લંગરોને જીએસટી રિફંડ કઈ રીતે મળશે? ભગવાન જાણે...


નવી દિલ્હી, તા.15 જૂન
સંસ્કૃતિ મંત્રાલયની વિનંતીથી સેન્ટ્રલ બોર્ડ અૉફ ઈન્ડાયરેક્ટ ટૅક્સીસ ઍન્ડ કસ્ટમ્સ (સીબીઆઈસી) પોતે જ મૂંઝવણમાં મૂકાઈ છે. આ મંત્રાલયની વિનંતી છે કે ગુરુદ્વારા જેવી ધાર્મિક સંસ્થાઓ દ્વારા ખરીદવામાં આવતા અન્ન પદાર્થો ઉપરના સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટૅક્સ (સીજીએસટી) અને સ્ટેટ જીએસટીના રિફંડ માટેનું એક માળખુ સીબીઆઈસી બનાવે. પરંતુ સીબીઆઈસી માળખુ નક્કી કરવામાં મૂંઝાઈ ગઈ છે. 
માળખું તૈયાર કરવા માટે ગયા અઠવાડિયે સંસ્કૃતિ અને નાણાપ્રધાનના અધિકારીઓની મિટિંગ યોજાઈ હતી. આ મિટિંગમાં ઉપસ્થિત એક અધિકારીએ જણાવ્યું હતું કે, સંસ્કૃતિ મંત્રાલયની રિફંડ માટે કુશળતા નહીં હોવાથી એવો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો કે સીબીઆઈસીને ભંડોળ સોંપવામાં આવે અને ફિલ્ડ અૉફિસર વાઉચર વેરિફાઈ કરીને રિફંડની ચુકવણી કરે. 
કેન્દ્ર સરકારે સંસ્કૃતિ મંત્રાલય અંતર્ગત `સેવા ભાવ યોજના' અમલમાં મૂકી છે, જે નાણાં વર્ષ-19 અને 20 માટે છે. આ યોજના અંતર્ગત $325 કરોડની નાણાકીય મદદ કરવામાં આવશે. સંસ્કૃતિ મંત્રાલયે 31 મેના રોજ આદેશમાં કહ્યું કે, ધર્માદા સંસ્થાઓ દ્વારા અમુક ચીજ/વસ્તુઓની ખરીદી લોકોને મફતમાં ભોજન આપવા માટે થતી હોવાથી ભારત સરકારે આમાં નાણાકીય મદદ પૂરી પાડવી જોઈએ. અધિકારીનું કહેવું છે કે સીબીઆઈસીને સમજાતું નથી કે કયા બજેટમાં સંસ્કૃતિ મંત્રાલયને આ ભંડોળ અપાયું છે, તેમ જ રિફંડ કઈ રીતે કરવું તેની પણ દ્વિધા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer