કૌભાંડો છુપાવવા મગફળીમાં આગ લગાવાઇ : નાફેડ

કૌભાંડો છુપાવવા મગફળીમાં આગ લગાવાઇ : નાફેડ

આગની ઘટનાઓમાં ગોદામ અને ખરીદ સંસ્થાઓ સામે આકરાં પગલાં લેવા નાફેડની માગ
 
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 12 જૂન
ગુજરાતમાં મગફળીની ખરીદીમાં માટી ભેળવીને થયેલો ભ્રષ્ટાચાર અને બાદમાં આગ લગાવવાની ત્રણ ત્રણ ઘટનાઓમાં નાફેડનો કોઇ હાથ નથી એવી સ્પષ્ટતા ચેરમેન વાઘજીભાઇ બોડાએ રાજકોટમાં કરી હતી. તેમણે ઉમેર્યું કે, માટી ભેળવવાની કે આગ લાગવાની ઘટના ભ્રષ્ટાચારને છુપાવવા માટે કરવામાં આવી હતી. તેની સંપૂર્ણ જવાબદારી જે તે ગોદામના માલિકોની અને ખરીદ કરનારી મંડળી કે સંસ્થાની બને છે. નાફેડ પાસે તમામ ખરીદીની વિગતો છે તેનો ઉપયોગ કરીને સરકાર તત્કાળ તપાસ કરાવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જાય તેમ છે. જોકે સરકાર તપાસની દિશામાં ગોકળગાય ગતિએ ચાલી રહી હોવાનો અફસોસ તેમણે વ્યક્ત કર્યો હતો. 
વાઘજીભાઇએ પત્રકાર પરિષદમાં કહ્યું કે, નાફેડ ગુજરાતમાં વર્ષોથી ગુજકોમાસોલને સહકારી ધોરણે ખરીદી સોંપતી આવી છે. પરંતુ રાજ્ય સરકારે પોતાની રીતે જ દૂધ સંઘો, ગુજકોટ અને માંદી-નબળી મંડળીઓને આડેધડ ખરીદી કરવાનું કામકાજ સોંપી દીધું હતું. એમાંય 80 ટકા ખરીદી તો એકલા ગુજકોટે કરી છે. મોટા ભાગના ખરીદ કેન્દ્રો ઉપર મનફાવે તેમ ગોદામો ફાળવવામાં આવ્યાં છે. આ કામગીરી એપીએમસી બોર્ડ દ્વારા કરવામાં આવી હતી. સરકારે ખરીદી માટે જેમ તેમ આદેશો આપી દીધાં એ કારણે મગફળીમાં કૌભાંડો આચરનારાને છૂટો દોર મળી ગયો હતો. 
ગોદામોમાં મગફળી ભરતા પૂર્વે ગોદામની રસ્તાથી ઊંચાઇ, આસપાસની જગ્યા, હવા-ઉજાસ, ફાયર સેફ્ટીનાં સાધનો, ફ્યુમીગેશન તથા ગુણવત્તા જાળવવા માટેના કોઇ નિયમો મોટેભાગે પાળવામાં આવ્યા નથી. આગ લાગવાના બનાવો પૂર્વે 14 ગોદામો તો સાવ ખુલ્લામાં હતા!  હજુય એકાદ બે ગોદામ ખુલ્લાં છે. છતાં કોઇ તકેદારી રખાતી નથી.
રાજ્ય સરકાર પણ આ બાબતે ઉદાસીન છે.
વાઘજીભાઇએ ઉમેર્યું કે, ગુજકોટ દ્વારા રાખવામાં આવેલા ગોદામોમાં જ આગ લાગવાની ઘટનાઓ બની છે. સેન્ટ્રલ વેરહાઉસીંગ કોર્પોરેશનના ગોદામોમાં ક્યાંય માટી નાખવાના કે આગના બનાવો બન્યા નથી. જ્યાં મગફળીમાં માટી ભેળવવાની કામગીરી થઇ અને આગ લાગી તેમાં જે તે કેન્દ્રના સંચાલકો કે મંડળી અને વેરહાઉસનો મોટો હાથ છે તેવું તેમણે કહ્યું હતું. છતાં કોઇ જવાબદારી સ્વીકારવા તૈયાર નથી. જો સરકાર વહેલી તકે મગફળી કાંડના સૂત્રધારોની સામે કાર્યવાહી નહી કરે તો ગુજરાત સરકારની રહીસહી આબરૂના પણ લીરાં ઉડી જશે. ગુજરાતની સ્થિતિ ઉત્તર પ્રદેશ અને બિહાર જેવી થઇ ગઇ હોવાનું પણ બોડાએ અંતે ઉમેર્યું હતુ.
મગફળીની ખરીદીમાં ગોટાળા, સળગાવવાના બનાવો અને બેદરકારીની ઘટનાઓ માટે નાફેડ જવાબદાર છે  તેવું કૃષિ મંત્રી આર. સી. ફળદુનું નિવેદન પાયાવિહોણું છે. કૃષિ મંત્રીને સત્યનું જ્ઞાન નથી અને પૂરતો અભ્યાસ પણ કર્યો નથી એટલે ખોટી વાતો ફેલાવાઇ રહી છે.
મગફળીની ખરીદી દર વર્ષે વ્યવસ્થિતપણે થાય જ છે, પણ આ વર્ષે જ્યાં ધૂળ-માટી ભેળવી દેવાની ફરિયાદો આવી છે તે કોઇ એકલદોકલ વ્યક્તિનું કામ નથી તેવું વાઘજીભાઇએ જણાવ્યું હતું. આવા કૃત્યમાં વેરહાઉસના માલિક અને ખરીદ કરનારી સંસ્થાઓનો પણ હાથ હોય જ. જેની તપાસ જરૂરી છે.
આગની ત્રણ ત્રણ ઘટનાઓ પછી રાજ્ય સરકારના પેટનું પાણી હલતું ન હોય તેમ તપાસમાં સાવ ઢીલાશ ચાલે છે. ત્યારે કેન્દ્રની સૂચના પછી હવે નાફેડ, ગુજકોટ, ગુજકોમાસોલ અને સરકારી પ્રતિનિધિની  એક ટુકડી  દરેક કેન્દ્ર-ગોદામમાં  જઇને ધૂળ-માટી અને મગફળીની ગુણવત્તા અંગે તપાસ કરી રહી છે. આ પ્રકારે  એક હજાર ગોદામની તપાસ કરવામાં આવનાર છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer