ગૂગલ સર્ચ એન્જિન પર `બાય ગોલ્ડ'' શોધનારાની સંખ્યા 11 વર્ષના તળિયે

ગૂગલ સર્ચ એન્જિન પર `બાય ગોલ્ડ'' શોધનારાની સંખ્યા 11 વર્ષના તળિયે

રાજકીય-ભૌગોલિક તંગદિલીથી સોનાના ભાવને માર્યાદિત ટેકો

ઈબ્રાહિમ પટેલ 
મુંબઈ, તા, 12 જૂન
`બાય ગોલ્ડ' ગુગલ સર્ચ એન્જિન પર આ વાક્ય શોધનારાની સંખ્યા 11 વર્ષના તળિયે ગઈ છે. હું સાચો છું કે નહિ તેની મને ખબર નથી, એમ કહીને મુંબઈસ્થિત રિદ્ધિસિદ્ધિ બુલિયનના પૃથ્વીરાજ કોઠારી ઉમેરે છે કે આ સમય સોનું ખરીદવાનો  છે, એવી લોકવાયકા સાચી નથી કારણ કે સોનામાં હવે વળતરનું પ્રમાણ ખૂબ ઘટી ગયું છે. આ તો એક લાગણી છે, પણ મારા મતે સટ્ટાકીય નાણાનો પ્રવાહ જે અત્યાર સુધી સોના અને સોનાની ખાણ કંપનીના શૅરોમાં વહેતો હતો, તેણે હવે બિટકોઈનનો રાહ પકડી લીધો છે. રોકાણકારો હવે `બ્લોક ચેઈન' શબ્દસમૂહ ગુગલ સર્ચ એન્જિનમાં શોધે છે. 
...પણ જો અમેરિકન વ્યાજદર વૃદ્ધિની સાઈકલ પાટા પરથી ઉતરી જશે તો તેથી બિનવળતરદાયક ગણાતા સોનાનાં લાંબાગાળાના રોકાણકારો વધુ આકર્ષિત થશે. શક્ય છે કે આગામી વર્ષના આ સમયે સોનામાં વધુ ચળકાટ જોવા મળે. કોઠારી કહે છે કે અમેરિકામાં બમણી ખાધ ફોલ્ટ સામે આવશે અને ડૉલર નબળો પડશે, જે સોનાના ભાવને 1380 ડૉલરની ઊંચાઈએ લઈ જવામાં મદદ કરશે, એવી અમારી ધારણા છે. બરાબર આ જ સમયે અમેરિકા અને ચીન વચ્ચે ચાલતી ટ્રેડ વૉર જે યુરોપિયન યુનિયન, મેક્સિકો અને કૅનેડા જેવા દેશોમાં વિસ્તરી હશે. આ જોખમને અત્યારે હળવાશથી લેવામાં આવી રહ્યું છે.   
રાજકીય-ભૌગોલિક સમસ્યાએ સોનાના ભાવને માર્યાદિત ટેકો આપ્યો છે. ઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનના સેક્રેટરી સુરેન્દ્ર મહેતા કહે છે કે અમેરિકન અર્થતંત્રમાં જે રીતે વૃદ્ધિ વિકાસ થઈ રહ્યો છે તે જોતાં યુએસ ફેડ આ વર્ષે વધુ વ્યાજ વૃદ્ધિ કરશે, આ જોતા પણ સોનાના ભાવ ઉપર જવાના પ્રયાસ કરશે, એવું માનવું વધુ પડતું છે. લાંબા સમયથી સોનામાં વેચવાલીનું જોર છે. આ સ્થિતિમાં તેજીનો તખતો ગોઠવાય તે પહેલા ભાવ 1272 ડૉલરની બોટમ ટચ કરે તેવી શક્યતા અત્યારે નકારી ન શકાય. છેલ્લા કેટલાંક સપ્તાહથી રોકાણકારો પણ નેટ શોર્ટ પોઝિશન લઈને બેઠા છે, જે સૂચવે છે કે ટૂંકાગાળામાં ભાવ ઘટવાની સંભાવના વધુ છે.
બુલિયન એનાલિસ્ટ ભાર્ગવ વૈદ્ય કહે છે કે વર્તમાન ટ્રેડ વૉર, કોલ્ડ વૉર, મજબૂત થતો ડૉલર અને વધી રહેલા ટ્રેઝરી યિલ્ડ (વ્યાજ)એ સોનાના ભાવને 1300 ડૉલર નજીક સાંકડી વધઘટે અથડાવી દીધા છે. એપ્રિલ, 2018ની 1365 ડૉલરની ઊંચાઈએથી ભાવ અત્યારે ઘણા નીચા અને ડિસેમ્બર, 2016ના 1150 ડૉલર તેમજ ડિસેમ્બર, 2017ના 1267 ડૉલરની ઉપર છે. આથી જ સોનામાં તેજી નિષ્ફળ ગઈ છે. જો સર્વાંગી રીતે જોઈએ તો ટૂંકાગાળામાં સોનાનાં ભાવ 1307.65 ડૉલર ઉપર જાય તો તેજી અને 1281.99 ડૉલરની મે, 2018 બોટમ નીચે જાય તો મંદી શક્ય છે.
ચીન - અમેરિકા વચ્ચેની હુંસાતુંસીથી આપણે ડૉલરમાં અફડાતફડી જોઈ રહ્યા છીએ. ઐતિહાસિક રીતે જોવા જઈએ તો ટ્રેડ વૉર એ તો ડૉલર માટે મંદીનું કારણ બને છે. જો સ્ટીલ અને એલ્યુમિનિયમ પરની સૂચિત જકાત વૃદ્ધિનો અમલ શરૂ થશે તો બુલિયન બજારના અંતરપ્રવાહમાં બદલાવ આવશે, એમ પૃથ્વીરાજ કોઠારીનું માનવું છે.
વર્તમાન વાતાવરણમાં સોના પ્રત્યે રોકાણકારનો રસ મિશ્ર પ્રકારનો છે. જો રાજકીય-ભૌગોલિક વાતાવરણ ખરાબ થાય તો સોનામાં રોકાણ પ્રવાહ આકર્ષાશે અને ભાવ ઘટાડાનો વેગ માર્યાદિત થશે. ભાવને ગતિ આપવા બુલિયન ટ્રેડરો પણ નવા ફન્ડામેન્ટલ્સની રાહ જોઈ રહ્યા છે. અમેરિકાના ટ્રાડિંગ પાર્ટનરો સાથેની લમણાઝીંકે જાગતિક ટ્રેડ વૉરના તાપણાંમાં ઉબાડિયાં નાખ્યા છે. સોનાના મંદીવાળાને અત્યારે તો ટૂંકાગાળાનાં ટેક્નિકલ ચાર્ટના લાભો પણ મળી રહ્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer