સ્વિસ મતદારો બૅન્કિંગ વ્યવસ્થા બદલવા તૈયાર નથી

સ્વિસ મતદારો બૅન્કિંગ વ્યવસ્થા બદલવા તૈયાર નથી

ઝુરિચ, તા. 12 જૂન
સ્વિટ્ઝરલૅન્ડની બૅન્કિંગ વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન લાવી દે એવા એક સરકારી પ્રસ્તાવને અહીંની પ્રજાએ નકારી કાઢયો છે. વેપારી બૅન્કોને ઇલેક્ટ્રૉનિક રીતે નાણાંનું સર્જન કરવાની મનાઈ ફરમાવતા પ્રસ્તાવને આજે મતદારોએ ભારે બહુમતીથી ફગાવી દીધો હતો. આશરે 75 ટકા મતદારોએ સ્વિસ સરકાર સોવરેન મની ઇનિશિએટિવ તરીકે ઓળખાતા પ્રસ્તાવને ઠુકરાવી દીધો હતો.
દેશના તમામ સ્વાયત કેન્ટોનોએ પણ તેને નકારી કાઢ્યો હતો. પ્રસ્તાવ પસાર થવા માટે સ્વિટ્રલૅન્ડના 26 કેન્ટોનોની તેમ જ કુલ મતદાનના 50 ટકા મતદારોની સંમતિ જરૂરી હતી.
સ્વિસ અર્થતંત્રમાં `સાચકલું' નાણું દાખલ કરવાનાં જોખમો વિશેની ચિંતાને કારણે મતદારોએ તેને જાકારો આપ્યો હોવાનું જણાય છે.  સ્વિસ સરકાર પોતે પણ આ પ્રસ્તાવથી સર્જાનારી સંભવિત અનિશ્ચિતતાને લીધે તેની વિરુદ્ધ હતી. તેણે મતદાનનાં પરિણામ પ્રત્યે ખુશી વ્યક્ત કરી હતી.
આ યોજનાના અમલથી અનેક પ્રશ્નો સર્જાયા હોત અને ઘણાં વર્ષો સુધી તકલીફ પડી હોત એમ સ્વિટઝરલૅન્ડના નાણાપ્રધાન યુએલી મોરેરે જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer