વૉલમાર્ટ-ફ્લિપકાર્ટ સોદાની સામે સુરક્ષા માગતા નાના વેપારીઓ આવતા મહિને ધરણાં અને આંદોલન દ્વારા સંગઠનનો પરચો બતાવશે

વૉલમાર્ટ-ફ્લિપકાર્ટ સોદાની સામે સુરક્ષા માગતા નાના વેપારીઓ આવતા મહિને ધરણાં અને આંદોલન દ્વારા સંગઠનનો પરચો બતાવશે

વ્યાપાર ટીમ
મુંબઈ, રાજકોટ, અમદાવાદ, તા. 12 જૂન
વૉલમાર્ટ-ફ્લિપકાર્ટના સોદાએ નાના વેપારીઓનાં સંગઠનોને એકછત્ર હેઠળ લાવ્યાં છે. વેપારી સંગઠનોએ દેશભરમાં બીજી જુલાઈએ ધરણાં અને 23થી 25 જુલાઈ દરમિયાન નવી દિલ્હીમાં આંદોલન કરવાની ચેતવણી આપી છે. કંપનીઓના વેપારી સંગઠનોની માગણી વિદેશી કંપનીઓના રિટેલ ક્ષેત્રે પ્રવેશની સામે નાના વેપારીઓની સુરક્ષાની છે. નાના અને મધ્યમ વેપારીઓ ઓનલાઇન કંપનીઓના પ્રવેશથી મુશ્કેલીમાં આવ્યા છે. ત્યારે વૉલમાર્ટ-ફ્લિપકાર્ટના સોદાએ તેમના અસ્તિત્વ સામે ગંભીર પડકાર ફેંકયો છે, એવી સંગઠનોની દલીલ છે.
દેશભરના રિટેઇલ વેપારીઓ કેન્દ્ર સરકાર વિરુદ્ધમાં ફરીથી મેદાને પડવાના છે. આગામી 23થી 25 જુલાઈ દરમિયાન દિલ્હીમાં  નાના-મોટા હજારો વેપારીઓ એકઠા થઇને વોલમાર્ટ-ફ્લિપકાર્ટ સોદા પછી ધંધા ઉપર મંદીનાં વાદળો ઘેરાશે તેવા કથિત ભય સામે ઉગ્ર આંદોલન કરવા જવાના છે, એમ કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેટ)ના નેશનલ ચૅરમૅન મહેન્દ્ર શાહે જણાવ્યું હતું.
કન્ફેડરેશન ઓફ ઇન્ડિયા ટ્રેડર્સની વાર્ષિક સભા અમદાવાદ ખાતે મળી હતી. સભા બાદ મહેન્દ્ર શાહે એક વાતચીતમાં એમ પણ જણાવ્યું હતું કે,  અત્યાર સુધી કોઈ પણ ઈકોમર્સ કંપની ભારતમાં આવી ત્યારે વેપારીઓ પર કોઈ ખાસ ખતરો આવ્યો નહોતો, પરંતુ ફ્લિપકાર્ટના નામે વોલમાર્ટ જે રીતે ભારતમાં આવી ગયું છે તે જોતાં એવું લાગે છે કે આવનારા દિવસોમાં દેશના કરોડો નાના દુકાનદારોને તેની માઠી અસર પડશે અને ધંધા-રોજગાર ઠપ થઈ જવાની પૂરી શક્યતા છે.'
 આ અંગે ઓલ ઇન્ડિયા કન્ફેડરેશન ઓફ ઓલ ટ્રેડર્સ ઇન્ટરનેશનલના  પ્રેસિડેન્ટ બી સી ભરતિયા જણાવે છે કે `ભારતમાં વોલમાર્ટ ઓલા અને ઉબેર ટેક્સીના મોડલ પર કામ કરશે. 
વાર્ષિક સભામાં માત્ર ફ્લિપકાર્ટ, વોલમાર્ટ જ નહિ પરંતુ જીએસટીને સરળ બનાવવા માટે પણ ચર્ચા થઇ હતી. 
ફ્લિપકાર્ટ-વોલમાર્ટ ડીલના વિરોધમાં આ સંસ્થા ઇડી અને કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયામાં પણ ગઇ. જરૂર પડે તો સુપ્રીમ કોર્ટના દ્વાર પણ ખખડાવવામાં આવશે.
આ અંગે વધુ વિગત આપતાં અને ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલ જણાવે છે કે `દેશમાં જ્યારે અંગ્રેજો આવ્યા એ પહેલા આ જ પ્રકારની માનસિકતા તૈયાર થઈ હતી અને આપણે તેની જાળમાં આવી ગયા હતા અને ફરીથી વોલમાર્ટના રૂપમાં ભારતદેશ ઉપર કબજો કરવા વિદેશી આક્રમણ થઇ રહ્યું છે એવું સમજવું. 
વિરોધ કરવા દેશભરમાંથી કમસેકમ 10,000 વેપારીઓ 23 જુલાઈના રોજ દિલ્હી આવશે અને ત્રણ દિવસ સુધી કેન્દ્ર સરકારના વિવિધ વેપારવિરોધી વલણનો વિરોધ કરશે અને આ સોદો રદ કરવાનો પણ ઠરાવ થશે. ઉપરાંત જીએસટીને સરળ કરવા માટે પણ ચક્રો ગતિમાન કરવાં જરૂરી છે, કારણકે વેપાર-ધંધા ઠપ થઈ ગયા છે અને ખૂબ જ મુશ્કેલી આવી રહી છે.'
 બે દિવસ ચાલેલી કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સની બેઠકમાં કુલ 25 રાજ્યોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer