સીએઆઈએ રૂના પાકનો અંદાજ વધારીને 356 લાખ ગાંસડી કર્યો
મુંબઈ, તા. 12 જૂન
કોટન એસોસિયેશન અૉફ ઈન્ડિયાએ રૂની વર્તમાન મોસમ (અૉક્ટોબર, 2017 - સપ્ટેમ્બર, 2018) માટેનો મે મહિનાનો તેનો અંદાજ પ્રગટ કર્યો છે, જે તેના એપ્રિલના અંદાજ કરતા પાંચ લાખ ગાંસડી વધુ અર્થાત્ 356 લાખ ગાંસડી છે. નવા અંદાજ મુજબ ગુજરાતનાં ઉત્પાદનમાં અગાઉના અંદાજ કરતાં ત્રણ લાખ ગાંસડી, કર્ણાટકનાં ઉત્પાદનમાં 1 લાખ ગાંસડી, આંધ્ર પ્રદેશનાં ઉત્પાદનમાં 50,000 ગાંસડી અને મધ્યપ્રદેશ તથા તામિલનાડુનાં ઉત્પાદનમાં 25,000 ગાંસડીનો વધારો થયો છે. એસોસિયેશનના અંદાજ અનુસાર 31 મે, 2018ના રોજ દેશમાં રૂનો કુલ પુરવઠો 378.50 લાખ ગાંસડી હતો, જેમાં 30 લાખ ગાંસડીની ઊઘડતી પુરાંત, 340 લાખ ગાંસડીની આવકો અને 8.50 લાખ ગાંસડીની આવકનો સમાવેશ થાય છે.
31 મે સુધીમાં રૂનો વપરાશ 216 લાખ ગાંસડી અને નિકાસ 62 લાખ ગાંસડી થઈ હોવાનો અંદાજ છે. મેના અંતે 100.50 લાખ ગાંસડી રૂ સિલકમાં હતું, જેમાંથી 58 લાખ ગાંસડી મિલો પાસે અને બાકીની 42.5 લાખ ગાંસડી સીસીઆઈ, બહુરાષ્ટ્રીય કંપનીઓ, વેપારીઓ અને જિનરો પાસે હતી.
સંપૂર્ણ મોસમ દરમિયાન રૂનો કુલ પુરવઠો 410 લાખ ગાંસડીનો, વપરાશ 324 લાખ ગાંસડી, નિકાસ 74 લાખ ગાંસડી અને બાકી સિલક 16 લાખ ગાંસડી રહેવાનો અંદાજ છે.