નાળિયેરનાં ઉત્પાદનમાં ભારતની હરણફાળ : ઇન્ડોનેશિયાને પછાડી ટોચનું સ્થાન કબજે


દેશની કોકોનટ પ્રોડક્ટસની નિકાસમાં 60 ટકાનો વધારો
 
કલ્પેશ શેઠ
મુંબઈ, તા. 15 જૂન
શુભકાર્યમાં હંમેશા વપરાતા નાળિયેરે વધુ એક શુભકાર્ય કરીને ભારતનાં કૃષિ અર્થતંત્રની યશકલગીમાં એક પીછું ઉમેર્યું છે. છેલ્લાં ચાર વર્ષ ભારતનાં ખેડૂતોએ નાળિયેરનાં ઉત્પાદનમાં સતત વધારો કરીને વિશ્વમાં ટોચ પર રહેલા ઇન્ડોનેશિયાને પાછળ રાખી દીધું છે. વિતેલા વર્ષમાં હેક્ટર દીઠ 11506 નાળિયેરના ઉત્પાદન સાથે ભારતે કુલ 20.82 લાખ હેક્ટરમાં 2395 કરોડ રૂપિયાના નાળિયેરનો પાક લીધો છે અને વિશ્વમાં ત્રીજા સ્થાનેથી આગળ નીકળીને પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે.
 કેન્દ્રીય કૃષિપ્રધાન રાધામોહન સિંહે આપેલા સરકારી આંકડા પ્રમાણે નાળિયેર તથા તેના વિવિધ ઉત્પાદનો ભારતનાં જીડીપીમાં 27900 કરોડ રૂપિયાનો માતબર ફાળો આપે છે. સાલ 2013થી 2015નાં સમયગાળામાં દેશમાં 421040 લાખ નાળિયેરનું ઉત્પાદન થયું હતું, જ્યારે વર્ષ 2015-17ના સમયગાળામાં તે વધીને 4,44,050 નોંધાયું છે. જે આશરે પાંચ ટકાથી વધારેનો વધારો દર્શાવે છે. આ સમયગાળાં ભારતે 4846 કરોડ રૂપિયાનાં કોકોનટ ઉત્પાદનનોની વૈશ્વિક બજારમાં નિકાસ પણ કરી છે. જે વર્ષ 2011 -14નાં ગાળામાં નિકાસ 3017 કરોડ રૂપિયા હતી. આમ આ ઇન્ડસ્ટ્રીના નિકાસના વેપારમાં 60 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. મલેશિયા, ઇન્ડોનેશિયા તથા શ્રીલંકા જેવા દેશોમાં પણ ભારતે છેલ્લાં બે વર્ષમાં નાળિયેર તેલની નિકાસ શરૂ કરી છે. અગાઉ આપણે આ દેશોમાંથી નાળિયેર તેલની આયાત કરતા હતા. ભારતે પહેલીવાર અમેરિકા તથા યુરોપના દેશોમા પણ સુકા નાળિયેર તથા અન્ય કોકોનટ પ્રોડક્ટસની નિકાસ શરૂ કરી છે.
છેલ્લા એક દાયકામાં દેશમાં નાળિયેરની ખેતી કરતા ડઝનેક રાજ્યોનાં આશરે 62400 હેક્ટર વિસ્તારને સાયન્ટિફિક ફાર્મિંગ પદ્ધતિથી વધુ પ્રોડક્ટિવ બનાવવામાં આવ્યો છે. વર્ષ 2010 થી 2013 સુધીનાં સમયગાળામાં ઇન્ડોનેશિયા 18 કરોડ 30 લાખ ટનનાં ઉત્પાદન સાથે વિશ્વમાં ટોચના સ્થાને હતું . જ્યારે ફિલીપાઇન્સ 15 કરોડ 35 લાખ ટનના ઉત્પાદન સાથે બીજા ક્રમે હતું. ભારત 11 કરોડ 93 લાખ ટનના ઉત્પાદન સાથે ત્રીજા ક્રમે હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer