ટ્રમ્પ - કિમ `ભાઈ-ભાઈ'' કોરિયામાં સંપૂર્ણ અણુ નિ:શસ્ત્રીકરણ કરવા ઐતિહાસિક સમજૂતી

ટ્રમ્પ - કિમ `ભાઈ-ભાઈ'' કોરિયામાં સંપૂર્ણ અણુ નિ:શસ્ત્રીકરણ કરવા ઐતિહાસિક સમજૂતી
એજન્સીસ
સિંગાપોર, તા. 12 જૂન
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ - ઉનએ મંગળવારે કોરિયન દ્વીપકલ્પના સંપૂર્ણ અણુનિ:શસ્ત્રીકરણ અંગે કામ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. સામી બાજુ વોશિંગ્ટને તેના જૂના દુશ્મનને સલામતીની ગેરન્ટી પૂરી પાડવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ ઐતિહાસિક શિખર મંત્રણા બાદ ડૉલર મજબૂત થયો હતો અને સોનું તૂટ્યું હતું.
આમ છતાં સિંગાપોરમાં યોજાયેલી ઐતિહાસિક શિખર મંત્રણાના અંતે જાહેર કરાયેલા સંયુક્ત નિવેદનમાં આ લક્ષ્યાંકો કઈ રીતે હાંસલ કરાશે તેની બહુ ઓછી વિગતો પ્રસિદ્ધ કરવામાં આવી હતી.
નોર્થ કોરિયાનું વિધિસરનું નામ ડેમોક્રેટિક પીપલ્સ રિપબ્લિક અૉફ કોરિયા (ડીપીઆરકે) છે.
ટ્રમ્પે કહ્યું હતું કે અણુનિ:શસ્ત્રીકરણ પ્રક્રિયા ખૂબ જલદી શરૂ થઈ જશે એવી ધારણા છે. યુએસના સ્ટેટ સેક્રેટરી માઈક પોમ્પીઓ અને ઉત્તર કોરિયાના અધિકારીઓ વચ્ચે આનુષાંગિક વાટાઘાટો શક્ય તેટલી વહેલી શરૂ થઈ જશે.
ડોનાલ્ડ ટ્રમ્પ કેપેલા હોટેલ ખાતે પ્રથમ પહોંચ્યા હતા. ટેલિવિઝન ઈમેજ દર્શાવે છે કે કિમ જોંગ-ઉન પાછળથી પહોંચ્યા હતા.
રાજકીય વિશ્લેષણકારો જણાવે છે કે આ શિખર મંત્રણાની ફળશ્રુતિ માત્ર પ્રતિકાત્મક છે, પણ કશું વાસ્તવિક નથી. અમુક નિષ્ણાતો માને છે કે 10 વર્ષથી વધુ સમય પૂર્વે વાટાઘાટો જ્યાં પડતી મુકાઈ હતી તેનાથી આગળનું કોઈ પગલું જણાતું નથી.
વળી આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોના કારણે ઉત્તર કોરિયાનું અર્થતંત્ર જે કચડાઈ ગયું છે તેના અંગેનો કશો જ ઉલ્લેખ આ દસ્તાવેજોમાં નથી. વળી શાંતિ સંધિ પર આખરી સહી કર્યાનો કોઈ ઉલ્લેખ પણ નથી. અત્રે યાદ રાખવું ઘટે કે 1950-53 કોરિયન વોર વેળા ઉત્તર કોરિયા અને અમેરિકા સામસામે હતા અને ટેક્નિકલી હજી યુદ્ધની સ્થિતિમાં છે. સંયુક્ત નિવેદનમાં એ કહેવાયું છે કે યુદ્ધ કેદીઓના અવશેષો શોધી કાઢવા અને તેને સ્વદેશ મોકલવા બન્ને દેશો સહમત થયા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer