વેપારયુદ્ધના ભયે સોનામાં મજબૂતી


અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 15 જૂન
ઇક્વિટી માર્કેટમાં કરેક્શન અને વેપારયુદ્ધને લીધે વૈશ્વિક સોનાના ભાવ 1300ની સપાટી નજીક સ્થિર રહી શક્યા છે. જોકે, ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલી ઓવરનાઇટમાં જરૂર આવી હતી. ન્યૂ યૉર્ક સોનું 1302 ડૉલર સુધી ઊંચકાયા પછી આ લખાય છે ત્યારે 1298 હતુ. એકંદરે બુલિયન બજારમાં વધઘટ સાવ ટૂંકી છે. યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે ગુરુવારે વ્યાજના દર સ્થિર રાખ્યા હતા. એ કારણે ડૉલરના મૂલ્યમાં મજબૂતી જોવા મળી હતી. ઇક્વિટી માર્કેટમાં વેચવાલીને લીધે સુસ્તી હતી. જોકે સોનું ખરીદવામાં રોકાણકારોનો ખાસ ઉત્સાહ ન હતો. 
અભ્યાસુઓએ કહ્યું કે, બજારોમાં અમેરિકા અને ચીનના વ્યાપારી સંબંધોને લઇને ચિંતા છે. ટેરિફ વૉર ચાલી રહી છે એટલે હવે આવનારા દિવસોમાં કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે એ જોવાનું છે. અમેરિકા ઊંચી ટેરિફ ચીનથી આવતા માલ ઉપર લગાડવા માટે મક્કમ છે. આ મુદ્દે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે પણ ટ્રમ્પની ટેરિફ વૉર સામે ભય વ્યક્ત કર્યો છે. ચેતવણી આપતાં એમ પણ જણાવ્યું છે કે, એ કારણે વૈશ્વિક ટ્રેડિંગ સિસ્ટમ પ્રભાવિત થશે. અન્ય દેશોના સંબંધો પણ બગડશે. સરવાળે તો અમેરિકી અર્થતંત્ર ઉપર પણ તેની માઠી અસર દેખાશે.
ન્યૂ યૉર્કમાં ચાંદીનો ભાવ ઔંસદીઠ 17.16 ડૉલરની સપાટીએ હતો. ચાંદી પણ ઉપલા મથાળેથી નબળી પડીને ઘટી છે. આગામી અઠવાડિયામાં જો વેપારયુદ્ધના મામલે વાતાવરણ ગરમ બને તો સોના-ચાંદીમાં તેજી આવશે. જોકે, ચાર્ટ પ્રમાણે 1306 વટાવાય તો સોનું વધી શકશે.
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂા. 100 વધતા રૂા. 31,700ની સપાટીએ હતો. ચાંદી એક કિલોએ રૂા. 100 ઊંચકાઇને રૂા. 41,000 હતી. મુંબઇ સોનું રૂા. 20 વધી રૂા. 31,250 અને ચાંદી રૂા. 445 વધી રૂા. 41,515 હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer