નર્મદા પ્રોજેક્ટ માટે કો-અૉપરેટિવ મોડલ અપનાવશે ગુજરાત


એજન્સીસ
અમદાવાદ, તા. 15 જૂન
એક અખબારી અહેવાલ મુજબ સિંચાઈ માટે પાણીની ખેંચ હોવાથી ગુજરાત સરકારે કો-અૉપરેટિવ મોડલને મજબૂત બનાવવાનો નિર્ણય કર્યો છે. નર્મદા નદી ડેમ દ્વારા છોડાતાં સિંચાઇનાં પાણીની વ્યવસ્થા કરવાનું, લેવી ચાર્જ કરવાનું અને યોગ્ય વિતરણ કરવાનું આથી સુગમ બની રહેશે.
સરદાર સરોવર નર્મદા નિગમ લિ. જે ડેમની વ્યવસ્થા સંભાળે છે તે ગુજરાતમાં છે પણ 3 અન્ય રાજ્યો જેવાં કે મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્રને પણ નર્મદાનાં પાણીનો લાભ મળે છે.
ગુજરાત સરકારે પાર્ટીશીપેટરી ઇરિગેશન મેનેજમેન્ટ (પીઆઈએમ)ને મજબૂત બનાવવા 12 સભ્યોની કમિટી નીમી છે જે કો-અૉપરેટિવ સ્ટ્રક્ચરનો પાયો નાખશે. આ કમિટીના અધ્યક્ષ બી. એન. નવલવાલા રહેશે જે કેન્દ્ર સરકારના જળસ્રોત મંત્રાલયના ભૂતપૂર્વ સેક્રેટરી છે અને અત્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના સલાહકાર છે.
કમિટી આ બાબતને અભ્યાસ કરશે અને 3 મહિનામાં તેનો અહેવાલ સુપરત કરશે. આમાં ખેડૂતો જળની એકસમાન વહેંચણી કરી શકશે, કેનાલની જાળવણી કરશે અને ચાર્જીસ વસૂલ કરશે.
સામાન્ય વર્ષમાં ગુજરાત સરકાર સિંચાઈ માટે નર્મદાનાં પાણી જુલાઈથી માર્ચ સુધી આપે છે પણ ઉનાળામાં એપ્રિલથી જૂન સુધીમાં પાણી આપવાની જોગવાઈ નથી.
આમ છતાં સારા વરસાદ પાણીના કારણે છેલ્લાં થોડાંક વર્ષોથી સરકાર એપ્રિલથી જૂનમાં પણ પાણી  પૂરું પાડે છે. આમ છતાં આ વર્ષની શરૂઆતમાં પાણીના ઓછા પુરવઠાને લઈ જણાવ્યું હતું કે તે આ ઉનાળામાં ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી પૂરું નહીં પાડી શકે. નિષ્ણાતો માને છે કે ખેડૂતોના ઍસોસિયેશને કે કો-અૉપરેટિવ આ પરિસ્થિતિ વધુ સારી રીતે સંભાળી શકશે.
ખેડૂતોને સિંચાઈમાં માલિકીહક્ક મળશે એટલે તેઓ પાણીનો દુરુપયોગ નહીં કરે અને સ્રોતોને નુકસાન નહીં થવા દે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer