સરકાર હસ્તક બૅન્કો ઉપર દેખરેખ રાખવા આરબીઆઇને વધુ સત્તાની જરૂર : ઊર્જિત પટેલ

સરકાર હસ્તક બૅન્કો ઉપર દેખરેખ રાખવા આરબીઆઇને વધુ સત્તાની જરૂર : ઊર્જિત પટેલ
પીટીઆઈ
નવી દિલ્હી, તા. 12 જૂન
જાહેર ક્ષેત્રની બૅન્કોની દેખભાળ રાખવા રિઝર્વ બૅન્કને વધુ સત્તાની જરૂરત છે, એમ રિઝર્વ બૅન્કના ગવર્નર ઊર્જિત પટેલે સંસદીય પેનલને વધતી બેડ લોનના સંદર્ભમાં જણાવ્યું હતું.
ફાઇનાન્સ અંગેની સંસદની સ્થાયી સમિતિ સમક્ષ ઊર્જિત પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમને કાયદા ઘડવૈયાઓના બેડ લોન, બૅન્ક કૌભાંડ, રોકડ તંગી અને અન્ય ઇસ્યૂઓ અંગે પ્રશ્નોના જોરદાર મારાનો સામનો કરવો પડયો હતો.
ગવર્નરે આ સભ્યોને ખાતરી આપી હતી કે સિસ્ટમને મજબૂત બનાવવાનાં પગલાં લેવાયાં છે.
જાહેર ક્ષેત્રની બૅન્કો અંગે તેમણે પેનલને જણાવ્યું હતું કે તેમના પર આરબીઆઈનો અંકુશ અપૂરતો છે. આ સરકાર સંચાલિત બૅન્કો પરના અંકુશ માટે રિઝર્વ બૅન્કને વધુ સત્તા મળવી જોઈએ, એવી માગણી તેમણે કરી હતી.
સરકારી માલિકીની 21 બૅન્કો છે, જેમાં સ્ટેટ બૅન્ક અૉફ ઇન્ડિયાનો પણ સમાવેશ થાય છે. આ બૅન્કોની કુલ ખોટ 2017-18માં રૂા. 873 અબજની થઈ છે અને તેમાં રૂા. 123 અબજની ખોટ સાથે પંજાબ નેશનલ બૅન્ક ટોચ પર છે. પંજાબ નેશનલ બૅન્ક કૌભાંડગ્રસ્ત છે.
21 સરકારી બૅન્કોમાંથી માત્ર બે બૅન્કોએ જ નફો દર્શાવ્યો છે. 2017-18માં ઇન્ડિયન બૅન્કે રૂા. 12589.9 કરોડનો અને વિજયા બૅન્કે રૂા. 727 કરોડનો નફો દર્શાવ્યો છે.
સમગ્ર બૅન્કિંગ ક્ષેત્રની ગ્રોસ નોન-પરફોર્મિંગ એસેટ (એનપીએ) ડિસેમ્બર 2017 આખરે રૂા. 8.31 ટ્રીલીયન થઈ હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer