7 કલાકમાં 30 અબજ ડૉલરની ક્રિપ્ટોકરન્સી અસ્કયામતનું ધોવાણ

7 કલાકમાં 30 અબજ ડૉલરની ક્રિપ્ટોકરન્સી અસ્કયામતનું ધોવાણ

રાજ કુન્દ્રા સહિત અનેક નામી લોકોનાં નાણાં સલવાઈ ગયાં  
 
ઇબ્રાહિમ પટેલ  
મુંબઈ, તા. 12 જૂન
સાયબર ક્રિમિનલોએ દક્ષિણ કોરિયાના કોઈનરેઇલ એક્સચેન્જને લક્ષ્યાંક બનાવ્યાના સમાચાર આવતા જ બિટકોઇનના ભાવમાં બે દિવસમાં 13 ટકાનું ગાબડું પડ્યું હતું. સાયબર સિક્યુરિટીના મુદ્દે રોકાણકારોની ચિંતા વધી ગઈ છે. સોમવારે એશિયન ટ્રેડિંગ કલાકોમાં બિટકોઇનના હાથબદલા 6619 ડૉલરના ભાવે થયા હતા. આ ભાવ ફેબ્રુઆરીમાં રચાયેલી આ વર્ષની બોટમ 5947 ડૉલરથી હવે બહુ દૂર નથી. કોઈનમાર્કેટકેપડોટકોમના તાજા આંકડા પ્રમાણે 30 અબજ ડૉલરની ક્રિપ્ટોકરન્સી અસ્કયામતોનું ધોવાણ માત્ર 7 કલાકમાં જ થયું છે. 
એકસ્ચેન્જમાંથી હેકરે 30 ટકા વર્ચ્યુઅલ કરન્સી ચોરી લીધાની સત્તાવાર માહિતી સોમવારે દક્ષિણ કોરિયાના કોઈનરેઇલએ જાહેર કરી હતી. કોઈનરેઇલએ કહ્યું કે પ્રાથમિક ધોરણે અમે ડિજિટલ કરન્સીમાં ટ્રેડિંગ બંધ કરી દીધું છે અને રોકાણકારોએ ગુમાવી દીધેલાં નાણાં પરત મેળવવાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ચોરાયેલાં કોઈનની કિંમત એકસચેન્જે જણાવી નથી. પણ અનુમાન છે કે આ રકમ 40 અબજ કોરિયન વોન જેટલી હોઈ શકે છે. ચોરાયેલા ક્રિપ્ટો કોઈન બિટકોઇનમાં નથી, પણ ઓછાજાણીતા કોઈન છે. આ વર્ષના આરંભે જપાન અને અમેરિકા પછી બિટકોઇન ટ્રેડિંગ બજારમાં ત્રીજા નંબરના મોટા દેશ તરીકે સાઉથ કોરિયા ઊભર્યો હતો. 
આ તરફ એક નવી ઘટના અમેરિકામાં આકાર પામી હતી. કરન્સી બજારમાં ભ્રષ્ટાચાર થઇ રહ્યાના આક્ષેપ સાથે અમેરિકાના વાયદા પંચે બિટકોઇન વાયદા શરૂ થયા ત્યારથી અત્યાર સુધીની તમામ ટ્રેડિંગ પ્રવૃત્તિઓની માહિતી સત્તાવાળાને પૂરી પાડવાનું બિટસ્ટેમ્પ, ઈટબિટ, કોઈનબેઝ અને કારકેન જેવાં એક્સચેન્જોને જણાવ્યું છે. જો આ કોઈ પણ એક્સચેન્જ દ્વારા બિટકોઇન વેપારમાં ભ્રષ્ટનીતિ આચર્યાનું જણાશે, તો તે ક્રિપ્ટોકરન્સી હાજર અને વાયદાના ભાવને વધુ નીચે જવાનું દબાણ સર્જશે. બિટકોઇન વાયદા બજારમાં ભારે ગેરરીતિ આચરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે અમેરિકન તપાસ એજન્સીએ અસંખ્ય બિટકોઇન એક્સચેન્જ પાસેથી ટ્રેડિંગ ડેટા માગ્યા હોવાનો એક અહેવાલ વોલસ્ટ્રીટ જર્નલે શુક્રવારે પ્રસિદ્ધ કર્યો હતો. 
સાઉથ કોરિયા ગત વર્ષથી જ વર્ચ્યુઅલ કરન્સી ટ્રેડિંગ માટે સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. કોઈનરેઇલ બહુ જાણીતું ટ્રેડિંગ પ્લેટફોર્મ ન હતું. તેમ છતાં આ સમાચારે ક્રિપ્ટોકરન્સી બજારને હચમચાવી મૂકી છે. બિટકોઈનની માફક જ સામાન્ય રીતે ટ્રેડિંગ થતી ઈથેરીય્મ, રિપ્પલ, બિટકોઇન કેસ જેવી કરન્સીમાં પણ ગાબડાં પડ્યાં હતાં. 17 ડિસેમ્બર 2017ના રોજ બિટકોઇન 20,000 ડૉલરની નજીક ઓલ ટાઈમ હાઈ થયો હતો, તેની સામે આજનો ભાવ 47 ટકા નીચે આવી ગયો છે. પણ જો ગતવર્ષના આ જ સમયના ભાવ 2800 ડૉલરને ધ્યાન પર લઈએ તો આજનો ભાવ હજુ 150 ટકા ઉંચો છે.  
બિટકોઇન અને અન્ય ક્રિપ્ટોકરન્સીએ બજારોને વારંવાર જે રીતે હચમચાવી છે, એ જોતાં આખા વિશ્વની સરકારો સાવધ બનીને આ કરન્સી સામે નિયમ કાનૂન કડક બનાવવાની હોડ શરૂ કરી છે. ક્રિપ્ટોકરન્સીના ભાવ આસમાને જતાં ભારતમાં પણ આ કરન્સીમાં ગુના આચરવાનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. ભારતની ગેઇનબિટકોઇન નામની ક્રિપ્ટોકરન્સી પેઢીના માલિક અમિત ભારદ્વાજ સામે હજારો રોકાણકારોએ 2017માં ફરિયાદ કરી ત્યાર પછી ભારતમાં ડિજિટલ કરન્સી કાંડમાં મોટો વધારો થયો છે. આ કંપનીમાં 8000 રોકાણકારોના રૂા. 2000 કરોડ (30 કરોડ ડૉલર) સલવાઈ ગયાનું કહેવાય છે, અને હવે બ્રિટિશ બિઝ્નેસમેન રાજ કુન્દ્રા અને અસંખ્ય નામી લોકોની આવા ગોસમોટાળામાં કરોડો રૂપિયાની સંડોવણી પણ સામે આવી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer