર 3,600 ટન મગફળીનું જ વેચાણ કરી શકી છે. છેલ્લા સોદામાં ક્વિન્ટલ દીઠ રૂા. 3,400થી 3,550ના ભાવો ક્વૉટ કરાતા હતા જ્યારે ખરીદી રૂા. 4,500 (રાજ્ય સરકાર બોનસના ક્વિન્ટલ દીઠ રૂા. 50 સહિત)ના ભાવે કરાઈ હતી. આમાં જંગી ખોટ જઈ રહી છે.
`નાફેડે' પ્રવર્તમાન બજારભાવથી રૂા. 1,500 વધુ ચૂકવી મગફળીની ખરીદી કરી છે અને હવે જે ભાવે ખરીદી કરી છે. તેનાથી રૂા. 2,000 નીચા ભાવે વેચાણ કરી રહી છે,આમ `નાફેડ' દર ક્વિન્ટલ દીઠ રૂા. 3,500નું નુકસાન કરી રહી છે.
નબળી માગ
મગફળીનું સૌથી વધુ ઉત્પાદન ગુજરાતમાં થાય છે, પણ ગુજરાતમાં તેનો વપરાશ નગણ્ય છે. સિંગતેલનો વપરાશ કોણ કરશે? સૌરાષ્ટ્ર અૉઈલ મિલ્સ ઍસોસિયેશન (સોમા)એ આમજનતામાં સિંગતેલના વપરાશને પ્રોત્સાહન આપવા સરકાર સમક્ષ રજૂઆત કરી છે. તેને જાહેર વિતરણ વ્યવસ્થામાં મૂકવા તેમ જ મધ્યાહન ભોજન યોજનામાં સમાવવાની સરકાર સમક્ષ રજૂઆત કરી છે.
ગુણવત્તાની સમસ્યા
વેરહાઉસોમાં સ્ટોર કરાયેલી મગફળીની ગુણવત્તા અંગે પણ પ્રશ્નો ઉભા થયા છે. મગફળીની ગુણવત્તા પ્રમાણે દરેક વેરહાઉસના જથ્થાનું જુદું લિલામ યોજવાની માગણી `સોમા'એ કરી છે. ઈ-અૉક્શન પ્રોસેસ મગફળીને લાગુ કરી શકાતી નથી કારણ કે દરેક ગોદાઉનની ક્વૉલિટી અલગ અલગ છે. આથી સમગ્ર જથ્થા માટે યુનિફૉર્મ ભાવ રાખી શકાય તેમ નથી. બીજીબાજુ સ્ટોરેજની ટંચાઈ હોવાથી પ્રોક્યુરમેન્ટ એજન્સી ચિંતિત છે. તમામ વેરહાઉસની ક્ષમતા મગફળી અને અમુક કઠોળથી ખીચોખીચ ભરેલી છે. આગામી ખરીફ સીઝનના પાક માટે એકસ્ટ્રા સ્પેસ જોઈશે. આથી પ્રોક્યુરમેન્ટ એજન્સીને નવા પાકના આગમન પૂર્વે કે 3 મહિનાની અંદર ચૂકતે 8 લાખ ટનનો નિકાસ કરવાની કોઈ શક્યતા દેખાતી નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer