સોનાની આયાત આ વર્ષે 15 ટકા ઘટવાની ધારણા

સોનાની આયાત આ વર્ષે 15 ટકા ઘટવાની ધારણા

મુંબઈ, તા. 12 જૂન
સોનાની આયાતમાં ગયા વર્ષે તીવ્ર વધારો થયા પછી આ વર્ષે તેમાં લગભગ 15 ટકાનો ઘટાડો થવાની ધારણા છે.
નીતિ ઘડવૈયાઓ અને ભારતીય રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઈ) માટે આ ઘટાડો રાહતરૂપ બની શકે છે. છ જૂનની નાણાકીય નીતિમાં આરબીઆઈએ કહ્યું હતું કે એપ્રિલ 2018માં સોના, મોતી અને રત્નોની આયાતમાં થયેલા ઘટાડાએ તેલની સાથે આયાતમાં થયેલા વધારાની અસરને ઓછી કરી નાખી હતી.
આરબીઆઈએ તેલના ઊંચા આયાત બિલને લઈને ચિંતિત હતી જેની ચલણ અને નાણાકીય સ્થિતિ પર પ્રતિકૂળ અસર થઈ શકે છે. વર્ષના ઉત્તરાર્ધમાં પણ સોનાની આયાત ઓછી રહેવાનો અંદાજ છે. બુલિયન બજારમાં એવી પણ અફવા છે કે સરકાર સોનાની આયાત પર વધુ નિયંત્રણો મૂકવાની તૈયારીમાં છે.
જીએફએમએસ થોમસન રોઈટર્સના મુખ્ય વિશ્લેષક સુધીરા નાંબિયથના અહેવાલ અનુસાર આ વર્ષે સોનાની કુલ આયાત 720-750 ટન જેટલી થવાની અપેક્ષા છે. જે ગયા વર્ષે 880 ટન  હતી. બૅન્કરો અને વેપારીઓ જણાવે છે કે નીરવ મોદી-ગીતાજંલિ જેમ્સના ગોટાળા પછી સોનાના ઊંચા ભાવ અને નબળા રૂપિયાને લીધે માગ ઘટશે.
નબળી રોકાણ માગ, અમેરિકાના મજબૂત વ્યાજદર અને વધેલા ભાવને લીધે માગ ઓછી છે. હજી પણ ઇક્વિટી રોકાણ તરીકે આકર્ષક છે. એમ કોટક મહિન્દ્ર બૅન્કના સિનિયર એક્ઝિક્યુટિવ ઉપપ્રમુખ શેખર ભંડારીએ જણાવ્યું હતું.
જાન્યુઆરીથી સોનાની આયાત ઘટી રહી છે અને એપ્રિલમાં વર્ષાનું વર્ષ 32.6 ટકા ઘટીને 63 ટન થઈ હતી. મે મહિનામાં આયાત વધુ ઘટીને 48 ટન થવાનો અંદાજ છે. જૂન-જુલાઈમાં પણ આયાત મંદ રહેવાની સંભાવના છે.
ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સના અમલ પૂર્વે, ઘણા વેપારીઓઁ સોનાનો ફરીથી સ્ટૉક કરી રહ્યા હતાં. જ્યારે ઘણા વેપારીઓ બિનહિસાબી સોનાને હિસાબી સોનામાં તબદિલ કરી રહ્યા હતાં. ઓછા ભાવને લીધે માગ વધુ હતી. ફરીથી સ્ટૉક કરવાની માગ નહિ હોવાથી ભાવ નીચા રહ્યાં છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer