ઍરપોર્ટ કસ્ટમ્સ નોટિફાઈડ બન્યું પરંતુ સુરતને આંતરરાષ્ટ્રીય કનેક્ટિવીટી મળતાં હજુ છ માસ લાગશે

ઍરપોર્ટ કસ્ટમ્સ નોટિફાઈડ બન્યું પરંતુ સુરતને આંતરરાષ્ટ્રીય કનેક્ટિવીટી મળતાં હજુ છ માસ લાગશે

કસ્ટમ્સ નોટિફિકેશન મળતાં  હીરા અને કાપડ ઉદ્યોગકારોમાં આનંદની લાગણી
 
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 12 જૂન
છેલ્લાં ઘણાં વર્ષોથી ઍર કનેક્ટિવીટી માટે તરસતાં ડાયમંડ સિટી સુરતના લોકો માટે સારા સમાચાર છે કે સ્થાનિક ઍરપોર્ટ કસ્ટમ નોટિફાઈડ બન્યું છે. પરંતુ હજુ લોકોએ આંતરરાષ્ટ્રીય એર કનેક્ટિવીટી મેળવવા માટે છ માસ સુધી રાહ જોવી પડે તેમ છે. હીરાઉદ્યોગકારો અને ઔદ્યોગિક સંગઠનોનું સ્પષ્ટપણે માનવું છે કે હવે વધુ સમય બગાડયા વગર ઝડપથી સુરતને પ્રથમ દુબઈ-શારજહાંની ઍર કનેક્ટિવીટી મળી જશે.
 સુરત ઍરપોર્ટને કસ્ટમ નોટિફાઈડ જાહેર કરતું નોટિફિકેશન નંબર 51-2018 વાણિજ્ય મંત્રાલયના રેવન્યુ ડિપાર્ટમેન્ટ (સેન્ટ્રલ બોર્ડ અૉફ ઈનડાયરેક્ટ ટૅકસીસ ઍન્ડ કસ્ટમ) દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. સુરત ઍરપોર્ટને કસ્ટમ ક્લિયરન્સનું નોટિફિકેશન મળતાની સાથે જ સુરતીઓમાં આનંદ છવાઈ ગયો છે. પરંતુ હજુ આંતરરાષ્ટ્રીય હવાઈ યાત્રાનો લાભ મેળવવા માટે લોકોએ છ મહિના જેટલો લાંબો સમય રાહ જોવી પડે તેમ છે. ઍરપોર્ટ અૉથોરિટીનાં સૂત્રોનાં જણાવ્યાનુસાર કસ્ટમ નોટિફાઈડ જાહેર થયા બાદ પણ કેટલીક પ્રક્રિયાઓ પૂર્ણ કરવાની હોય છે જેને ઓછામાં ઓછો છ માસ જેટલો સમય લાગે તેમ છે. આ સમયગાળા દરમિયાન ખાનગી ઍરલાઈન્સ દ્વારા ફ્લાઈટ શરૂ કરવાને લઈને સર્વે અને તપાસનો કાર્યક્રમ હાથ ધરાશે. 
સુરતને કસ્ટમ નોટિફાઈડ જાહેર કરતાં સૌથી વધુ ખુશી હીરાઉદ્યોગમાં જોવા મળી છે. આ બાબતે જેમ્સ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ(જીજેઈપીસી)નાં રિજિયોનલ ચૅરમૅને દિનેશભાઈ નાવડિયા કહે છે કે અમે કેટલાય સમયથી સુરતને આંતરરાષ્ટ્રીય ઍર કનેક્ટિવીટી મળે તે માટે રજૂઆતો કરતાં આવ્યા છીએ. ઘણાં વર્ષો પછી અમારી પડતર માગણીને સરકારે સ્વીકારી છે. હવે ઝડપથી સુરતને દુબઈ અને બેલ્જીયમની સીધી ફ્લાઈટ મળે તે દિશામાં પગલાં ભરવાની જરૂરી છે. 
દક્ષિણ ગુજરાત ચૅમ્બર અૉફ કૉમર્સ ઍન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા છેલ્લાં ઘણાં વર્ષોથી આંતરરાષ્ટ્રીય ઍર કનેક્ટિવીટી માટે સતત રજૂઆતો કરવામાં આવી હતી. એસજીસીસીઆઈનાં પ્રમુખ હેતલ મહેતાએ સરકારનાં પગલાંને આવકાર્યું છે. તેમના મતે સંભવત: સુરતથી દુબઈની ફ્લાઈટ છ માસમાં શરૂ થઈ શકે છે.
સુરત ઍરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો મળે તે માટે સુરત ઍરપોર્ટ એકશન કમિટીએ પણ પ્રયત્નો કરેલા. તેના પ્રમુખ સંજય ઈઝાવાએ કહ્યુ હતું કે, ઘણું મોડું થઈ ચૂક્યું છે. છતાં લોકો સુવિધાઓને આવકારવા તત્પર છે. અમે તાજેતરમાં જ ઍરઇન્ડિયા એક્સ્પ્રેસનાં સીઈઓ સાથે બેઠક યોજીને સુરતને શારજહાંની સીધી ફ્લાઈટ આપવાની રજૂઆત કરી હતી. સુરતને દુબઈની કનેક્ટિવીટી ઝડપથી મળે તેવી અપેક્ષા છે.
ફેડરેશન અૉફ સુરત ટૅક્સ્ટાઈલ ટ્રેડર્સ ઍસોસિયેશન(ફોસ્ટા)નાં પ્રમુખ મનોજ અગ્રવાલ કહે છે કે, આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ મળે તે માટેનો રસ્તો ખૂલતાં સમગ્ર કાપડઉદ્યોગને તેનો ફાયદો થશે. 
વર્તમાન સમયે સુરત ઍરપોર્ટથી રોજની 21 ફ્લાઈટ ઉડે છે તેની સંખ્યા પણ વધે તેમ છે. દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, જયપુર, કોલકત્તા, ગોવા બાદ સુરતથી અન્ય શહેરોની સીધી કનેક્ટિવીટી મળે તેમ છે. સુરત ઍરપોર્ટને કસ્ટમ નોટિફિકેશન મળે તે પહેલાં જ ઍરપોર્ટ પર કેટલાંક મહત્ત્વનાં ફેરફારો કરાયા છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer