મૂડીબજારમાં પરિવર્તનનો વાયરો નાના રોકાણકારો કંપની ડિરેકટરોનો કાન આમળી રહ્યા છે


સમીર ધોળકિયા
ડિરેકટર - બેલેન્સ ઇક્વિટી બ્રાકિંગ (ઇન્ડિયા) પ્રા. લિ.
મુંબઈ, તા. 12 જૂન
કંપનીઓના નાના શૅરહોલ્ડર્સ પોતાના હક માગતા થયા તે ભારતીય કોર્પોરેટ ક્ષેત્રની પરિવર્તનકારી ઘટના છે. થોડા સમય પહેલાં લઘુમતી રોકાણકારના એક જૂથે આની શરૂઆત કરી હતી. આ ગ્રુપે સરકારી તેમ જ બિનસરકારી કંપનીઓ પાસે તેમણે લીધેલા નિર્ણયનો ખુલાસો માગ્યો હતો. એક્ટિવિસ્ટ ઈન્વેસ્ટર અમેરિકાના મૂડીબજારમાં ચળવળિયા રોકાણકારોની લોબી મજબૂત છે. એવું જ ભારતના કોર્પોરેટ ક્ષેત્રે બની રહ્યું છે. એવી કેટલીક ઘટનાઓ અહીં બની છે, જેમાં લઘુમતી શૅરહોલ્ડર્સએ તેમની કંપનીના પ્રમોટર્સ અને ડિરેકટર બોર્ડને સજાગ રહે તેવી કાર્યવાહી કરી છે.
તાજેતરમાં આવા ચળવળિયા રોકાણકારનો પરચો સેન્ચુરી ટેક્સ્ટાઈલ્સના માલિકો અને ડિરેકટર બોર્ડને મળ્યો. સેન્ચુરી ટેક્સ્ટાઈલ્સે તેનો સિમેન્ટ બિઝનેસ અલ્ટ્રાટેક સિમેન્ટને વેચવાની જાહેરાત કરી. આ જાહેરાત પ્રમાણે સેન્ચુરી તેનો 134 લાખ ટનનો સિમેન્ટ પ્લાન્ટ અલ્ટ્રાટેકમાં ભેળવી દેવા માગતી હતી અને આના વળતર પેટે તેના શૅરહોલ્ડર્સને પ્રત્યેક તેમના આઠ શૅરની સામે અલ્ટ્રાટેકનો દસ રૂપિયાની કિંમતનો ફક્ત એક શૅર મળે તેવી દરખાસ્ત રજૂ થઈ હતી. આની સામે રોકાણકારના એક વર્ગે વાંધો ઉઠાવતા કહ્યું કે પહેલા સેન્ચુરીના સિમેન્ટ બિઝનેસનું વેલ્યુએશન કરવું અને પછી તેને હરાજીમાં ઓફર મગાવવાથી સેન્ચુરી ટેક્સ્ટાઈલ્સને વધારે ફાયદો મળવાની શક્યતા છે. જોકે ડિરેકટર બોર્ડનું માનવું છે કે આમાં સેન્ચુરીના શૅરહોલ્ડર્સને કોઈ ફાયદો નથી. આમ છતાં એક વાત ચોક્કસ કે બિરલા ગ્રુપની કંપનીઓમાં આજ સુધી જે નથી જોવા મળ્યું તે હવે જોવાઈ રહ્યું છે. બદલાતા સમયની સાથે કંપની અને તેના સંચાલક મંડળે પણ બદલાવું પડશે તેવા સંકેત નાના શૅરહોલ્ડર્સ સંગઠને આપ્યા છે.
આમ તો નાના રોકાણકારનો એક વર્ગ ઘણા વખતથી માથું ઊંચકતો હોવાનું દેખાઈ રહ્યું હતું. વર્ષ 2014માં તાતા મોટર્સના કેટલાક ડિરેકટરના વેતન વધારવાને પ્રશ્ને તેમણે જોરદાર ચળવળ ચલાવી બોર્ડને એકવાર માટે તો ઝુકવાની ફરજ પાડી હતી. આવા તો બીજા ઘણા દાખલા છે જેમાં ચળવળિયા શૅરહોલ્ડર્સએ તેમને થતા અન્યાય સામે અવાજ ઉઠાવ્યો હોય.
અગાઉ એવું બનતું કે કંપનીના ડિરેકટરો વાર્ષિક સભામાં બહુ પ્રશ્ન કરતા શૅરહોલ્ડર્સને એક યા બીજી રીતે ખુશ કરી દેતા હતા. આ રીતે તેઓ પ્રશ્નોના જવાબ ટાળતા હતા, પણ પવને દિશા બદલી છે. નાના શૅરહોલ્ડર્સ પોતાના હક પ્રતિ વધુ સભાન થયા છે. હવે ડિરેકટર બોર્ડ જાણે છે કે તેઓ કોઈ કચાશ રાખશે તો નાના શૅરહોલ્ડર્સ તેને ચલાવી નહીં લે અને તેઓ ટાંપી જઈને તેમનું ધાર્યુ કરાશે. જોકે, ભારતીય મૂડીબજારની તવારીખમાં આવા પરિવર્તન માટેનું કારણ સંસ્થાકીય રોકાણકારોની નાના રોકાણકાર તરફી નીતિ અને વિદેશી રોકાણકારો સામે તેમણે વામણા દેખાવું પડે નહીં તેની આશંકા છે. મ્યુચ્યુઅલ ફંડસમાં નાના રોકાણકારોએ રોકાણ કર્યું હોય છે. તેથી આવા ફંડસની વિશ્વસનિયતા નાના રોકાણકારોમાં જળવાઈ રહે તે માટે આવા સંસ્થાકીય રોકાણકારો સમર્પિત છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer