ઈ-વે બિલ : વેપારીઓની સમસ્યા ઉકેલવા સરકાર તૈયાર

ઈ-વે બિલ : વેપારીઓની સમસ્યા ઉકેલવા સરકાર તૈયાર

વેપારી સંગઠનો સાથે જીએસટી કાઉન્સિલના અધિકારીઓ મંત્રણા કરશે
 
મુંબઈ, તા. 12 જૂન
ગત 25 મે 2018 ના દિવસથી ભારતમાં ઈ-વે બિલ લાગુ થઈ ચૂક્યું છે.  વેપારી સમૂહે આ બિલનું સ્વાગત કર્યું છે પરંતુ તેને વ્યવહારિક રીતે તેનો ઉપયોગ કરતા સમયે અનેક મુશ્કેલીઓ સામે આવી રહી છે. આ મુશ્કેલીઓ ને કારણે વેપારીઓ ને નુકસાન પણ થઇ શકે છે. આથી વેપારીઓ ની સમસ્યા ને વાચા આપવા સ્ટીલ યૂઝર ફેડરેશન ઓફ ઇંડિયા, ચેંબર ઓફ અસોસિએશન ઓફ મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રી એન્ડ ટ્રેડ, મુંબઈ મેટલ એક્સચેંજ, ઓલ ઇંડિયા ઇલેક્ટ્રોનિક અસોસિએશન ના પદાધીકારીઓ મહારાષ્ટ્ર ના જીએસટી કમિશ્નર રાજીવ જલોટા ને મળ્યા હતા.
સ્ટીલ યૂઝર ફેડરેશન ઓફ ઇંડિયાના અધ્યક્ષ અને  ચેંબર ઓફ અસોસિએશન ઓફ મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રી એન્ડ ટ્રેડ ના મહાસચીવ નિકુંજ તુરખીયા ની આગેવાની હેઠળ મળેલી આ બેઠકમાં રાજીવ જલોટા સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. તેમા ઈ વે બીલ ને કારણે વેપારીઓની લેતી દેતી કયા ટ્રેડર તેમજ અન્ય વેપારીઓ સાથે થાય છે તે ગુપ્ત રહી શકતું નથી,  આના કારણે વેપારીઓને ઘણું મોટું નુકસાન વેઠવું પડશે. આ મુદ્દે જીએસટીના અધિકારીઓએ જણાવ્યું કે આ સમસ્યાના નિરાકરણ માટે તેઓ પ્રયત્નશીલ છે. ગોડાઉન ટ્રાન્સફરના સમયે જ્યાં ઉત્પાદનોની જગ્યા બદલાતી નથી તેને જીએસટીમાં યોગ્ય રીતે સ્થાન મળવું જોઈએ  તેવી માગણી થઈ હતી. આ મુદ્દે અધિકારીઓએ જણાવ્યું કે જીએસટીના અમુક નિયમોને આધીન રહી આ રીતે વેપાર શક્ય છે.
સરકારી અધિકારીઓને એ વાત જણાવવામાં આવી કે ટ્રાન્સપોર્ટર્સ દ્વારા બી ફોર્મ ભરવામાં આવતું નથી જેને કારણે વેપારીઓને દોષી ઠેરવવામાં આવે છે.
હેમંત પારેખે સરકારી અધિકારીઓને જણાવ્યું કે કેટલાય લોકો જીએસટી ની રકમ અદા કર્યા વગર લાપતા થઈ જાય છે.  આ પરિસ્થિતિમાં અધિકારીઓએ ઝડપથી કાર્યવાહી કરી કાનૂની ગાળિયો સખત બનાવવો જોઈએ.આવનાર દિવસોમાં આ મુદ્દે વેપારીઓ અડચણમાં આવી શકે છે.
બેઠકના અંતમાં એવો નિર્ણય કરવામાં આવ્યો કે આવનાર એક સપ્તાહની અંદર તમામ વેપારી સંગઠનો અને જીએસટી કાઉન્સિલના અધિકારીઓ વચ્ચે એક વિસ્તૃત પરિચર્ચા થશે. આ પરિચર્ચામાં ઈ-વે બિલ મુદ્દે સાર્વજનિક રીતે સવાલ પૂછવામાં આવશે, જેના પર અધિકારી વર્ગ પોતાની ટિપ્પણી કરશે.આ સાથે જ સમસ્યાઓનું સમાધાન પણ કરવામાં આવશે.  આ ઉપરાંત સ્ટીલ યુઝર ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આગામી દિવસોમાં ઈ-વે બિલ ઉપર એક વિસ્તૃત પુસ્તક પણ પ્રસિદ્ધ કરવામાં આવશે.
સ્ટીલ યુઝર ફેડરેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ નિકુંજ તુરખીયાએ જણાવ્યું કે `અમને ખુશી છે કે અમારી સમસ્યાઓને લઈને સરકારી અધિકારીઓ જાગૃત છે.  અમને પૂરો વિશ્વાસ છે કે અમારી સમસ્યાઓનું સમાધાન થશે.'
આ પ્રસંગે મોહન ગુરનાનીએ કહ્યું હતું કે `નાના વેપારીઓની સમસ્યા હવે પહેલાં કરતાં વધી ચૂકી છે.  આ નાના વેપારીઓ ભારતની ઇકોનોમીમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે જેથી તે ઉપર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે.'

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer